મેં કામથી ઓળખ પ્રસ્થાપિત કરી છેઃ પ્રતિમા - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • મેં કામથી ઓળખ પ્રસ્થાપિત કરી છેઃ પ્રતિમા

મેં કામથી ઓળખ પ્રસ્થાપિત કરી છેઃ પ્રતિમા

 | 2:11 am IST

લગભગ ચાળીસ વર્ષોથી નાટક, ફિલ્મ અને ધારાવાહિકમાં અભિનય કરતા કલાકાર પ્રતિમા કનન ઉર્ફે પ્રતિમા કાઝમી હાલમાં શ્રેણી સિયા કે રામમાં રાવણના માતા કૈકસીની ભૂમિકા ભજવી રહ્યા છે. પ્રતિમાની ત્વચાનો રંગ શ્યામ છે. ગ્લેમર વર્લ્ડમાં શ્યામ રંગને આજે પણ ભેદભાવની  નજરે જોવામાં આવે છે. જેનો સામનો સ્મિતા પાટીલથી લઈને નવાઝુદ્દીન સિદ્દીકીએ કર્યો છે. પ્રતિમા આ મુદ્દે વાત કરતાં કહે છે કે, ફિલ્મ હોય કે ટીવી દરેક ક્ષેત્રે લોકોને મમ્મીની ભૂમિકા માટે પણ શ્વેત રંગ ધરાવતા કલાકારનો આગ્રહ હોય છે. શ્યામ રંગ આજે પણ ઈન્ડસ્ટ્રીના કેટલાય લોકોની આંખોને નથી ગમતો. આ પ્રકારના ભેદભાવનો સામનો મેં પણ કર્યો છે. આજે પણ ક્યારેક તેનો સામનો કરવાનું બને છે પરંતુ હકીકત એ પણ છે કે પર્ફોર્મન્સ હવે ત્વચાના રંગ પર ભારે પડી જાય છે. બહુ સુંદર ગોરો ચહેરો હોય પણ અભિનય પ્રભાવશાળી ન હોય તો શું કામનું?!

મેં મારા કામથી મારી ઓળખ પ્રસ્થાપિત કરી છે. કારણ કે પ્રતિભા ક્યારેય હારતી નથી. નવાઝ (નવાઝુદ્દીન સિદ્દીકી) જ્યારે ઈન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે તેમને પણ શ્યામ રંગને કારણે ભેદભાવનો સામનો કરવો પડયો હતો પણ આજે તેઓ ફિલ્મઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. (ઉલ્લેખનીય છે કે, ફિલ્મ બદલાપુરમાં નવાઝુદ્દીને ભજવેલા પાત્રની માતાની ભૂમિકા પ્રતિમાએ ભજવી હતી) પણ શ્યામ રંગને કારણે ક્યારેક ફાયદો પણ થયો છે. ફાયદો એ રીતે કે ક્યારેક અમુક સશક્ત પાત્ર મળી જાય છે. એવા પાત્ર જેને ભજવી શકવું દરેકના હાથની વાત નથી હોતી.

અમે દિલ્હીમાં રહેતા હતા. ત્યાંની કોલોનીમાં અમે રામલીલા ભજવવાની શરૃઆત કરી હતી. મારા પપ્પા-મમ્મી અને મારા ભાઈઓ તેમાં રોલ કરતા. પણ હું તેમાં રોલ ભજવવાથી દૂર રહેતી. અમે ખ્રિસ્તી એટલે કોલોની અને આસપાસના લોકો કહેતા કે ચાલો ખ્રિસ્તીઓની રામલીલા જોવા. મારા મામા લખનૌમાં રહેતા હતા. તેઓ રામલીલામાં રાવણનું પાત્ર ભજવતા. તેઓ રાવણના પાત્રથી એટલા જાણીતા થઈ ગયા હતા કે અમે તેમના ઘરે જવા લખનૌ સ્ટેશને ઉતરીને અમારે રિક્ષાવાળાને એટલું જ કહેવાનું રહેતું કે અમારે રાવણના ઘરે જવું છે. બસ કોઈ પણ રિક્ષાવાળા અમને મામાના ઘરે મૂકી જાય બીજા કોઈ સરનામાની જરૃર જ નહીં ને!

આજે જ્યારે હું ધારાવાહિકમાં રાવણની માતાની ભૂમિકા ભજવી રહી છું ત્યારે મારા ભાઈઓ મારી સાથે મજાક કરતાં કહે છે કે, જો તે વખતે તુ રામલીલામાં કામ કરવાથી દૂર ભાગતી અને હવે તારે તેમાં કામ કરવું જ પડયું ને! આજકાલ જ્યારે સિનેજગતમાં બાયોપિકનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે ત્યારે પ્રતિમા કઈ ભૂમિકા ભજવવા ઈચ્છે છે તેમ પૂછતા તેમણે કહ્યું કે, કેટલાક વર્ષો પહેલા ફિલ્મમાં માયાવતીનો રોલ કરવાની ઓફર આવી હતી. તે ફિલ્મ જો કે બની જ નહીં. માયાવતીનું પાત્ર ભજવવા માટે એક વખત નહીં પરંતુ બે-ત્રણ વખત ઓફર આવી, પરંતુ ક્યારેય કોઈ ફિલ્મ બની જ નહીં. હવે જો ફિલ્મ બને તો મને માયાવતીનું પાત્ર ભજવવાની ઈચ્છા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન