લૉકડાઉન મામલે તાપીમાં ગ્રામપંચાયતના કડક વલણમાં પિસાતા અનેક કર્મચારીઓ - Sandesh
  • Home
  • Newspaper
  • લૉકડાઉન મામલે તાપીમાં ગ્રામપંચાયતના કડક વલણમાં પિસાતા અનેક કર્મચારીઓ

લૉકડાઉન મામલે તાપીમાં ગ્રામપંચાયતના કડક વલણમાં પિસાતા અનેક કર્મચારીઓ

 | 3:00 am IST

વ્યારા – તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાઇરસ સંદર્ભે લોકડાઉન તથા કલમ ૧૪૪ના અમલીકરણ અંગે કડક વલણ ગ્રામપંચાયતો દ્વારા અપનાવવામાં આવી રહ્યું છે જે આવકાર્ય છે. પરંતુ કેટલાંક ગામોમાંથી આરોગ્ય વિભાગ સહિતના અનેક વિભાગોમાં ઇમર્જન્સી તથા આવશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ દરરોજ જોખમ ઉપાડીને પણ જનતાની સેવા અર્થે બહાર નીકળતા હોય જેઓ સાથે ઓરમાયું વલણ અપનાવવાનું શરૂ કર્યું હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે. વ્યારાની ઝાંખરી જૂથ ગ્રા.પં.એ સુરત એસ.એમ.સી.આરોગ્ય શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓને ત્યાં જ રહેવાનું અથવા વિભાગ રજા આપે તેવું જણાવી દેતા મૂંઝવણમાં મુકાયા છે.

તાપી જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકડાઉન તથા કલમ-૧૪૪ નો અમલ થાય તે માટે ગ્રામપંચાયતોએ ઝુંબેશ ઉપાડી લીધી છે. કેટલાંક ગામોમાં બહારના વ્યક્તિઓ પ્રવેશ ન કરી શકે તે માટે મુખ્ય રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, અજાણી વ્યક્તિની અવરજવર પર પ્રતિબંધ લાદવા યોગ્ય છે. ગામના પ્રવેશદ્વાર ઉપર કાંટા-ઝાંખરા કે તોતિંગ વૃક્ષો આડા કરી અવરોધ ઊભો કરવાથી બહારની વ્યક્તિ ગામમાં પ્રવેશ કરતા અટકશે જે યોગ્ય છે, પરંતુ આવી પ્રવૃત્તિને લીધે અનેક આડ અસરો પણ થઇ શકે તેમ છે. આ સાથે પોલીસ પેટ્રોલિંગ કે અન્ય આગ કે અન્ય દુર્ઘટનામાં તંત્ર તાત્કાલિક પહોંચી ન શકે તે માટે પણ ગ્રામપંચાયતો વિચારણા કરે તે જરૂરી છે. કેટલાંક ગામોમાં આરોગ્ય વિભાગ કે અન્ય આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓને કડવા અનુભવ કરવા પડી રહ્યા છે.

વ્યારા તાલુકાની ઝાંખરી જૂથ ગ્રામ પંચાયત દ્વારા તો ગામમાંથી સુરત એસ.એમ.સી. આરોગ્ય શાખા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને ગામમાંથી અપડાઉન ન કરવા તથા સુરત ખાતે જ રહેવા જણાવી દીધું છે, આ અંગે ગ્રામપંચાયતે એસ.એમ.સી. આરોગ્ય અધિકારી સુરતને લેખિતમાં જણાવ્યું છે કે, ગામમાંથી સુરત આરોગ્ય શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓ દૈનિક અપડાઉન કરતા હોવાથી હાલ સુરત તેમજ આખા દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી હોવાથી જેઓના લીધે જો ગામમાં કોઇપણ વ્યકિતને કોરોના વાઇરસનું ઇન્ફેકશન થાય તો જેની જવાબદારી કોની? એસ.એમ.સી. સુરતના આરોગ્ય શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓને શક્ય હોય તો રજા આપો અથવા ત્યાં જ રહેવાની વ્યવસ્થા કરી આપવી જોઇએ. જો કે ગ્રામપંચાયતના આરોગ્ય કર્મચારીઓ સાથેના આવા વલણને લીધે કર્મચારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;