વિજલપોરમાં સત્તા જાળવવા ભાજપ સંગઠનના ઉધામા - Sandesh
  • Home
  • Newspaper
  • વિજલપોરમાં સત્તા જાળવવા ભાજપ સંગઠનના ઉધામા

વિજલપોરમાં સત્તા જાળવવા ભાજપ સંગઠનના ઉધામા

 | 3:00 am IST

  • વિજલપોર નગરમાં પાણી વહી ગયા પછી ભાજપ સંગઠન પાળ બાંધવા નીકળ્યું
  • પાલિકાના ૧૩ જેટલા નારાજ સભ્યો કોઈપણ ભોગે દરખાસ્ત મંજૂર કરાવવાની વેતરણમાં, નગર પાલિકામાં સત્તા પરિવર્તનના એંધાણ

નવસારી – વિજલપોર શહેરમાં ચાલી રહેલા ભાજપના રાજકીય બખડજંતરનો વિવાદ ચરમસીમાએ પહોંચી જવા છતાં તેને ઉકેલવામાં ભાજપનું મોવડી મંડળ તદ્દન વામણું સાબિત થતા વિજલપોર પાલિકામાં ભાજપશાસકોમાં બે ઊભા ફાડચા થઇ જતાં હડકંપ મચી ગયો છે. ભાજપ સંગઠનના હોદ્દેદારોએ વિજલપોર પાલિકાની સત્તા જાળવી રાખવા મંગળવારે મોડી રાત સુધી અને બુધવારે દિવસે પણ સતત મિટિંગોના દોર ચલાવી કોઇ પણ સંજોગે નારાજ સભ્યોમાં મનાવી લેવા મથામણ કરી હતી.

વિજલપોર નગરપાલિકામાં ભાજપે બહુમતી હાંસલ કર્યા બાદ શાસનકર્તાઓ સત્તાના મદમાં આવી પોતાના જ સભ્યોની અવગણના કરવા લાગ્યા હતા અને છેલ્લા ત્રણ માસ ઉપરાંતથી નારાજ જાહેર થવા માંડી હતી. આ બાબતે નારાજ સભ્યોએ ભાજપ જિલ્લા પ્રમુખ નરેશ પટેલ સહિતના આગેવાનોને રજૂઆતો કરવા છતાં કોઇ જ પરિણામ ન આવતા મંગળવારે પાલિકા પ્રમુખ જગદીશ મોદી વિરુદ્ધ ૧૩ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત સીઓ અને કલેકટર સમક્ષ કરી દીધી હતી. હવે જિલ્લા પ્રમુખની નબળી કામગીરીના લીધે સમગ્ર જિલ્લામાં ભાજપની પ્રતિષ્ઠાના લીરેલીરા ઉડી જતાં ભાજપ સંગઠન દોડતું થઈ ગયું હતું. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ પટેલ અને તેમની ટીમે મંગળવારે મોડી રાત સુધી અને આજે દિવસે નારાજ ૧૩ સભ્યોને સામ, દામ, દંડ, ભેદ જેવી નીતિ વાપરી સમજાવી લેવાની કોશિશ કરી હતી. જો કે, નારાજ સભ્યોના આગેવાન સતીષ બોરસે અને સંતોષ પુંડરકેર સંપૂર્ણ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે મૂકવામાં આવેલી અવિશ્વાસની વૈતરણી અમો પાર કરી જશું અનેે પૂરતી સંખ્યામાં અમારા પાસે સભ્યો છે. આમ પાલિકામાં નારાજ જૂથના તેવરથી હવે આવનારા દિવસોમાં વિજલપોર પાલિકામાં સત્તા પરિવર્તન થવાના એંધાણ વર્તાય રહ્યા છે.

 

સભ્યોની નારાજગી અંગે જિલ્લા પ્રમુખને રિપોર્ટ કરાયો  

વિજલપોર શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ કાનગુડે વિજલપોર પાલિકાના અસંતુષ્ઠ સભ્યોએ આપેલી અવિશ્વાસની દરખાસ્ત બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લા પ્રમુખ તથા જિલ્લા સંગઠનને આ બાબતે રિપોર્ટ કરી દીધો છે. હવે પછીની કાર્યવાહી જિલ્લાકક્ષાના મોવડીઓ કરશે.

 

નવા સીઓ પાલિકાની કામગીરીથી તદ્દન અજાણ  

કોન્ટ્રાક્ટ બેઝ પર સરકાર દ્વારા વિજલપોર પાલિકામાં નિમણૂક કરાયેલા ચીફ ઓફિસર કિશોરભાઇ જોષી અન્ય ખાતાના નિવૃત્ત અધિકારી છે અને તેઓ પાલિકાની કામગીરી બાબતે સાવ અજ્ઞાાન છે. તેથી તેમને પૂછવામાં આવેલા દરેક પ્રશ્નનો એક જ જવાબ આપે છે કે પાલિકાની કામગીરી બાબતે હું નવો છું. તેથી આ બાબતે અભ્યાસ કર્યા બાદ જવાબ આપીશ. અહીંની પાલિકામાં ઘણા સમયથી કાયમી સરકારી ધારાધોરણ મુજબના સી.ઓ.ની માંગ હોવા છતાં સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી નથી.

;