રક્તદાન એ એકતા માટેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે : પીર મતાઉદ્દીન ચિશ્તી - Sandesh
  • Home
  • Surat
  • રક્તદાન એ એકતા માટેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે : પીર મતાઉદ્દીન ચિશ્તી

રક્તદાન એ એકતા માટેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે : પીર મતાઉદ્દીન ચિશ્તી

 | 3:00 am IST

  • માંગરોળ મોટામિયાં બાવાની દરગાહમાં રક્તદાન કેમ્પ યોજાયો

સુરત, તા. ૮

માંગરોળ તાલુકામાં આવેલ ઐતિહાસિક અને કોમી એકતાના પ્રતીક સમાન મોટામિયાં બાવાની ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને સુરતની રેડ ક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે દરગાહ કમ્પાઉન્ડમાં એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

રક્તદાન શિબિરનો પ્રારંભ કરતા પહેલાં મોટામિયાં બાવાની ગાદીના હાલના ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિશ્તીના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડો. પીર મતાઉદ્દીન ચિશ્તીએ ઉપસ્થિત રક્તદાતાઓ અને અન્ય માનવમેદનીને સંબોધન કરતાં જણાવ્યું કે, રક્ત એ એકતા માટેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એ માટે ઉપસ્થિત સૌને રક્તદાનના આ મહાન કાર્યમાં ઉત્સાહ સાથે ભાગ લેવા હાકલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સુરત રેડક્રોસ બ્લડ સેન્ટરના ડો. પ્રફુલ્લભાઈ શિરોયાએ જણાવ્યું કે, રક્તથી કોઈકની જિંદગી બચી શકે છે. ઘણા કિસ્સાઓમાં સમયસર રક્ત ન મળવાથી માનવી મોતને ભેટે છે. એમણે રક્તદાનના ફાયદાઓની સમજૂતી આપી રક્તદાન કરવા અનુરોધ કર્યો હતો. આ રક્તદાન શિબિરમાં ૧૫૦ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

આ પ્રસંગે સર્વ ડો. પૂજાબેન નથવાની, ડો. રુચિબેન પટેલ, ડો. મયંકભાઈ પટેલ, સતીષ કાયસ્થ, નિકેશભાઈ વસાવા, રક્તવીર મહેશ ટેલર વગેરે હાજર રહ્યા હતા.