રશિયન ટીમ પર ઓલિમ્પિકમાં પ્રતિબંધની શક્યતા - Sandesh
  • Home
  • Sports
  • રશિયન ટીમ પર ઓલિમ્પિકમાં પ્રતિબંધની શક્યતા

રશિયન ટીમ પર ઓલિમ્પિકમાં પ્રતિબંધની શક્યતા

 | 7:17 am IST

વર્ષ ૨૦૧૧થી ઓગસ્ટ ૨૦૧૫ દરમિયાન વિવિધ રમતોમાં ભાગ લેનાર રશિયન ખેલાડીઓના યુરિનના સેમ્પલમાં ફેરફાર કરાયાનું વર્લ્ડ એન્ટિ ડોપિંગ એજન્સી (વાડા)ની રિપોર્ટમાં બહાર આવ્યા બાદ રશિયન એથ્લીટો પર રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. આ મામલે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી) દ્વારા નિર્ણય લેશે કે, રશિયાને રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા દેવો કે નહીં.  

કેનેડાના પ્રોફેસર રિચર્ડ મેક્લારેને વાડા માટે કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે, રશિયાની ગુપ્તચર એજન્સીએ ડોપિંગમાં મદદ કરી હતી. મેક્લારેને કહ્યું કે, તેમણે માત્ર ૫૭ દિવસ સુધી કરેલી તપાસમાં ૫૮૦ ખેલાડીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા અને છેલ્લા પાંચ વર્ષમાં ડોપિંગ ૩૦ રમતો સુધી પ્રસર્યું હતું. મેક્લારેન દ્વારા ૨૦૧૨ના લંડન ઓલિમ્પિક અને ૨૦૧૪ના વિન્ટર ઓલિમ્પિકમાં મોટાપાયે ડોપિંગના કેસ મળ્યા હતા. વાડાની કાર્યકારી સમિતિએ કહ્યું કે, ડોપિંગ સ્કેન્ડલમાં સામેલ રશિયાના તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવા જોઇએ અને રશિયાના સરકારી અધિકારીઓને રિયો ઓલિમ્પિક સહિત આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટોમાં પ્રવેશ ન આપવો જોઇએ.  

આ અંગે આઈઓસી દ્વારા જણાવાયું કે, વાડાનો રિપોર્ટ મળ્યો છે અને તેના પર સાવધાનીપૂર્વક અધ્યયન કરવામાં આવશે. તે પછી કોઈ નિર્ણય લેવાશે. જો કે, રશિયાએ પોતાના પર લગાવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. અગાઉ રશિયાની ટ્રેક એન્ડ ફિલ્ડ એથલિટ્સ પર આઈઓસી દ્વારા રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દેવાયેલો છે. ડોપ ટેસ્ટને કારણે ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશને પ્રતિબંધ લગાવવા માગ કરી હતી. આ દરમિયાન રશિયાના પ્રધાનમંત્રી દિમિત્રિ મેદવેદેવે સોચી વિન્ટર ઓલિમ્પિક ૨૦૧૪ના ડોપિંગ રિપોર્ટમાં નામ આવ્યા બાદ ઉપ-રમતમંત્રી યૂરી નાગોરનિખને સસ્પેન્ડ કરી દીધા છે.

રશિયા દ્વારા કેવી રીતે એથ્લીટોને સાચવ્યા
૨૦૧૦માં વાનકુવરમાં યોજાયેલ વિન્ટર ઓલિમ્પિક વખતે રશિયાના પોઝિટિવ ડોપ ટેસ્ટવાળા ૧૫ એથ્લીટોએ મેડલ જીત્યા હતા જે અંગેની માહિતી વર્ષ ૨૦૧૧માં બહાર આવી હતી. તે પછી વર્ષ ૨૦૧૪માં યોજાયેલ સોચી વિન્ટર ઓલિમ્પિક અગાઉ રશિયા દ્વારા ખેલાડીઓના સ્વચ્છ યુરિનને સાચવવા સ્ટોરેજ બેન્ક ઊભી કરાઈ હતી. સોચી ઓલિમ્પિક માટેની લેબોરેટરીની પાસે રશિયાની સિક્યુરિટી સર્વિસ એફએસબી પણ સામેલ હતી.

જેઓ ખેલાડીઓના પોઝિટિવ યુરિન સેમ્પલમાં સામાન્ય હોલ કરી ડોપિંગવાળું યુરિન બહાર કાઢી અગાઉ એથ્લીટનું લેવાયેલું યુરિન ભરી દેતા હતા. તેમાં વજન ઓછું ન થાય તે માટે તેમાં મીઠું નાખતા હતા. યુરિન સેમ્પલની અદલા-બદલી આસાનીથી થઈ શકે તે માટે એફએસબીના એક મુખ્ય એજન્ટને સોચી એન્ટિ ડોપિંગ લેબોરેટરીમાં સફાઈ અને પ્લમ્બિંગના કોન્ટ્રાક્ટર તરીકે રશિયા દ્વારા મોકલાયો હતો. જો કે, નમૂનાની અદલા-બદલી દરમિયાન બારીક નિશાન છોડયા હતા જે મેક્લારેને માઇક્રોસ્કોપ દ્વારા તપાસ કરતાં સામે આવ્યું છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે, મોસ્કો લેબોરેટરી દ્વારા ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૪ પહેલાંના ૮,૦૦૦ સેમ્પલને નષ્ટ કરી દીધા હતા.

IOC પ્રમુખ થોમસ બાક મુશ્કેલીમાં મુકાયા
રશિયા સામે લાગેલા ગંભીર આરોપ બાદ આઈઓસી પ્રમુખ થોમસ બાક મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે કેમ કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન તેમના ખાસ મિત્ર છે. અગાઉ થોમસ બાકે રશિયાની સમગ્ર ટીમ પર પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કરી દીધો હતો પરંતુ નવા રિપોર્ટમાં થયેલા ચોંકાવનારા ખુલાસા બાદ થોમસ બાક પર દબાણ વધી ગયું છે. તેઓ પાસે અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી પરંતુ રિયો અગાઉ રશિયા સામે લેવામાં આવનાર પગલું અભૂતપૂર્વ હશે. જે રીતે રશિયા દ્વારા યુરિન ટેસ્ટની અદલાબદલી કરી તેને લઈ આઈઓસી અને વાડા સામે પણ ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે.

ઓલિમ્પિકમાં બ્રાઝિલના ૪૬૨ એથ્લીટો ભાગ લેશે
રિયો ડી જાનેરો : બ્રાઝિલના મહાનગર રિયો ડી જાનેરોમાં યોજાનાર ઓલિમ્પિકમાં બ્રાઝિલે ૬૪૨ સભ્યોના દળની જાહેરાત કરી છે. રિયો ઓલિમ્પિકમાં ભાગ લિનાર અત્યાર સુધીની સૌથી મોટી ટીમ છે. બ્રાઝિલની ઓલિમ્પિક સમિતિ દ્વારા કહ્યું કે, કેટલાક ખેલાડીઓને વાઇલ્ડ કાર્ડ પ્રવેશ મળી શકે તેમ હોવાથીઓલિમ્પિક માટે જાહેર કરાયેલા દળમાં હજુ એથ્લીટોની સંખ્યા વધી શકે છે. બ્રિઝિલની ૪૬૨ સભ્યોની ટીમમાં ૨૫૩ પુરૂષ, ૨૦૯ મહિલા સામેલ છે.

આ ઉપરાંત ૩૧૪ કોચ, મેડીકલ સ્ટાફ અન્ય અધિકારી સામેલ કરાયા છે. આ પહેલાં વર્ષ ૨૦૦૮માં યોજાયેલા બેઇઝિંગ ઓલિમ્પિકમાં બ્રાઝિલે ૨૭૭ એથ્લીટોને ઉતાર્યા હતા જ્યારે વર્ષ ૨૦૧૨ લંડન ઓલિમ્પિક ૨૦૧૨માં બ્રાઝિલે ૨૫૯ સભ્યોવાળી ટીમ મોકલી હતી. બ્રાઝિલના ૪૬૨ એથ્લીટો આગામી રવિવારે સ્પોર્ટ્સ વિલેજમાં પહોંચી જશે. ઓલિમ્પિકમાં એક માત્ર એવી સ્પર્ધા છે જેમાં યજમાન બ્રાઝિલની ટીમ ભાગ લઈ રહી નથી.