વજાઈનલ એરિયા કાળો પડી ગયો છે શું કરવું? - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • વજાઈનલ એરિયા કાળો પડી ગયો છે શું કરવું?

વજાઈનલ એરિયા કાળો પડી ગયો છે શું કરવું?

 | 3:00 am IST
  • Share

તમે તમારા ઈન્ટિમેટ એરિયાના રંગને લઈને ઈન્સિક્યોર છો? ખરેખર તો તે શરીરનો સૌથી નાજુક ભાગ હોય છે અને અન્ય ભાગો કરતાં થોડો ઘાટા રંગનો એટલે કે ડાર્ક (કાળો) હોય છે. તમે ઇચ્છો તો વજાઈનલ એરિયાની કાળાશને દૂર કરી શકો છો 

મહિલાઓમાં ઈન્ટિમેટ એરિયા એટલે કે વજાઈના એરિયા કાળો પડી જવો એ સૌથી સામાન્ય સમસ્યા છે. જોકે સેક્સ અને તે એરિયાના રંગને કોઈ સંબંધ નથી. છતાં પણ આ એરિયાના કાળા રંગથી તેમને શરમ અનુભવાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે બિકિની અથવા શોર્ટ ડ્રેસીસ પહેરવાનો શોખ હોય ત્યારે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે મહિલાઓ એ એરિયામાં બ્લિચ કરવાનું પણ નથી ચૂકતી, પરંતુ વાસ્તવમાં આ જગ્યાએ બ્લિચ કરાવવું સ્વાસ્થ્ય માટે જોખમ રૂપ સાબિત થઈ શકે છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાતા હો તો તેનાં કારણો અને કેટલાંક ઘરેલુ ઉપાયો જાણી લેશો તો ફાયદો થશે. 

શા માટે આ એરિયાનો રંગ કાળાશ પડતો હોય છે?

1 હેર રિમૂવલ ક્રીમનો ઉપયોગ 

મોટાભાગના લોકોમાં ઈન્ટિમેટ એરિયાનો રંગ શરીરના અન્ય ભાગોની ત્વાચાના રંગના શેડ્સથી ઘાટો હોય છે. ખરેખર આ બાબત ખૂબ જ સામાન્ય છે, પરંતુ અમુક કારણો એવાં પણ છે જે આ એરિયાને વધારે કાળો કરી નાખે છે. જેમ કે, પ્યૂબિક હેર રિમૂવ કરનારી ક્રીમ. તેમાં રહેલાં રસાયણ તમારા વજાઈનલ એરિયાની નાજુક ત્વચાને નુકસાન પહોંચાડે છે. 

2 શરીરમાં હોર્મોનલ પરિવર્તન 

સ્ત્રીઓના શરીરમાં હોર્મોનલ ફેરફાર વધારે થતાં હોય છે. સ્ત્રીઓ તેનાં આખા જીવન દરમિયાન અનેક હોર્મોનલ બદલાવમાંથી પસાર થાય છે. પ્રેગ્નન્સી અથવા અન્ય કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે જ્યારે શરીરમાં હોર્મોનનું અસંતુલન થાય ત્યારે વજાઈનલ એરિયાનો રંગ કાળો પડી શકે છે. ગર્ભવતી સ્ત્રીઓમાં આ પરિવર્તન શરૂઆતનાં ચાર અઠવાડિયાંમાં થવા લાગે છે. તે પ્રેગ્નન્સીની શરૂઆતના સંકેતોમાંથી એક હોય છે. ગર્ભાવસ્થા બાદ પણ શરીરમાં અમુક હોર્મોનલ બદલાવ આવે છે, તે બદલાવ બાદ આ સમસ્યા સ્ત્રીઓને થતી હોય છે. આ સમસ્યા થોડાં સમય પછી દૂર થઇ જતી હોય છે, જો હોર્મોનલ બદલાવનાં કારણે કાળાશ આવી હોય તો ચિંતાની જરૂર નથી.

3 જરૂરી પોષણનો અભાવ 

તમે જે પણ આહાર લેતા હો તેનો સીધો પ્રભાવ તમારી ત્વચા અને ઈન્ટિમેટ એરિયાના રંગ પર પડે છે. વિશેષજ્ઞાો કહે છે કે પૌષ્ટિક આહાર જેમ કે, તાજાં ફળ, શાકભાજી અને આખું અનાજ તમારી વજાઈનલ હેલ્થ માટે શ્રેષ્ઠ હોય છે. તેની સાથે જ પ્રોબાયોટિક ખાદ્યપદાર્થ જેમ કે, દહીંનો ખાનપાનમાં સમાવેશ કરો. 

4 વજન વધવું              

વજન વધવાને કારણે સાથળનો વજાઈના તરફનો ભાગ અને વજાઈનાની આસપાસના ભાગમાં ફેટ એકઠી થવા લાગે છે. તેને કારણે ઈન્ટિમેટ એરિયાની ત્વચામાં મેલાનિનનું સ્તર વધી જાય છે અને તે કાળો પડવા લાગે છે. માટે વજન વધારે હોય તો ઉતારવું અને સામાન્ય હોય તો જાળવી રાખવા માટે જીવનશૈલીમાં પરિવર્તન લાવવાં જેમ કે, એક્સરસાઈઝ કરવી, યોગ્ય ડાયટ લેવો વગેરે. 

5 સેનેટરી નેપ્કિન અથવા અન્ય પ્રોડક્ટની આડઅસર 

પરફ્યૂમવાળી વજાઈનલ પ્રોડક્ટ જેમ કે, સોપ, સુગંધિત પેડ્સ વગેરેના ઉપયોગથી મુશ્કેલી થઈ શકે છે. આ કેમિકલયુક્ત પ્રોડક્ટ હોય છે જે તમારા વજાઈનલ એરિયાને ડ્રાય કરી દે છે. તેને કારણે વજાઈનલ ઈન્ફેક્શન અને તે એરિયામાં કાળાશ વધી જાય છે. 

6 વધુ પરસેવો થવો અને વેન્ટિલેશનની ઊણપ 

ટાઈટ કપડાં અથવા પોલિસ્ટરની પેન્ટી પહેરવાને કારણે એ ભાગ જાણે હવાચુસ્ત બંધ થઈ જાય છે. ત્યાં ફ્રેશ એર પહોંચી શકતી નથી. સાથે જ ગરમીના દિવસોમાં પરસેવો થવાને કારણે ત્યાં એક પરત બની જાય છે જે બેક્ટેરિયાને જન્મ આપે છે. તેનાથી વજાઈનલ એરિયામાં કાળાશ આવે છે અને ઈન્ફેક્શન થવાનું જોખમ પણ રહે છે. વજાઈનાની નજીક આવેલા સાથળના ભાગમાં પણ પરસેવો થવાથી અને ચાલવાને કારણે ઘર્ષણ થવાની રેશિસ થવાનું ને ત્યાં કાળાશ થઈ જવાનું જોખમ રહે છે. 

7 સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓ 

સ્ત્રીઓને તેમના સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓ જેમ કે, પીસીઓડી, ગેસ્ટ્રિક કેન્સર, હાઈપોથાઈરોડિઝમ, ઈન્ફેક્શન અથવા મેલાનિનનું વધતું સ્તર પણ ઈન્ટિમેટ એરિયાની ત્વચાને કાળી કરી શકે છે. 

જો તમે પણ તમારા ઈન્ટિમેટ એરિયાના રંગમાં નિખાર લાવવા માટે કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હોય તો તમારે એટલું જાણી લેવું જોઈએ કે તે તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ પ્રોડક્ટ વજાઈનલ એરિયાને ગોરો બનાવવાને બદલે કાળો બનાવી શકે છે. સાથે જ તે ત્યાં ઈન્ફેક્શન પણ પેદા કરી શકે છે. તેથી આ ભાગ પર કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. 

વજાઈનલ એરિયાની કાળાશ દૂર કરવાના સરળ ઉપાયો 

લીંબુ અને ગુલાબજળ : લીંબુ વિટામિન સીથી ભરપૂર હોવાની સાથે એક પ્રાકૃતિક બ્લીચિંગ એજન્ટ પણ છે. તેનો ઉપયોગ કરવાથી તમારી વજાઈનાની આસપાસની ત્વચાની કાળાશ દૂર થઈ શકે છે. ગુલાબજળની ઉત્તમ સુગંધ તમારા ઈન્ટિમેટ એરિયાને પ્રાકૃતિક તાજગી આપશે. 

ઉપયોગની રીત : વજાઈનલ એરિયાની કાળાશ દૂર કરવા માટે એક ચમચી ગુલાબજળમાં અડધી ચમચી લીંબુનો રસ મેળવો. તેને રૂની મદદથી પ્રભાવિત વિસ્તાર એટલે કે જ્યાં કાળાશ હોય તે ભાગમાં લગાવો. પછી આશરે 15થી 20 મિનિટ એમ જ રહેવા દો પછી ઠંડા પાણીથી ધોઈ લો. 

સંતરાં, દૂધ અને મધ : લીંબુની જેમ સંતરાંમાં પણ વિટામિન સી હોય છે, જે હાઈપરપિગ્મેન્ટેશનની સારવારમાં મદદરૂપ હોય છે. દૂધ અને મધની સાથે ઓરેન્જ જ્યૂસનો ઉપયોગ કરવાથી વજાઈનલ એરિયાની કાળાશ દૂર થઈ શકે છે. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે જે તમારી ત્વચાને ટોન કરવામાં મદદ કરે છે. આ સિવાય મધ ડેડ સેલ્સને દૂર કરવામાં પણ મદદરૂપ બની શકે છે. 

ઉપયોગની રીત : બે ચમચી સંતરાંનો જ્યૂસ, એક મોટી ચમચી દૂધ અને એક મોટી ચમચી મધની જરૂર હોય છે. એક વાટકીમાં આ સામગ્રીને મેળવીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને જ્યાં કાળાશ હોય તે ભાગમાં લગાવો અને પછી પાંચથી દસ મિનિટ સુધી માલિશ કરો. માલિશ કર્યાની 10 મિનિટ પછી તમે તેને ઠંડા પાણીથી ધોઈ લો. સારું પરિણામ મેળવવા માટે તેને દિવસમાં ઓછામાં ઓછું બે વાર લગાવો. 

એલોવેરા જેલ : એલોવેરામાં ઘણાં ઔષધીય ગુણ હોય છે અને તે તમારા ઈન્ટિમેટ એરિયાની કાળાશની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ બની શકે છે. તેમાં રહેલા એન્ટિ બેક્ટેરિયલ ગુણ તમારા વજાઈનલ એરિયાને સ્વસ્થ અને સુરક્ષિત રાખવામાં મદદ કરશે સાથે જ તે ઈન્ફેક્શનથી થતી કાળાશને પણ અટકાવે છે. 

ઉપયોગની રીત : તાજાં એલોવેરાનાં પત્તાં લઈને તેમાંથી જેલ કાઢો. જો તમારી પાસે પત્તાં ઉપલબ્ધ ન હોય તો બજારમાં સરળતાથી એલોવેરા જેલ ઉપલબ્ધ હોય છે તે લઈ આવો. આ જેલને કાળાશ પડતા એરિયામાં લગાવો અને ઓછામાં ઓછી 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી સાફ કરી લો. ઉત્તમ પરિણામ માટે એલોવેરા જેલનો રોજ ઉપયોગ કરો. 

(નોંધઃ ઉપરોક્ત ઉપાયો કરતા પહેલાં કોઈ વસ્તુની તમને એલર્જી તો નથીને તેની ખાતરી કરી લેવી જરૂરી છે.)

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો