વાદળો સાથે સંતાકૂકડી રમવાનું સ્થળ અરુણાચલ પ્રદેશનું તવાન્ગ - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • વાદળો સાથે સંતાકૂકડી રમવાનું સ્થળ અરુણાચલ પ્રદેશનું તવાન્ગ

વાદળો સાથે સંતાકૂકડી રમવાનું સ્થળ અરુણાચલ પ્રદેશનું તવાન્ગ

 | 1:58 am IST

અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતા  તવાન્ગ નગરમાં પર્યટકો માટે મોટામાં મોટું આકર્ષણ રહે છે. અહીંમહાસાગરની સપાટીથી ૧૦,૦૦૦ ફૂટ ઊંચાઈ હોવાથી અનેક સ્થળે વાદળ રસ્તા પર ચાલતા હોય એવા દૃશ્યો જોવા મળે છે. અગાઉ આ નગર પશ્ચિમ કામેન્ગ જિલ્લાનો ભાગ હતું. એમાંથી તવાન્ગ જિલ્લો જુદો પડતાં આ નગર નવા જિલ્લાનું મુખ્ય મથક બની ગયું છે. અહીં ૧૪મી સદીમાં બંધાયેલ બૌદ્ધ મઠ છે જે મહાયાન પંથના પાંચમા દલાઈ લામા મેરાગ લામા લાડ્રે ગ્યામ્ત્સો દ્વારા સ્થાપવામાં આવ્યો હતો. અહીં સેલા ટોપ પાસ ઉપર વિકસાવવામાં આવેલી ટિપિ ઓર્કિડ સેન્ક્ચ્યુરીમાં હજારો જાતના ઓર્કિડના ફૂલ પણ પ્રવાસીઓ માટે મોટામાં મોટું આકર્ષણ છે.

શું શું જોશો?

તવાન્ગમાં જોવા જેવા સ્થળોમાં નગરથી ૧૭ કિલોમીટર દૂર આવેલું પાન્કાન્ગ તેન્ગ ત્સો લેક નામનું તળાવ શિયાળામાં જ્યારે થીજી જાય છે ત્યારે સ્કીઈંગ માટેની હરીફાઈ યોજાય છે. શિયાળા સિવાયની ઋતુમાં તળાવના શીતળ અને સ્થિર જળ અરીસા જેવા દેખાય છે.

બીજું સરોવર શોન્ગા-ત્સર લેક છે. આ સરોવર મધુરી લેક તરીકે પણ ઓળખાય છે.અહીં ૧૯૭૧માં આવેલા ભૂકંપના કારણે આ સરોવરની રચના થઈ હતી. તે અગાઉ અહીં વિશાળ ચરિયાણ હતું જેમાં સ્થાનિક લોકો પોતાના ઘેટાં-બકરાં ચરાવતા હતા.

મુલાકાત લેવા જેવું ત્રીજું સ્થળ સેલા પાસ(ઘાટ) છે. આખા વિશ્વમાં આ એક જ પાસ સૌથી ઊંચાઈએ આવેલો મોટરમાર્ગે જઈ શકાય એવો છે. ભૂમિમાર્ગે તવાન્ગ જવાનો પણ આ એક જ રસ્તો છે. સેલા પાસ પહોંચો તો જે દૃશ્યો જોવા મળે છે એ જીવનભર ભૂલી શકાતા નથી. કુદરતનો આવો નજારો બીજે ક્યાંય જોવા મળતો નથી. શિયાળામાં ચારેબાજુ છવાયેલો બરફ આખા રસ્તાને રોમાંચક બનાવે છે તો ચોમાસા અગાઉની સીઝનમાં અહીં રસ્તા પર ફરતા વાદળો તમને પણ ભેજથી પલાળીને નીકળતા રહે છે.

એશિયાનો સૌથી મોટો મઠ

તવાન્ગ મોનેસ્ટ્રી(બૌદ્ધ મઠ) એશિયામાં આવેલા તમામ મઠમાં સૌથી મોટો મઠ છે. તેની સ્થાપના મેરા લામા લોડ્રે ગ્યાસ્તો દ્વારા કરવામાં આવી હતી. આ મઠ ૧૭મી સદીમાં બંધાયેલો હોવા છતાં અહીંની સ્વચ્છતા અને બાંધકામ બંને જોવાલાયક છે.

તવાન્ગથી ૮૨ કિલોમીટર દૂર જઈએ તો બાપ તેન્ગ કાન્ગ નામનો ધોધ જોવા મળે છે. ૧૦૦ ફૂટ ઊંચેથી નીચે ખીણમાં પડતા પાણીનો અવાજ કોઈ સિંહની ગર્જનાની જેમ દૂર દૂર સુધી સંભળાતો રહે છે. પાણી જ્યાં પડે છે ત્યાં ફીણ અને જાણે હવામાં વાદળ છવાયું હોય એવા સૂક્ષ્મ જળકણ અને ચારેબાજુ લીલા રંગની અગણ્ય છટાઓ દર્શાવતી હરિયાળી નજરને અપ્રતિમ આનંદ અને શાંતિ આપે છે.

તવાન્ગ આવતાં ધ્યાન રાખો

તવાન્ગ આમ તો નાનકડું નગર છે, અહીંની પ્રજા અને પ્રકૃતિ બંને ખૂબ જ શાંત છે. પરંતુ ફેબ્રુઆરી-માર્ચમાં લોસરનો તહેવાર ઉજવાય ત્યારેતવાન્ગ જાણે થનગની ઊઠે છે.

તવાન્ગ સરહદ પર આવેલું હોવાથી અહીં પ્રવેશવા માટે પરદેશી નાગરિકે વિશેષ પરવાનગી લેવી પડે છે. તે દિલ્હી, ગુવાહાી, કોલકાતાથી મેળવી શકાય છે. ભારતીય નાગરિકો માટે એવી કોઈ પરવાનગીની જરૂર પડતી નથી.

અહીંના લોકોએ પોતાના ઘેર બનાવેલ હસ્તકળાના જાતજાતના નમુના યાદગીરી તરીકે ખરીદી શકાય. પરંતુ એ કોઈ સ્ટોરમાંથી ખરીદવાને બદલે સીધા કલાકાર પાસેથી ખરીદવા સસ્તા પણ રહેશે અને યોગ્ય પણ રહેશે.

ક્યારે આવવું જોઈએ?

તવાન્ગની મુલાકાત લેવાનો પરફેક્ટ સમય એપ્રિલથી ઓક્ટોબરની વચ્ચેનો છે. એપ્રિલ-મેમાં અહીં હરિયાળી અને કુદરતી સૌંદર્યાના રંગ જોવા મળે છે. તો સપ્ટેમ્બર પછી બરફના વિવિધ શેડ જવા મળે છે. વચ્ચેનો સમય વરસાદનો છે. એમાં વાદળો એકબીજા સાાથે  સંતાકૂકડી અને તમારી સાથે પકડદાવ રમતા હોય એવો અનુભવ થાય છે.

તવાન્ગ આવવા માટે આસામના તેઝપુર અથવા બોમડીલાથી બસ મળી રહે છે. રેલ્વેમાં આવવું હોય તો આસામના રંગપરા સ્ટેશને ઉતરીને ત્યાંથી બોમડીલા પહોંચી જવું પડે. અહીંથી રાજ્ય સરકારની બસમાં તવાન્ગ આવી શકાય. વિમાનમાર્ગે આવવું હોય તો તેઝપુર ઉતરવું પડે. ત્યાંથી બસ સેવા મળી રહે છે.

તવાન્ગ આવો તો ગરમ કપડાં લાવવાનું જરાય ભૂલવું નહીં. નહિતર ગરમ કપડાં ખરીદવામાં બધુ બજેટ વપરાઈ જશે. સામાન્ય રીતે પહેરતા હોવ એના કરતાં બમણાં ગરમ કપડાં લઈ લેવા. તવાન્ગની સાત દિવસ છ રાત્રિની ટૂરમાં વ્યક્તિ દીઠ ૩૫,૦૦૦ રૂપિયાનો ખર્ચ બેસશે.

 [email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન