વીજ ચોરીને ડામવામાં આવે તો વીજ દરમાં વધારો કરવો ન પડે : શિવસેના - Sandesh
  • Home
  • Mumbai
  • વીજ ચોરીને ડામવામાં આવે તો વીજ દરમાં વધારો કરવો ન પડે : શિવસેના

વીજ ચોરીને ડામવામાં આવે તો વીજ દરમાં વધારો કરવો ન પડે : શિવસેના

 | 3:25 am IST

મુંબઇ, તા. ૨૨  

મહારાષ્ટ્રની જનતા પર પાંચ ટકા વીજ દર વધારાની વીજળી પડવાની છે. ઉર્જા પ્રધાન ચન્દ્રશેખર બાવનકુળેએ વિધાનસભામાં જણાવ્યું છે કે આ વીજદર વધારાને પગલે મહાવિતરણની અડચણો ઓછી થશે પણ, એક યા બીજા દરવધારાના ચક્રવ્યૂહમાં સપડાયેલી સામાન્ય જનતાનું શું એવો સવાલ શિવસેનાના મુખપત્ર સામનામાં કરવામાં આવ્યો છે. શિવસેનાએ જણાવ્યું છે કે મહાવિતરણની આગામી અડચણો ઓછી થાય અને સામાન્ય જનતા પણ દરવધારાનો શોક સહન કરી શકે તેવો મધ્યમ માર્ગ કાઢવાની જરૂર છે.તુવરદાળના ભાવવધારા પર હજી લગામ કસી શકાઇ નથી, શાકભાજી અને ફળોના ભાવ વધતાં અટકયા છતાં મોંઘવારીનો અંત આવ્યો નથી ત્યાં એક વધુ ભાવવધારો સામાન્ય જનતાને માથે ઝિંકાવાની તૈયારી થઇ રહી છે. મહારાષ્ટ્રની જનતાને હવે વીજદર વધારાનો શોક લાગવાનો છે. વીજ દરમાં વધારો કરવા સિવાય હવે કોઇ વિકલ્પ રહ્યો નથી એમ રાજ્યના ઉર્જા પ્રધાન ચન્દ્રશેખર બાવન કુળેએ વિધાનસભામાં જણાવ્યું છે.વીજ દર ખરીદીનો વધેલો ખર્ચ, વીજની વધતી જતી માગ, ખાનગી વીજ કંપનીઓનો પડકાર, બાકી પડેલાં વીજ બિલો એમ અનેક કારણોસર આ વીજ દર વધારો અનિવાર્ય બન્યો હોવાનું પ્રધાને જણાવ્યું છે. આ ઉપરાંત ઓપન એક્સેસ ધોરણને કારણે મોટા ઉદ્યોગોએ ખાનગી વીજ કંપનીઓ પાસેથી ખરીદી શરૂ કરતાં અને કેન્દ્ર સરકારના કોલસાના ધોરણનો ફટકો પણ મહાવિતરણને પડયો છે. આ વિષચક્રમાંથી મહાવિતરણને બહાર કાઢવા માટે વીજ દરવધારો એ જ એક ઉપાય છે તેમ પ્રધાને જણાવ્યું છે. તેમના દાવાઓમાં તથ્ય હશે પણ દર વખતે દરવધારો જ કરવો જોઇએ એ જરૂરી છે ખરો એવો સવાલ સામનામાં કરવામાં આવ્યો છે.  વીજ બિલ પેટે ૨૦,૦૦૦ કરોડ રૂપિયા વસૂલવાના બાકી પડયા છે તેની વસૂલી પૂરતાં પ્રમાણમાં થઇ હોત તો અને વીજચોરીના આંકડા પર લગામ કસવામાં આવી હોત તો મહાવિતરણના નુકસાન અને મહેસૂલી ખોટને કાબૂમાં રાખી શકાઇ હોત. રાજ્યમાં વીજ ચોરીનું પ્રમાણ ૧૫ ટકા ગણાવવામાં આવે છે.

વીજ ચોરીનું પ્રમાણ શૂન્ય કરવામાં આવે અને વીજ વહન અધિક કાર્યક્ષમ રીતે કરવામાં આવે તો વીજ દરવધારો કરવાની જરૂર પડે તેમ નથી.  ૨૦૨૨ સુધીમાં બધાને ૨૪ કલાક વીજળી પૂરી પાડવાનું ધ્યેય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, પણ વીજજોડાણ મેળવનાર ગ્રાહકોને જ્યારે વીજદરવધારાનો શોક લાગશે ત્યારે આવા ધ્યેય સિદ્ધ થશે ખરાં તે એક સવાલ છે. પહેલેથી જ વીજ દર નક્કી કરવાની પદ્ધતિ સામે સામાન્ય માણસને અસંતોષ છે. તેમાં વળી આ નવો વીજદર વધારો ઝીંકવાની વાતો થઇ રહી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન