વ્હિકલ ટેક્સ ચોરીમાં ડુપ્લિકેટ ઇઝ્ર બુકના આધારે બેંકોએ ધાર્યો ખેલ પાર પાડયો - Sandesh
  • Home
  • Newspaper
  • વ્હિકલ ટેક્સ ચોરીમાં ડુપ્લિકેટ ઇઝ્ર બુકના આધારે બેંકોએ ધાર્યો ખેલ પાર પાડયો

વ્હિકલ ટેક્સ ચોરીમાં ડુપ્લિકેટ ઇઝ્ર બુકના આધારે બેંકોએ ધાર્યો ખેલ પાર પાડયો

 | 3:30 am IST

  • માલિકની જાણ બહાર ડુપ્લિકેટ આરસીબુક કઢાવી વ્હિકલ ટ્રાન્સફર
  • ચાર કરોડના ટેક્સ ચોરી કૌભાંડમાં હવે પોલીસ તપાસ પર સૌની નજર

ા સુરત ા
કરોડોના વ્હિકલ ટેક્સ ચોરી કાંડમાં ડુપ્લિકેટ આરસીબુકના આધારે કેટલીક બેંકોએ પોતાનો ઉલ્લુ સીધો કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. લોન નહીં ભરપાઇ કરનારાઓના ખેંચેલા વ્હિકલ ત્રાહિત વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવા બેંકોએ વાહનમાલિકની જાણ બહાર ડુપ્લિકેટ આરસીબુક કઢાવી વાહન ટ્રાન્સફર કરાવી લીધા હતા. કોન્ટ્રાક્ટ કંપનીના ફુટેલી કાર્ટૂસ જેવા કર્મચારીઓને મોં માંગ્યા રૂપિયા ચૂકવી હાથોહાથ આરસીબુક મેળવી વાહન ટ્રાન્સફરનો આખો ખેલ પાર પાડવામાં આવ્યો હતો. જો વાહન વ્યવહાર વિભાગ આરટીઓની ડુપ્લિકેટ આરસીબુકની પ્રક્રિયાના ડેટા સાથે કોન્ટ્રાક્ટ કંપનીએ ઇશ્યૂ કરેલી આરસીબુકના ડેટાનું ક્રોસ વેરિફિકેશન કરે તો મસમોટું ભોપાળું બહાર આવે તેમ છે.
બેંકમાંથી લોન પર વ્હિકલ લીધા બાદ હપ્તા નહીં ભરનારાઓના વાહન ખેંચી તેને બારોબાર ત્રાહિત વ્યક્તિને વેચી આરટીઓના ટેક્સની ચોરી કરનારી બેંકો અને ફાઇનાન્સરો સામે આરટીઓએ કાયદાનો કોરડો વિંઝિયો છે. કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરનારી બેંકો સામે ફોજદારી રાહે કાર્યવાહી તો કરવામાં આવી રહી છે, પરંતુ કેટલીક બેંકો અને કેટલાક ફાઇનાન્સરોએ આરટીઓ અધિકારીની જાણ બહાર બારોબાર ડુપ્લિકેટ આરસીબુક કઢાવી પોતાનો ધાર્યો ખેલ પાર પાડી રહ્યા છે. લોન નહીં ભરનારા વાહનમાલિકોના વ્હિકલ જબરદસ્તી ખેંચી લાવવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે માલિક ઓરિજિનલ આરસીબુક આપતા નથી. હવે ઓરિજિનલ આરસીબુક નહીં આપે તો ટ્રાન્સફરની પ્રક્રિયા કરી શકાય નહીં. એટલું જ નહીં નવી આરસીબુક કઢાવવા આરટીઓમાં પ્રક્રિયા કરવામાં આવે તો ઓરિજિનલ આરસીબુક વાહનમાલિકના એડ્રેસ પર જતી હોવાથી ફરીથી જૂના વાહનમાલિકના ઘરે જ આરસીબુક જાય, આ કિસ્સામાં બેંકનો હેતુ સિદ્ધ થઇ શકે નહીં. બીજી તરફ બેંક દ્વારા ખેંચાયેલું વ્હિકલ ત્રાહિત વ્યક્તિના નામે કરવાનું કહીને આરટીઓમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો ટેક્સ ભરવાની નોબત આવી છે.
આ સમગ્ર ઝંઝટથી છૂટકારો મેળવવા બેંક અથવા ફાઇનાન્સરોએ શોર્ટકટ અને સરળ રસ્તો શોધી કાઢયો હતો. બારોબાર આરસીબુક મેળવી એક વ્યક્તિ બીજી વ્યક્તિને વાહન વેચી તે પ્રમાણે ટ્રાન્સફરની પ્રક્રિયા કરી સરળતાથી વાહન ટ્રાન્સફર કરાવી લેવું. આ માટે તેઓએ આરસીબુક ઇશ્યૂ કરતી કંપનીના કર્મચારીઓને ૧૦૦૦થી માંડીને ૧૫૦૦૦ રૂપિયા ચૂકવી હાથોહાથ આરસીબુક મેળવી હતી. આમ બારોબાર આરસીબુક મેળવી આરટીઓને અંધારામાં રાખી વ્હિકલ ટ્રાન્સફર કરાવી દેવામાં આવ્યું હતું. જો વાહન વ્યવહાર વિભાગ ઝીણવટપૂર્વક તપાસ કરે તો મસમોટું ભોપાળું બહાર આવે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;