યુવાનોમાં નશાનો ક્રેઝ કેમ વધી રહ્યો છે? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • યુવાનોમાં નશાનો ક્રેઝ કેમ વધી રહ્યો છે?

યુવાનોમાં નશાનો ક્રેઝ કેમ વધી રહ્યો છે?

 | 1:00 am IST
  • Share

એક સરવે મુજબ ભારતમાં દસ કરોડથી પણ વધારે યુવાનો નશાવાળા પદાર્થનું સેવન કરી રહ્યાં છે પણ યુવાનો નશો કરે છે તેની પાછળ કયાં કારણો જવાબદાર છે?

આજકાલ ચારેકોર શાહરુખના દીકરાની ચર્ચા છે. આર્યન ખાન એક ક્રૂઝ ઉપરની પાર્ટીમાંથી પકડાયો જ્યાં ડ્રગ્સ જેવા નશાવાળા પદાર્થો લેતાં લોકો પકડાયા હતા. આર્યન પકડાયો ત્યાર પછી અનેક વાતો સામે આવી, શરૃઆતમાં આર્યન પાસેથી ડ્રગ્સ મળ્યું હોવાની વાત સામે આવી, તે પછી આર્યનની કબૂલાત કે પોતે વીસ વર્ષની ઉંમરથી શોખથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો હોવાની વાત સામે આવી. તે પછી આ કેસમાં આર્યન અને શાહરુખના વકીલની એન્ટ્રી થઇ, જેમણે એવું સાબિત કર્યું કે આર્યન પાસેથી કોઈ જ નશાયુક્ત પદાર્થ જપ્ત નથી થયો, તેની પાસે એવું કંઈ જ નહોતું, વળી આર્યનને આ પાર્ટીમાં ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો, તે સામેથી નહોતો ગયો. ખેર, આ તો બધી મોટા માણસોની વાત છે, જે પૈસા ખર્ચી શકે છે એ કંઈ પણ સાબિત કરી શકે છે. તેમના કેસમાં તેમને ક્લીનચિટ મળી જ જતી હોય છે. આર્યન પહેલાં પણ અનેક સ્ટારકિડ્સના આવા દાખલા સામે આવીને રફેદફે પણ થઇ ગયા છે. પણ વાત એ છે કે આજનું યુવાધન નશાના રવાડે કેમ ચડી રહ્યું છે. ઘણાં યુવાનો એવા છે કે જે નશો કરે છે તેની ઘરમાં ખબર નથી હોતી, તો ઘણાં ખબર હોવા છતાં આંખ આડા કાન કરી દેતા હોય છે.  

યુવાનો નશો કરે છે તેની પાછળ કયાં કારણો જવાબદાર છે? એક સરવે મુજબ ભારતમાં દસ કરોડથી પણ વધારે યુવાનો નશાવાળા પદાર્થનું સેવન કરી રહ્યાં છે. આ માત્ર યુવાનોની જ વાત છે. બાકી આ આંકડો વધારે હોત. ભારતનાં એવાં ઘણાં સ્ટેટ છે જ્યાં નશાની લતનો રેશિયો ખૂબ જ વધારે છે. સવાલ એ થાય કે યુવાનો કેમ નશાવાળા પદાર્થના સેવન પાછળ ઘેલા બને છે? આ પાછળ અનેક કારણો જવાબદાર છે. માત્ર મોજશોખ ખાતર જ નશાયુક્ત પદાર્થોનું સેવન થાય છે એવું નથી, હા, મોજશોખનો ઉદ્દેશ્ય હોય છે પણ ઘણાં કેસમાં એવું બનતું હોય છે કે નાનપણમાં કોઇ માનસિક દુઃખમાંથી બાળક પસાર થયું હોય તે આગળ જતાં આવી લતે ચડી જતાં હોય છે. બાળપણથી માતા-પિતા વચ્ચે કોઇ ઈશ્યૂ ચાલતો હોય, બાળક સતત માતાપિતાને લડતાં ઝઘડતાં સાંભળે અને જુએ ત્યારે એ અંદર અંદરથી દુઃખી થતું રહેતું હોય છે. તેની છાપ તેના મગજ ઉપર ખરાબ પડે છે, બાળપણનો આ ટ્રોમા પણ તેને આગળ જતાં નશાની લતે ચડાવે છે. બાળપણમાં બાળક ખરાબ અનુભવોમાંથી વારંવાર પસાર થતું રહેતું હોય તે આગળ જતાં તેના તે ખરાબ અનુભવોને ભુલાવવા, તેમાંથી બહાર નીકળવા નશાનો સહારો લેતો થઇ જાય છે. એ જ રીતે યુવા વયે દેખાદેખીને કારણે, મોજશોખને કારણે, કોઇ પ્રેશરથી દૂર ભાગવા, માનસિક ટ્રોમાથી દૂર ભાગવા, કોઇના ફોર્સથી, ખરાબ સંગતના કારણે, બડાઈ મારવાના આશયથી, હ્ય્દયભંગ થયું હોય તો આવાં અનેક કારણો હેઠળ ડ્રગ્સ કે બીજા કોઇપણ નશીલા પદાર્થ લેવાના રવાડે ચડી જાય છે. આજકાલ તો આ ટ્રેન્ડ બની રહ્યો છે. મોટા ઘરનાં બાળકોમાં નશીલા પદાર્થનું સેવન એક ક્લાસ બની રહ્યું છે. સમાજ અને દેશ માટે આ ચિંતાજનક વિષય છે. દરેક વ્યક્તિ અલગ અલગ માનસિક વિચારસરણીનો સહારો લઇને નશો કરતી થાય છે.  

નશાથી દૂર રાખવા શું કરવું?             

સ્વાભાવિક વાત છે કે યૂથને નશો કરતું રોકવા માટે તેની પાછળ પાછળ ફરવું શક્ય નથી. એવું હોત તો કદાચ શાહરુખ કે ગૌરીએ આર્યનને રોકી લીધો હોત, પણ એ શક્ય નથી. બાળકો અમુક ઉંમરનાં થાય પછી એક હદથી વધારે તેની ઉપર પ્રેશર પણ અવળું સાબિત થાય છે. તેથી અહીં સમજાવટથી, થોડી બીકથી યુવાનોને નશો કરતાં રોકી શકાય છે. ખાસ કરીને ઘરમાં રોજ ઝઘડતાં પેરેન્ટ્સે બાળકોની સામે ઝઘડો ન કરવો, મોડર્ન વિચારો હેઠળ વધારે છૂટછાટ આપતાં પેરેન્ટ્સે પણ ચેતવું, બહુ બર્ડન લાદતાં અને દબાવીને રાખતાં પેરેન્ટ્સે પણ જાળવવું. કહેવાય છે કે સાપ ડંખે નહીં પણ ફૂંફાડો મારે તો પણ સામેની વ્યક્તિ ડરી જાય છે. પેરેન્ટ્સે આ ફૂંફાડો અને સમજાવટને હથિયાર બનાવીને પોતાના યુવાન થઈ રહેલાં બાળકોને નશાથી દૂર રાખવાં જોઈએ.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો