લુણાવાડામાંથી પંચામૃત-અમૂલનું ૨૮૦ પાઉચ બનાવટી ઘી ઝડપાયું - Sandesh
  • Home
  • Newspaper
  • લુણાવાડામાંથી પંચામૃત-અમૂલનું ૨૮૦ પાઉચ બનાવટી ઘી ઝડપાયું

લુણાવાડામાંથી પંચામૃત-અમૂલનું ૨૮૦ પાઉચ બનાવટી ઘી ઝડપાયું

 | 2:45 am IST

પંચામૃત તથા અમૂલ ડેરીના નિષ્ણાત ટીમોએ બાતમીના આધારે દરોડો પાડી કૌભાંડનો પર્દાફાશ કરતાં ચકચાર મચી ગઈ

માંડવી બજારમાં આવેલી ઉશામા સેલ્સ એજન્સીના ગોડાઉનમાં રૃ. ૬૦,૪૦૦ના બનાવટી ઘી સાથે વેપારીની ધરપકડ

। લુણાવાડા ।

મહીસાગર જિલ્લા મથક લુણાવાડાના માંડવી વિસ્તારમાં આવેલી ઉશામા સેલ્સ એજન્સી દુકાનના ગોડાઉનમાં પંચામૃત અને અમુલ બ્રાન્ડના ડુપ્લીકેટ છાપવાળા ઓરીજીનલ જેવા દેખાય તેવા પેકીંગમાં પેક કરી ડુપ્લીકેટ ઘી બનાવી વેચાણ કરતા હોવાનું બહાર આવતાં પોલીસે બનાવટી ઘીના ૨૮૦ પાઉચ ઝડપી પાડી દુકાનદારની ધરપકડ કરી હતી.

મહીસાગર એલ.સી.બી. પોસઇ એચ.એન.પટેલને મળેલી બાતમીના આધારે પોલીસે પંચામૃત તથા અમૂલ ડેરીની ટીમો તથા ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના અધીકારીને બોલાવી ગોડાઉન ઉપર રેડ કરી હતી. જેમાં પંચામૃત ઘીના ૨૦૦ પાઉચની કિ.રૃ. ૪૩,૬૦૦/- તથા અમુલ ઘીના ૮૦ પાઉચની કિ રૃ. ૧૬,૮૦૦/- મળી કૂલ ઘીના પાઉચ ૨૮૦ ની કુલ કિ. રૃ. ૬૦,૪૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ડુપ્લીકેટ ઘી વેચનાર ઉશામા મોયુદ્દીન અનારવાલા રહે- માંડવી બજાર, લુણાવાડાને ઝડપી પાડયો હતો. આરોપી વિરૃધ્ધ લુણાવાડા મથકે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરતાં ચકચાર મચી ગઈ છે.

પંચામૃત અને અમૂલ ડેરીના બ્રાન્ડને નુકસાન થતું હતું

લુણાવાડા મધવાસ દરવાજા પાસે આવેલ ઉશામા સેલ્સ એજન્સીના ગોડાઉનમાં પંચામૃત અને અમુલ ડેરીના બ્રાન્ડના ડુપ્લીકેટ છાપવાળા પેકીંગમાં ઘી અમુલ અને પંચામૃત ડેરીનું જ છે તેવું કહી બનાવટી ઘી ને અસલ ઘી તરીકે વેચાણ થઈ રહ્યું હતું. પંચામૃત અને અમુલ ડેરીના બ્રાન્ડને નુકશાન પહોચાડી તથા પ્રજાના સ્વાસ્થ્ય જોડે ચેડા કરી રહ્યો હોવાની બાતમી બાદ પોલીસે આગળની કાર્યવાહી કરી.

પોલીસે બનાવટી ઘી સાથે વેપારી ઉશામા અનારનાલાને ઝડપી પાડી તપાસ હાથ ધરી

પંચમહાલ-ગોધરા રેન્જ વડા મનોજ શશીધરન તથા મહીસાગર આઇસી પોલીસ અધીક્ષક ડો. લીના પાટીલની ખાધ્ય પદાર્થોની બનાવટ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શનના આધારે મહીસાગર એલ.સી.બી. પોલીસના પેટ્રોલીંગમાં લુણાવાડામાંથી બનાવટી ઘી સાથે ઉશામા અનારવાલાને ઝડપી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.         -એન.વી.પટેલ, નાયબ પોલીસ અધીક્ષક,મહીસાગર

ઘીના રેકેટની તપાસ પોલીસ માટે પડકાર

લુણાવાડામાં આ ઘી ક્યાં બનતું હતું? ક્યાં તેનું પેકીંગ થતું હતું ? તેની પ્લાસ્ટિકની થેલીઓ ક્યાં છપાતી હતી ? અને લુણાવાડા સિવાય આ બનાવટી ઘી ક્યાં વેચાતું હતું ? અત્યાર સુધીમાં બનાવટી ઘીનો કેટલો જથ્થો કયા દુકાનદારને આ બનાવટી ઘીના બનાવનારે વેચાણ કર્યો ? કેટલા દુકાનદારો બનાવટી ઘીનો જથ્થો વેચાણ કરી રહ્યા છે ? આ રેકેટ ક્યાં સુધી પ્રસરેલું છે? વગેરે સવાલો ઉભા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન