રોપણીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદો - Sandesh
  • Home
  • Newspaper
  • રોપણીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદો

રોપણીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદો

 | 3:00 am IST

  • ચોમાસાની ઋતુ પાછળ ઠેલાવવાની બાબત તજજ્ઞો માટે સંશોધનનો વિષય બન્યો
  • નવસારી જિલ્લાના તજજ્ઞોનાં મતનુસાર દક્ષિણ ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઇ
    ા નવસારી ા
    હાલમાં ત્રણેક દિવસ દરમિયાન નવસારી જિલ્લામાં સરેરાશ ૩ થી ૪ ઇંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતો ધરુની રોપણીમાં જોતરાયા છે. તજજ્ઞોનાં મતનુસાર દક્ષિણ ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઇ છે, પરંતુ આગામી દિવસોમાં પૂરતા પ્રમાણમાં વરસાદ પડવાની ઉજળી સંભાવનાઓ છે.
    નવસારી કૃષિ યુનિવર્સિટીનાં એગ્રો ક્લાયમેટ વિભાગમાં પૂર્વ નોડલ અધિકારી ડો. નિરજકુમારનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે વરસાદની પેટર્ન દર વરસે સરખી હોય તે સંભવ નથી. વરસાદની પેટર્ન ક્લાયમેટિક વેરિયેબિલિટીને કારણે બદલાય છે. જો કે, છેલ્લા પાંચેક વર્ષથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ જોવા મળે છે. જ્યારે વરસાદની મોસમ સપ્ટેમ્બરને બદલે ઓક્ટોબર સુધી જોવા મળે છે. ચોમાસાની ઋતુ જે રીતે પાછળ ઠેલાઇ રહી છે તે સંશોધનનો વિષય છે.
    તેઓ વધુમાં જણાવે છે કે, સમગ્ર દક્ષિણ ગુજરાત દરિયા કાંઠાથી નજીક આવેલો હોય કોઇક વાર શરૂઆતમાં ખૂબ ઓછો વરસાદ પડયા બાદ એકાદ સિસ્ટમ સક્રિય થતાં મોડે મોડે પણ ભારે વરસાદ પડે છે અને મોસમનો સરેરાશ વરસાદ પડી જાય છે. દક્ષિણ ગુજરાતમાં આ વરસે અત્યાર સુધી સૌરાષ્ટ્ર કરતા ઓછો વરસાદ પડયો છે, પરંતુ જેટલો વરસાદ પડયો છે તે ખેતી માટે રોપણી લાયક વરસાદ પડતાં ખેડૂતો ખુશખુશાલ છે. મોસમનાં આગામી દિવસોમાં પૂરતો વરસાદ પડવાની ઉજળી સંભાવના છે.

    જૂન માસમાં જિલ્લામાં પડેલો વરસાદ
    તાલુકા    કુલ વરસાદ
    નવસારી    ૧૧૧ મિ.મી. (૪.૫૦ ઇંચ)
    જલાલપોર    ૧૧૭ મિ.મી. (૪.૫૦ ઇંચ)
    ગણદેવી    ૮૬ મિ.મી. (૩.૬૦ ઇંચ)
    ચીખલી    ૫૧ મિ.મી. (૨.૦૧ ઇંચ)
    વાંસદા    ૧૩૯ મિ.મી. (૫.૬૦ ઇંચ)
    ખેરગામ    ૭૮ મિ.મી. (૩.૧૦ ઇંચ)

    ૭ જુલાઇ સુધીનો કુલ વરસાદ
    તાલુકા    કુલ વરસાદ
    નવસારી    ૧૮૪ મિ.મી. (૭.૩૬ ઇંચ)
    જલાલપોર    ૨૧૬ મિ.મી. (૮.૬૪ ઇંચ)
    ગણદેવી    ૨૩૫ મિ.મી. (૯.૪૦ ઇંચ)
    ચીખલી    ૩૨૩ મિમી (૧૨.૯૨ ઇંચ)
    વાંસદા    ૩૦૧ મિમી (૧૨.૦૪ ઇંચ)
    ખેરગામ    ૧૮૯ મિ.મી. (૭.૫૬ ઇંચ)

    મંગળવારનો વરસાદ (સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધી)
    તાલુકો    કુલ વરસાદ
    નવસારી    ૧૦ એમ.એમ.
    ગણદેવી    –
    વાંસદા    ૨ એમ.એમ.
    ચીખલી    –
    ખેરગામ    ૩ એમ.એમ.
    જલાલપોર    ૨૮ એમ.એમ.

    વિવિધ ખેતપાકોને આ વરસાદથી ફાયદો
    કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીનાં વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક ડો. સી.કે. ટીંબડીયા જણાવે છે કે હાલમાં નવસારી જિલ્લામાં જે વરસાદ પડયો છે તેનાથી તમામ ખેત પાકોને ફાયદો થશે. જો વરસાદ લંબાઇ જતે તો ડાંગરનાં ધરુ સહિત અન્ય ખેતપાકોની કરેલી રોપણીને નુકશાન થવાની સંભાવના હતી. ડાંગરનાં ધરુને નુકસાન થાય તે પહેલા વરસાદ પડી જતા ખેડૂતો ધરુની ફેર રોપણીમાં જોતરાઇ ગયા છે. જે ખેડૂતો વરસાદ પછી ધરુ ઉછેરે છે તેવા ધરુને નવુ જીવનદાન મળ્યું છે. આ વરસાદ ડાંગર સહિત અન્ય ચોમાસું પાકો ખાસ કરીને શાકભાજી પાકોને ફાયદો થયો છે.

    ચીખલી તાલુકાના કણભઈ ગામના આંબા ફળિયામાં કાચંુ મકાન વરસાદ સાથે જ જમીનદોસ્ત
    ચીખલી ઃ ચીખલી તાલુકાના કણભઈ ગામના આંબા ફળિયામાં રતિલાલ પટેલનું કાચું મકાન પવન સાથેના વરસાદ દરમિયાન અચાનક જમીનદોસ્ત થઈ ગયું હતંુ. બનાવના સમયે પરિવારના તમામ સભ્યો ઘરની બહાર હોય સદનસીબે પરિવારનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો.
    પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના કણભઈ ગામના આંબા ફળિયામાં રહેતા રતિલાલ જીવલાભાઈ પટેલનું કાચું મકાન સોમવારે સાંજે પવન સાથેના વરસાદને પગલે અચાનક જમીનદોસ્ત થતાં શ્રામજીવી પરિવાર ઉપર અણધારી આફત આવી પડી હતી. ઘરના છતપરના પતરાં-નળિયા ઉપરાંત લાકડા પણ તૂટી ગયા હતા. ઘરમાંનું ઘરવખરી સાથે અનાજ પણ પલળી જતાં પરિવાર ભરચોમાસે મુશ્કેલીમાં મુકાયો હતો. ઘર તૂટી પડવાના બનાવની જાણ થતાં ગામના સરપંચ કલ્પનાબેન ઉપરાંત ડેપ્યુટી સરપંચ વિપુલભાઈ, ફડવેલ વિસ્તારના અગ્રણી મહેશભાઈ પટેલે ત્યાં ધસી જઈ ઉપરોકત પરિવાર માટે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક કરી હતી. ઘર તૂટી પડવાના બનાવ દરમિયાન પરિવારના ૬ જેટલા તમામ સભ્યો ખેતરમાં હોય, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવ અંગેની જાણ સરપંચ વિપુલભાઈએ તલાટી સહિતનાને કરી પંચકયાસ માટેની તજવીજ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;