વલસાડના કપરાડામાં ૧૦ ઇંચ, ક્વાંટ તાલુકામાં સાડાત્રણ ઇંચ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • વલસાડના કપરાડામાં ૧૦ ઇંચ, ક્વાંટ તાલુકામાં સાડાત્રણ ઇંચ

વલસાડના કપરાડામાં ૧૦ ઇંચ, ક્વાંટ તાલુકામાં સાડાત્રણ ઇંચ

 | 2:00 am IST
  • Share

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. વલસાડ,  નવસારી, સુરત, ડાંગમાં સવારથી વરસાદે બેટિંગ શરૃ કરી હતી. વલસાડના કપરાડામાં સૌથી વધુ ૧૦ ઈંચ વરસાદ  ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. નવસારીના ખેરગામમાં ૨.૫૬ ઈંચ, વાંસદા ૨.૧૬ ઈંચ,  ચીખલી ૨.૨૮ ઈંચ અને સુરતના ઓલપાડમાં ૧.૪ ઈંચ અને કામરેજમાં ૧  ઈંચ વરસાદ નોંધાયો હતો. ધરમપુરના ભેંસદરા  આશ્રમના શિક્ષક લવારી નદીના ધસમસતા પાણીમાં તણાઈ જતાં  તંત્ર દોડતું થઇ ગયું હતું.

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી,  વલસાડ, ડાંગ અને તાપી પૈકી સૌથી વધુ વરસાદ વલસાડ  જિલ્લામાં પડયો હતો. વલસાડમાં છેલ્લા એક સપ્તાહથી ધીમી ધારે  વરસાદ પડી રહ્યો છે. પરંતુ સોમવારે વરસાદે વલસાડના  કપરાડામાં રૌદ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું. જેને પગલે કપરાડામાં  ૧૦.૦૮ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. સુરતમાં પણ થોડા થોડા સમય વરસાદી ઝાપટાં નોંધાયા હતા. સુરતમાં ખાસ  કરીને ઓલપાડમાં ૧.૪ ઈંચ અને સુરત શહેર તથા કમરેજમાં ૧ ઈંચ  વરસાદ નોંધાયો હતો.

નવસારીના કૃષ્ણપુર ખાતે રહેતા હિતેશભાઇ ગણપતભાઇ  ટંડેલ (ઉં.વ. ૩૨) ધરમપુરની ભેંસદરા આશ્રમશાળામાં શિક્ષક તરીકે  ફરજ બજાવતા હતા. ભારે વરસાદથી આશ્રમશાળા પાસેથી પસાર  થતી લાવરી નદીમાં પૂર આવતા કોઝવે પાણીમાં ગરક થઇ ગયો  હતો. હિતેશભાઇ કોઝવે તરફ નીકળ્યા હતા, તે  સમયે કોઝવે પાસે તણાઇ આવેલું લાકડું ખસેડવાનો પ્રયાસ  કરતાં સંતુલન ગુમાવતા પગ લપસી જતા કોઝવેના ધસમસતા પાણીમાં તણાઇ  ગયા હતા. ધરમપુર-કપરાડાના ૩૧ માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ થયા હતા.છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ચાર કલાકમાં ૩.૫ ઈંચ  વરસાદ ઝીંકાતા કવાંટ તાલુકાની મુખ્ય મામલતદાર કચેરી પાણીમાં  ગરકાવ થઈ ગઈ હતી. ઓફિસમાં કમર સુધીના પાણી ભરાતા  કર્મચારીઓ ઓફિસની બહાર આવી ગયા હતા. પાવીજેતપુરમાં સોમવારે બપોરે બે કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. નર્મદા જિલ્લામાં બપોરે ૨કલાકે સુધીમાં તિલકવાડા  તાલુકામાં-૬૬ મિ.મિ., સાગબારા તાલુકામાં-૬૧ મિ.મિ.,  ગરૃડેશ્વર તાલુકામાં ૩૫ મી.મી., નાંદોદ તાલુકામાં-૪૦ મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં ૪૮ મિ.મિ.  વરસાદ નોંધાયો હતો.

ભાવનગરમાં સોમવારે ૨૪ કલાકમાં મુશળધાર ૪ ઈંચ  વરસાદના પગલે જળ બંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. નિચાણવાળા  વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે કેટલાક ઘરોમાં પાણી ઘુસ્યા  હતા. ભાવનગરમા સવારના ૬ થી ૧૦ ચાર કલાકમાં બે ઈંચ કરતા  વધારે વરસાદ ખાબકી ગયો હતો. ઘોઘામાં પણ બપોરના ૧૨  કલાક સુધીમાં બે ઈંચ પાણી વરસાવી દીધું હતું. જિલ્લામાં ૭૦ ટકા જેવો વરસાદ થઈ ગયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો