વાલોડ નગરના લોકોએ પંચાયત કચેરી ઉપર કાદવ ઠાલવીને હલ્લો મચાવ્યો - Sandesh
  • Home
  • Surat
  • વાલોડ નગરના લોકોએ પંચાયત કચેરી ઉપર કાદવ ઠાલવીને હલ્લો મચાવ્યો

વાલોડ નગરના લોકોએ પંચાયત કચેરી ઉપર કાદવ ઠાલવીને હલ્લો મચાવ્યો

 | 8:39 pm IST

તલાટીએ રસ્તો બનાવવાની લેખિત બાંયધરી આપતા મામલો થાળે પડયો 

બુહારી, તા. ૨૨

વાલોડ તાલુકામાં સાફસફાઇ તથા પ્રિમોનસુન કામગીરીના અભાવે ઠેર ઠેર ગંદકી કાદવકીચડ તથા જાહેર માર્ગો પર પાણી ભરાવવાની સમસ્યાથી વિદ્યાર્થીઓ તથા સ્થાનિક રહેવાસીઓ તોબા પોકારી ઊઠયા છે. જાહેર માર્ગ પર કાદવકીચડથી ત્રસ્ત બનેલા વાલોડ નગરજનોએ શુક્રવારે રસ્તા પરનો કાદવ ભરી પંચાયત કચેરી પર નાંખી રોષ ઠાલવી હલ્લો બોલાવ્યો હતો. તલાટીએ રસ્તો બનાવવાની લેખિત બાંયધરી આપતા મામલો હાલ પૂરતો શાંત પડયો છે. વાલોડ તાલુકા મથકે ગેસ એજન્સી નજીક જે. સી. પટેલ સ્કૂલ પાસે કાદવકીચડ તથા ગટરલાઇનની ગંદકીને લીધે શાળામાં અભ્યાસ કરતા ૪૦૦ વિદ્યાર્થીઓના માથે આરોગ્યનું જોખમ ઊભું થયંુ છે. શાળાએ જતા બાળકોએ અસહ્ય દુર્ગંધમાંથી પસાર થવંુ પડે છે. તેમજ ઘણી વાર કાદવકીચડમાં શાળાના વિદ્યાર્થીઓને છોડવા આવતી વાન પણ ફસાઇ જાય છે. આ અંગે શાળાના આચાર્યએ બેથી ત્રણ વાર રજૂઆત કરી છે, તેમ છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. ચોમાસા પૂર્વેની પ્રિમોનસુન કામગીરી પંચાયત તરફથી ન થતા જાહેર માર્ગ વરસાદી પાણીથી ઊભરાતા કાદવકીચડવાળા બન્યા છે, જેને લીધે શાળા વાન અને ગેસ કંપનીની ગાડી ફસાઇ ગઇ હતી. શુક્રવારે ગ્રામ પંચાયતની બેદરકારીને લીધે જાહેર માર્ગો પર કાદવકીચડની ઊભી થયેલી સમસ્યાને લઇ વાલોડ પીપળ ફળિયા તથા પંચવટી સોસાયટીના રહીશો ભેગા થઇ રસ્તા પરના કાદવકીચડના થેલા ભરી ગ્રામ પંચાયત કચેરીમાં લઇ જઇ લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. મામલો પેચીદો અને ઉગ્ર બન્યો હતો. જોકે તાલુકા પંચાયતના સભ્યોની સમજાવટથી મામલો શાંત પડયો હતો, તેમ છતા ગ્રામજનોએ રસ્તો બનાવવા માટે તલાટી પાસે લેખિત પણ લીધંુ હોવાનું જાણવા મળ્યું છે. જો તંત્ર કામગીરી ન કરશે તો વાલોડ તાલુકા મથક ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વે લોકો કાળા વાવટા ફરકાવી તંત્ર સામે વિરોધ કરવાની ચીમકી આપી છે.