વેસુ અને બમરોલીમાં પાલિકાની ટીમને લોકોનાં ટોળાંએ ઘેરી લેતા તંત્ર લાલઘૂમ - Sandesh
  • Home
  • Surat
  • વેસુ અને બમરોલીમાં પાલિકાની ટીમને લોકોનાં ટોળાંએ ઘેરી લેતા તંત્ર લાલઘૂમ

વેસુ અને બમરોલીમાં પાલિકાની ટીમને લોકોનાં ટોળાંએ ઘેરી લેતા તંત્ર લાલઘૂમ

 | 11:44 pm IST

સુરત, તા. ૨૧  

વેસુ અને બમરોલીમાં પાલિકાની ટીમને લોકોનાં ટોળાંએ ઘેરી લીધી હતી. વેસુમાં કબજા ફેરફારના મુદ્દે ૧૦૦થી વધુનાં ટોળાંએ પાલિકાની ટીમનો ઘેરાવ કર્યો હતો, જ્યારે બમરોલીમાં ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરવા ગયેલી પાલિકાની ટીમને ઘેરીને ભગાડવામાં આવી હતી. આ બે ઘટનાને કારણે પાલિકાના કર્મચારીઓ પર વધી રહેલા હુમલા અંગે આજે મળેલી ટીએસસીની બેઠકમાં અધિકારીઓએ બળાપો કાઢયો હતો.

  • TSCની બેઠકમાં અધિકારીઓએ બળાપો કાઢયો
  • બમરોલીમાં સ્વસ્તિક સોસાયટીમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન લોકોએ ભારે ધમાલ મચાવી  
  • વેસુમાં કબજા ફેરફાર બાદ ખેડૂતને જગ્યા નહીં મળતા રસ્તા પર ફેન્સિંગ કરી દેવાતાં પાલિકાનો સ્ટાફ દોડયો

પાલિકાની ટીમ પર હુમલાની ઘટનાઓ છાશવારે બનતા કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. બમરોલી વિસ્તારમાં ગ્રાઉન્ડ ફલોર વત્તા એક માળના હયાત બાંધકામ પર બીજા માળનું ગેરકાયદે બાંધકામ થતા મ્યુ. કમિશનર મિલિન્દ તોરવણેને ફરિયાદ મળી હતી. ઉધના ઝોનમાં મોટા ભાગના બાંધકામો કબજા રસીદ પર ચાલે છે. કબજા રસીદને કારણે લોકો પ્લાન મૂકી શકતા નથી. ઉધનામાં ૧૦૦માંથી ૯૦ બાંધકામો પ્લાન વગરના છે. બમરોલીમાં સ્વસ્તિક સોસાયટીમાં રહેણાક હેતુસર બે ગાળામાં બીજો માળ લેવામાં આવતા કમિશનર તોરવણેએ ડિમોલિશનનો આદેશ આપ્યો હતો. ઉધના ઝોનનો સ્ટાફ ડિમોલિશન કરવા પહોંચ્યો ત્યારે લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું. પાલિકા ગરીબ લોકોને ટાર્ગેટ કરતી હોવાનો આક્ષેપ કરી લોકોએ ભારે ધમાલ મચાવી હતી. એક કલાકની માથાકૂટ બાદ ઉધના ઝોને ૧૦૦ નંબર પર ફોન કરી પોલીસ બોલાવી હતી. આવી જ ઘટના અઠવા ઝોનમાં પણ બની હતી. અઠવા ઝોનમાં વેસુ ખાતે અગ્રવાલ સ્કૂલની નજીક ખાનગી જમીન માલિકોની જગ્યાના કબજા ફેરફાર બાબતે ભારે માથાકૂટ થઇ હતી. રબારી સમાજના લોકોની જગ્યા કબજા ફેરફાર હેેઠળ પાલિકાએ મેળવી રસ્તો બનાવ્યો હતો. જમીનના બદલામાં બીજી જમીન ફાળવવાની પ્રક્રિયા ચાલતી હતી જેમાં ખાસ્સો વિલંબ થતા ખેડૂતે પાલિકાને સાંેપેલી જગ્યા પર ફેન્સિંગ કરી રસ્તો બંધ કરી દીધો હતો. રસ્તો બંધ કરી દેવાતા અઠવા ઝોનનો સ્ટાફ ફેન્સિંગ ખોલવા પહોંચ્યો હતો. આ સમયે ૧૦૦ કરતાં વધુ લોકોનાં ટોળાંએ પાલિકાના સ્ટાફને ઘેરી લીધો હતો. એક કલાક સુધી બંને પક્ષે ભારે ધમાલ ચાલી હતી. આ સમયે કેટલાક લોકો પાસે હથિયાર હોવાની વાત બહાર આવતા પાલિકાનો સ્ટાફ પરત થઇ ગયો હતો. આ બંને ઘટનાને કારણે પાલિકાના કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. મ્યુ. કમિશનર તોરવણેની અધ્યક્ષતામાં આજે ટેન્ડર સ્ક્રૂટીની કમિટીની બેઠક મળી હતી જેમાં અધિકારીઓએ ઉપરાછાપરી ઘટનાઓ અંગે આક્રોશ ઠાલવ્યો હતો.