વણીયાદ્રી પાસે અકસ્માતમાં ચાર મોત થયાં હતા ટોળાએ રેતીના ડમ્પરને આગ ચાંપી હતી - Sandesh
  • Home
  • Baroda
  • વણીયાદ્રી પાસે અકસ્માતમાં ચાર મોત થયાં હતા ટોળાએ રેતીના ડમ્પરને આગ ચાંપી હતી

વણીયાદ્રી પાસે અકસ્માતમાં ચાર મોત થયાં હતા ટોળાએ રેતીના ડમ્પરને આગ ચાંપી હતી

 | 1:21 am IST

બોડેલી ઃ બોડેલી પાસેના વણીયાદ્રી પાસે સર્જાયેલા અકસ્માતમાં ૪ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. એક મહિલા ગંભીર હોઇ વડોદરા રીફર કરાઇ હતી. જેને વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જવાતી હતી તે દરમિયાન જ તેણીનું માર્ગમાં જ મોત નીપજ્યું હતું. આમ આ અકસ્માતના બનાવમાં મૃત્યુઆંક ૫ પર પહોંચ્યો છે.

  • મહિલાને વડોદરા રિફર કરાઇ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યંુ હતું

ગઇ કાલે સાંજે ૫ વાગે એક હાઇવાહકે બાઇક સવાર અને રાહદારીઓને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં ઘટનાસ્થળે ૪ જણના મોત નીપજ્યાં હતા. આ બનાવને પગલે પંથકમાં લોક આક્રોશ ફાટી નીકળ્યો હતો. અકસ્માત સર્જનાર ટ્રકને ઉશ્કેરાયેલા લોકટોળાએ આગ ચાંપી સળગાવી દીધી હતી. ટ્રાફિક જામ કરી દીધો હતો. પોલીસને બોડેલી પાસેથી ટ્રાફિકને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. તો નસવાડી તરફથી આવતા વાહનોની હાઇવે પર કતાર લાગી હતી. આ બનાવના પંથકમાં ઘેરા પડઘા પડયા છે.

તાદલજામાં એક સાથે પાંચ વ્યક્તિઓના મોત નીપજતા આજે સ્મશાન પાસે એકત્રીત થયેલા ગ્રામજનો આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળતો હતો. પોલીસ સામે લોકમિજાજ આક્રોશિત થતા પોલીસને પણ દૂર ઉભા રહેવું પડતું હતું. હાઇવા ટ્રકેે અકસ્માત સર્જતા આ માર્ગ પરથી ટ્રકોની આવનજાવન પર રોક લગાવી દેવાઇ હતી. આજે તાંદલજાના સ્મશાનગૃહ પાસે પોલીસ સતત પહેરો ભરતી હતી. બોડેલી, નસવાડી, કરાલી પોલીસના પીએસઓ ખડેપગે આ રોડ પર હાજર હતા. પોલીસ મોબાઇલ સતત પેટ્રોલીંગમાં લાગેલી હતી. જે પરથી બનાવને પોલીસ ગંભીર રીતે લઇ રહી હોવાનું જણાતું હતું.

 છોટાઉદેપુરની તમામ રેતી લીઝો અચોક્કસ મુદત માટે બંધ કરાવાઇ

બોડેલી પાસેના વણીયાદ્રી પાસે સર્જાયેલા અકસ્માતને પગલે રેતીની ટ્રકો વિરૃદ્ધ ફાટી નીકળેલા જનઆક્રોશનો ભોગ રેતીની ટ્રકો બને તેમ જણાતું હોઇ તંત્રે રેતીની લીઝો દ અચોક્કસ મુદત માટે બંધ કરાવી દીધી હતી. છો.ઉ. જિલ્લામાં નાની મોટી ૨૦૦ જેટલી રેતીની લીઝોમાં આજે સવારથી ખનન સદંતર બંદ થઇ ગયું હતું અને રેતીની ટ્રકોની અવર જવર પણ થતી ન હતી.

 તાંદલજાના ગામમાંથી એક સાથે પાંચ અર્થી નીકળી

તાંદલજાના પાંચ મૃતદેહોની અર્થી એક સાથે સ્મશાનગૃહે જવા નીકળી હતી. જેમને અગ્નિદાહ અપાયો ત્યારે ભારે હૈયે સગા સંબંધીઓના ગળે ડૂમો ભરાયો હતો અને ગંભીર અકસ્માત સર્જતી રેતીની ટ્રકો વિરુદ્ધ આક્રોશ વ્યકત કરતા સૌ જણાતા હતા.

 પોલીસે ૪૨ ટ્રકો ડીટેઇન કરી

બોડેલી, નસવાડી, સંખેડા અને ટ્રાફિક શાખા દ્વારા ૪૨ ટ્રકો ડીટેઇન કરાઇ હતી. બોડેલી પોલીસે ચાર ટ્રકો, જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ૮ ટ્રકો, સંખેડા પોલીસે ૨૫ ટ્રકો, નસવાડી પોલીસે ૫ ટ્રકો ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.