વિશ્વ બજારમાં ક્રૂડના વધતા ભાવ પર લગામ કસવા પેંતરો - Sandesh
  • Home
  • Business
  • વિશ્વ બજારમાં ક્રૂડના વધતા ભાવ પર લગામ કસવા પેંતરો

વિશ્વ બજારમાં ક્રૂડના વધતા ભાવ પર લગામ કસવા પેંતરો

 | 4:11 am IST
  • Share

ઓપેકની કાર્ટેલને ખતરો

છેલ્લા એક વર્ષથી વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ભડકો થતો રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. ગયા મહિને ક્રૂડ ઓઇલના ભાવ 3 વર્ષની સૌથી ટોચની સપાટી પર હતા એટલે કે બેરલદીઠ 86 ડૉલરની સપાટીને પાર કરી ગયો હતો. વિશ્વનાં ગરીબ અને વિકાસશીલ દેશો દ્વારા ક્રૂડના ભાવ ઘટાડવા અને તેને વધતા રોકવા માટે ઓપેક દેશોને વારંવાર વિનંતી કરવામાં આવી હતી જે બહેરા કાને અથડાઈને પાછી ફરતી હતી. આ પછી ઓપેકની કાર્ટેલ સામે ભારત-અમેરિકા અને ચીન દ્વારા ક્રૂડ ઓઇલના તેના ભંડારો ખુલ્લા મૂકવા તેમજ ક્રૂડ ઓઇલનો સ્ટ્રેટેજિક ભંડાર છૂટો કરવા નિર્ણય લેવાયો છે. ઓપેકની દાદાગીરીને ખતમ કરવા માટે આ આવકાર્ય પગલું છે. ભારત સરકાર 50 લાખ બેરલ ક્રૂડ છૂટું કરવાનું છે જ્યારે અમેરિકા સહિત વિશ્વના દેશો 10 કરોડ બેરલ ક્રૂડનો જથ્થો સંગ્રહમાંથી છૂટો કરવાના છે. ક્રૂડ તેમજ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પર લગામ કસવા ભારત-અમેરિકા અને ચીન દ્વારા પેંતરો રચવામાં આવ્યો છે જે ઓપેકની કાર્ટેલ માટે ખતરો સર્જી શકે છે. વિશ્વના દેશોની આ પહેલનો મુખ્ય ઇરાદો ક્રૂડના ભાવને વધતા રોકીને ઘટાડવાનો છે. ઓપેકને અનેક વખત ક્રૂડનું ઉત્પાદન વધારવા વિનંતી કરાઈ છે પણ તે ધ્યાનમાં નહીં લેવાતા આખરે ભારત, અમેરિકા, ચીન, જાપાન, સાઉથ કોરિયા, બ્રિટન જેવા દેશોએ તેના ભંડારમાંથી ક્રૂડનો સંગ્રહ છૂટો કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાની મહામારીમાં છેલ્લા દોઢ-બે વર્ષમાં એનર્જી માર્કેટમાં ક્રૂડના ભાવ અસાધારણ ઉછળકૂદ થતી રહી છે.

 

લૉકડાઉનને કારણે આખી દુનિયામાં વેપારધંધા અને ઇન્ડસ્ટ્રી બંધ રહેતા ઉત્પાદન કામગીરી લગભગ ઠપ થઈ ગઈ હતી. આને કારણે ક્રૂડની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જો કે હવે વિશ્વના મોટાભાગના દેશોમાં સ્થિતિ સુધરી છે. વિશ્વની ઇકોનોમી અનલૉક થઈ ગઈ છે ત્યારે ક્રૂડની માંગમાં વધારો થયો છે. તેની સામે ઉત્પાદન વધ્યું નથી. પરિણામે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે અને પેટ્રોલ તેમજ ડીઝલના વધી રહેલા ભાવ આમઆદમીને દઝાડી રહ્યા છે. લોકોને રાહત આપવા ભારત સરકારે પેટ્રો પેદાશો પરની એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કર્યો છે. ભારત તેના 3.8 કરોડના ક્રૂડ ભંડારમાંથી 50 લાખ બેરલ ક્રૂડ છૂટું કરવાનું છે જ્યારે અમેરિકા તેના 60 કરોડ બેરલના સંગ્રહમાંથી 5 કરોડ બેરલ ક્રૂડ છૂટું મૂકવાનું છે. આ જથ્થો ઘણો ઓછો છે જેનો કોઈ હેતુ સરવાનો નથી તેવો નિષ્ણાતોનો મત છે. 2 ડિસેમ્બરે ઓપેકની બેઠક છે તેમાં તે કેવું વલણ અપનાવે છે તેના પર બધો આધાર છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો