વાઘ પાણી પીવા આ જળાશયે આવે છે ઃ સ્થાનિકોનો દાવો - Sandesh
  • Home
  • Baroda
  • વાઘ પાણી પીવા આ જળાશયે આવે છે ઃ સ્થાનિકોનો દાવો

વાઘ પાણી પીવા આ જળાશયે આવે છે ઃ સ્થાનિકોનો દાવો

 | 3:48 am IST

 

વાઘને પકડવા પાંજરાં મગાવાતાં બોરિયાના ગ્રામજનો દ્વારા વિરોધ વાઘને પાંજરે પૂરી અન્ય સ્થળે નહીં લઇ જવા દેવાય ઃ ગ્રામજનો

ા શહેરા ા

પાનમ અને મહીસાગરના સંતના ફેલાયેલા જંગલોમાં વાઘ દેખાવાની ઘટના બાદ વન વિભાગ દ્વારા તેની ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ગતરોજ વન વિભાગ દ્વારા જે પાંજરા લાવવામાં આવ્યા છે તે અંગે વન વિભાગ દ્વારા ભલે એમ કહેવામાં આવતુ હોય આ સાવચેતીના રૃપમાં પાંજરા લાવવામાં આવ્યા છે પણ વનપ્રેમીઓને શંકા છે કે આ પાંજરા વાઘને પુરવા માટે લાવવામાં આવી રહ્યા છે. આને લઇને શહેરા તાલુકાના બોરીયા ગામના ગ્રામજનો દ્વારા વિરોધનો સુર ઉઠવા જોવા મળી રહ્યો છે. વધુમાં તેઓએ આવેદનપત્ર આપવાની તૈયારી પણ કરવાના છે.

મહીસાગરના લુણાવાડા તાલુકાના ગઢ ગામના જંગલોમાં વાઘ દેખાવાની ઘટના બાદ રવિવારના રોજ બે મોટા પાંજરા લવાયા હોવાના સમાચાર વહેતા થતા મહીસાગર અને પંચમહાલના વન્યપ્રેમીઓમાં વાઘને પાંજરે પુરીને બીજે તો નહીં લઇ જવાયને તેવા અનેક ચર્ચાઓ ચાલી રહી છે. સ્થાનિકોનું કહેવુ છે કે, જે જગ્યાએ વાઘ જોવા મળી રહ્યો છે આ વિસ્તાર તેનો છે વાઘને આ જંગલનું વાતાવરણ અનુકૂળ સાથે જોઇએ તેટલો ખોરાક પણ મળી રહ્યો છે. વાઘે અત્યાર સુધી કોઇ મનુષ્ય પર હુમલો પણ કર્યાે નથી. જે પાંજરા લાવવામાં આવ્યા છે તેને લઇ અમારામાં શંકાઓ સેવાઇ રહી છે કે, અહીંથી વાઘને ખસેડવાની હિલચાલ કરવામાં આવશે. આ બાબતનો વિરોધ કર્યાે હતો. વધુમાં મહિસાગર અને પંચમહાલનુ ૪૫ કિમી લાંબુ જંગલ આવેલુ છે. તેની આસપાસ ફેન્સિંગ કરીને અહીં વાઘ અભયારણ્ય બનાવવામાં આવે તેવી અમારી માગ કરવામાં આવી છે. આ અંગે તંત્રને પણ રજૂઆત અહીંના લોકો કરવાના છે. અહીં વાઘ દેખાવાની ઘટના બાદ સરકાર દ્વારા અભ્યારણ્ય બનાવવામાં આવે એમ બોરિયાના રહીશ ભૂપતસિંહ ગઢવીએ જણાવ્યુ હતું.

વાઘને પકડીને લઇ જવાશે તો ગ્રામજનો ઉગ્ર તેનો વિરોધ કરશે

વાઘ આ વિસ્તારમાં રહે છે. આ વાતાવરણ તેને અનુકૂળ છે. તેનો પરિવાર પણ છે. હાલમાં વન વિભાગ પાંજરા સાવચેતીના ભાગરૃપે લાવી હોય તો વાંઘો નહી, પણ તેને જો બહાર લઇ જવાનો હોય તો ગ્રામજનોનો વિરોધ છે. જો અહીંથી વાઘ લઇ જવાની તૈયારી કરાશે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

– મહેન્દ્ર ગઢવી, સ્થાનિક બોરિયા

વાઘ કોઇ માનવને હેરાન કરતો નથી

જંગલમાં પાગળી માતાનું રોડ ઉપર મંદિર આવેલુ છે. અહીંથી આગળ જતા ઉગમણી દિશામાં એક ઝરણુ વહે છે. અહીં ઉનાળામાં વાઘ પાણી પીવા આવે છે. આ વાઘ કોઇ માનવને હેરાન કરતો નથી.

– બાબુભાઇ પગી, દુકાનદાર, પાંગળી માતા મંદિર

વાઘ મહિસાગરમાં જ રાખવામાં આવશે

મહીસાગર જિલ્લામાંથી મળી આવેલો વાઘ મધ્ય પ્રદેશમાંથી ગયો હોવા અંગે આ બાબતે રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે. વાઘને મધ્યપ્રદેશ વન વિભાગ દ્વારા લઈ આવવામાં આવનાર નથી. વાઘને મહીસાગર જિલ્લામાં જ રાખવામાં આવશે. અને વન વિભાગ તેની સુરક્ષા કરશે. -અનિલ શુકલા, ડીએફઓ, ઝાંમ્બુઆ. મધ્યપ્રદેશ પાંગળી માતાના મંદિરની આસપાસ વાઘ ફરતો હોવાની વાયકા

મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં આવેલા પાનમ અને સંતના જંગલોમાં વાઘ દેખાવાની ઘટના બાદ વનવિભાગ દ્વારા તેનું પગેરુ શોધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પાંગળી માતાના મંદિર પાસે આવેલા જંગલોમાં વાઘ વર્ષોથી ફરતો હોવાનું સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પાંગળી માતાના મંદિરથી આગળ એક નાનું ઝરણુ વહે છે. આ ઝરણું ભેગું થતાં એક કુંડ જેવું બને છે. તેમાં પાણી એકત્ર થતું હોય છે. અહી પાણી પીવા વાઘ અમુક સમયે આવતો હોવાનું અહીના સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. વધુમાં આ મંદિર પાસેથી પણ વાઘ ઘણીવાર પસાર થતો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. વન વિભાગ હાલ જંગલ ટીમો બનાવીને વાઘની ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;