યુનિવર્સિટીએ ચાર અભ્યાસક્રમમાં પ્રવેશ ફી ૨૦૦થી વધારીને ૮૦૦ કરી દીધી - Sandesh
  • Home
  • Newspaper
  • યુનિવર્સિટીએ ચાર અભ્યાસક્રમમાં પ્રવેશ ફી ૨૦૦થી વધારીને ૮૦૦ કરી દીધી

યુનિવર્સિટીએ ચાર અભ્યાસક્રમમાં પ્રવેશ ફી ૨૦૦થી વધારીને ૮૦૦ કરી દીધી

 | 3:30 am IST

કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા મુદ્દે કુલસચિવને ફરિયાદ  

સુરત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૧ની પ્રવેશ પ્રક્રિયાના શ્રાીગણેશ થઇ ગયા છે. બી એસસી બાદ હમણાં અઠવાડિયા પહેલાં જ બીબીએ, બીસીએ, બીકોમ અને એમએસસીઆઇટી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ છે. જોકે, આ ચારેય  અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જુદા જુદા ફોર્મ ભરવાના નિર્ણયને લઇને વિદ્યાર્થીઓમાં ભારે ઊહાપોહ મચી ગયો છે. એટલું જ નહીં, જુદા જુદા  ફોર્મ ભરવાને કારણે વિદ્યાર્થીઓ પાસેથી ૨૦૦ રૂપિયાની જગ્યાએ ૮૦૦ રૂપિયા ખંખેરાઇ જવાની નોબત આવતા યુનિવર્સિટી પ્રશાસન પર  ઉઘાડી લૂંટનો આક્ષેપ લગાડવામાં આવી રહ્યો છે. આ અંદર્ભે સેનેટ સભ્ય કનુ ભરવાડે કુલસચિવને લેખિત ફરિયાદ કરી વિરોધ નોંધાવ્યો છે.

નોંધનીય છે કે, યુનિવર્સિટીમાં છેલ્લાં ૧૦ વર્ષથી ચાલી રહેલી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં હમણાં સુધી બીબીએ, બીસીએ, બીકોમ અને  એમએસસીઆઇઆટી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે સંયુક્ત પ્રવેશ પ્રક્રિયા ચાલતી હતી. તેમાં વિદ્યાર્થી એક જ ફોર્મ ભરી અને એકવાર માત્ર  ૨૦૦ રૂપિયા પ્રોસેસિંગ ફી ચૂકવીને ચારેય અભ્યાસક્રમમાં પ્રવેશ માટે દાવેદારી કરી શકતા હતા. પરંતુ ચાલુ વર્ષે યુનિવર્સિટી પ્રશાસને પહેલા  બીબીએ અને બીકોમની સંયુક્ત પ્રવેશ પ્રક્રિયા સાથે બીસીએ અને એમસીઆઇટી માટે અલાયદી પ્રવેશ સમિતિની રચના કરી છે. જ્યારે  બીબીએ, બીકોમ, બીસીએ અને એમએસસીઆઇટી એમ ચારેય અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને અલાયદા ફોર્મ ભરવાનો આદેશ  કરાયો છે. તેને કારણે વિદ્યાર્થીઓએ દરેક ફોર્મ સાથે ૨૦૦ રૂપિયા પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. એટલે કે અગાઉ વિદ્યાર્થી એક ફોર્મ અને ૨૦૦  રૂપિયા ભરીને ચારેય અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નોંધણી કરાવી શકતો હતો. પરંતુ હવે ચારેય અભ્યાસક્રમમાં જુદા જુદા ફોર્મ ભરીને ૮૦૦  રૂપિયા ભરવાની નોબત આવશે. સમગ્ર મામલે સેનેટ સભ્ય કનુ ભરવાડે કુલસચિવને ફરિયાદ કરીને આ પ્રકારે વિદ્યાર્થીઓને લૂંટવાનો ખેલ  બંધ કરવાની માંગણી કરી છે. તેમજ એક જ ફોર્મમાં ચારેય અભ્યાસક્રમોમાં પ્રવેશની દાવેદારી થઇ શકે એવી વ્યવસ્થા ઊભી કરવાની માંગ  કરી છે.

સલાહકારોએ પ્રવેશ-પરીક્ષામાં કરેલા બદલાવોને લીધે વિદ્યાર્થીઓને હાલાકી  

યુનિવર્સિટીમાં બદલાયેલા સંજોગો અને પરિસ્થિતિ વચ્ચે કુલપતિ અને તેમના સલાહકારોએ ધુપ્પલ ચલાવીને પ્રવેશ-પરીક્ષા પદ્ધતિમાં અનેક  બદલાવો કર્યા છે. જોકે, આ બદલાવો ‘કાગનો વાઘ’ સાબિત થતા વિદ્યાર્થીઓના બૂરા હાલ થઇ ગયા છે. બે વર્ષમાં ઓનલાઇન પ્રવેશ અને  સસ્તા ભાવે સોફ્ટવેરની વાતો કરીને પ્રવેશ પ્રક્રિયામાં થયેલા બદલાવને કારણે હજુ સુધી દર વર્ષે પરીક્ષા પહેલા એનરોલમેન્ટનો પ્રશ્ન સર્જાઇ  રહ્યો છે. બે વર્ષમાં બદલાયેલી પ્રવેશ પ્રક્રિયા પાછળ પણ ખુદને સુપરહીરો સમજતા સલાહકારોનો જ હાથ હોવાનું માનવામાં આવી રહ્યો છે.  કુલપતિના આ સલાહકારો હમણાં નિષ્ક્રિય દેખાઇ રહ્યા છે, પરંતુ તેમને કારણે વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઇ ગયા હોય અને યુનિવર્સિટીની  વહીવટી કામગીરીનું ધનોતપનોત નીકળી ગયું હોય શિક્ષણવિદેમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;