મેન્થા ઉપર સટ્ટોડિયાઓની પકડઃ ભાવમાં ઝડપી વધારો - Sandesh

મેન્થા ઉપર સટ્ટોડિયાઓની પકડઃ ભાવમાં ઝડપી વધારો

 | 1:15 am IST

કોમોડિટી કરંટ :  કમલ શર્મા

કોમોડિટી બજારમાં છેલ્લાં કેટલાંક સમયથી તેજીનો માહોલ છે અને દરેક કોમોડિટીમાં એકબીજાને પાછળ રાખવાની હોડ છે. આ સંજોગોમાં લાંબા સમયથી સુસ્ત મેન્થા ઓઇલ શા માટે પાછળ રહી જાય. જૂન, ૨૦૧૬માં નવું નીચું સ્તર બનાવ્યાં બાદ જુલાઇ મહિનામાં મેન્થા ઓઇલ અત્યાર સુધીમાં ૧૬ ટકા વધ્યો છે. ઉત્તર પ્રદેશમાં મેન્થા ઉત્પાદક પ્રદેશોમાં પાકને નુકશાન થયાના અહેવાલોને કારણે આ સુસ્ત કોમોડિટીમાં મજબૂતાઇ આવી ગઇ છે. 

ઉલ્લેખનીય છે કે મેન્થાનો ઉપયોગ ખાસ કરીને ફર્માસ્યુટિકલ, ફ્ુડ સેફ્ટી, કોસ્મેટિક્સ વગેરે ક્ષેત્રોમાં થાય છે. જૂનમાં કોમોડિટીના ભાવ કિલોદીઠ રૂ. ૯૦૫ના નીચા સ્તરે આવી ગયા હતાં, જે હવે વધીને કિલોદીઠ રૂ. ૧૦૫૬ના સ્તરે પહોંચ્યાં છે. અચાનક આવેલી તેજીને કારણે કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રિઝનો ખર્ચ વધી ગયો છે, પરંતુ તેનો ઉપયોગ ઓછો હોવાને કારણે મોંઘવારીની અસર વર્તાશે નહીં. 

ઉત્તર પ્રદેશ મેન્થા ઓઇલ ઇન્ડસ્ટ્રિ એસોસિયેશનના પૂર્વ પ્રેસિડેન્ટ ફૂલ પ્રકાશના કહેવા અનુસાર મેન્થા ઓઇલના વેપારમાં હાલ સટ્ટોડિયાઓ સક્રિય છે અને ભાવમાં ભારે ચડઉતર અગાઉ જોવા મળી નથી. જે કારોબારી કોમોડિટી એક્સચેન્જમાં વાયદા કારોબાર સાથે સંકળાયેલા છે તેઓ હાજર બજારમાં સક્રિય નથી. આ વર્ષે મેન્થાના નીચા ઉત્પાદનની આશંકા અને માગ વધવાને કારણે સટ્ટોડિયાઓએ જમાખોરી શરૂ કરી દીધી છે.  

પ્રાથમિક આંકડાની વાત કરીએ તો દેશમાં આ વર્ષે મેન્થા ઓઇલનું ઉત્પાદન પાછલા વર્ષની સરખામણીમાં ઓછું રહેવાની શક્યતા હતી. ગત વર્ષે ૩૨ હજાર ટન મેન્થા ઓઇલનું ઉત્પાદન થયું હતું. મે મહિનામાં ભારે ગરમી બાદ વરસાદને કારણે પાકમાં સુધારો આવી શકે છે. વર્ષ ૨૦૧૬-૧૭ માટે મેન્થા ઓઇલનું ઉત્પાદન વધીને ૩૪ હજાર ટન થઇ શકે છે. 

એન્જલ કોમોડિટીના એસોસિયેટ ડિરેક્ટર નવીન માથુરના મત અનુસાર હાજર બજારમાં માગમાં વધારો અને આવક ઘટતાં મેન્થાના ભાવ વધ્યાં છે. હાલમાં મેન્થાની લણણી ચાલી રહી છે અને ઉત્તર પ્રદેશમાં મેન્થા ઉત્પાદક પ્રદેશોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે અને નુકશાનને કારણે આવક ઘટી શકે છે. ઉત્તર પ્રદેશમાં ચંદોસી, બારાબંકી, રામપુર, સંભર પ્રદેશોમાં મેન્થાનું ઉત્પાદન થાય છે. 

મહત્વપૂર્ણ છે કે દુનિયાભરમાં ઉપયોગમાં લેવાતા નેચરલ મેન્થાના લગભગ ૮૦ ટકા હિસ્સાનો સપ્લાય ભારત કરે છે. હાજર બજારમાં છેલ્લાં ત્રણ મહિનામાં આવક ઘટી છે, પરંતુ પાછલા વર્ષના કેરી ઓવર સ્ટોક અને નવા પાકની આવક છતાં પણ ભાવ વધી રહ્યાં છે. 

 કેડિયા કોમોડિટીના અજય કેડિયાના કહેવા મૂજબ મેન્થાનો નવો પાક પાછલા વર્ષની સરખામણીમાં ૧૦ ટકા વધુ રહેશે. ગત મહિને અનુકૂળ મોસમને કારણે ઉત્પાદનની સ્થિતિ બદલાઇ છે અને નિકાસ માગ પણ વધવાની અપેક્ષા છે.   કારોબારીઓના અંદાજ મૂજબ વર્ષ ૨૦૧૨માં મેન્થા ઓઇલના ભાવ કિલોદીઠ રૂ. ૨૨૦૦ના સ્તરે પહોંચી ગયા હતાં ત્યારે દેશમાં સિન્થેટિક ઓઇલની સંખ્યાબંધ ફેક્ટરી ખુલી હતી. જોકે, સિન્થેટિક મેન્થા ઓઇલનું આયુષ્ય માત્ર પાંચ વર્ષ છે અને તેની ગુણવત્તા નેચરલનું સ્થાન લઇ શકતી નથી. આ સંજોગોમાં ફ્રી એકવાર નેચરલ મેન્થાની માગ ઝડપથી વધી શકે છે.