શરીફે બોલાવી સર્વપક્ષીય બેઠક, એકસૂત્રી એજન્ડા “ભારત” - Sandesh
  • Home
  • World
  • શરીફે બોલાવી સર્વપક્ષીય બેઠક, એકસૂત્રી એજન્ડા “ભારત”

શરીફે બોલાવી સર્વપક્ષીય બેઠક, એકસૂત્રી એજન્ડા “ભારત”

 | 3:42 am IST

ઇસ્લામાબાદ, તા. ૩

એક તરફ પાકિસ્તાન દુનિયાની સામે ભારત દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ હોવાનાં સત્યને નકારવા ધમપછાડા કરી રહ્યો છે તો બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ બેઠકો પર બેઠકો બોલાવી રહ્યા છે. સોમવારે શરીફે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં ભારત એકમાત્ર એજન્ડા હતો. પાકિસ્તાની નેતાઓ માટે ભારત એક એવો એજન્ડા છે જેમાં ઇમરાન ખાનથી માંડીને બિલાવલ ભુટ્ટો જેવા શરીફના રાજકીય પ્રતિસ્પર્ધીઓ પણ મતભેદ બાજુ પર મૂકીને એકજૂથ થઈ જાય છે.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ જણાવ્યું હતું કે, અમે સરકારને કહી દીધું છે કે પાકિસ્તાન માટે આ અનોખી ક્ષણો છે. ઘરઆંગણે એકતાનાં દર્શન થશે તો જ કાશ્મીરવાસીઓ આઝાદી મેળવી શકશે. અમે બધા જ તે મુદ્દે સહમત થયા છીએ.

મુત્તાહીદ કૌમી ચળવળ (એમક્યુએમ)ના વડા ફારૂક સત્તારે જણાવ્યું હતું કે, અમે વિશ્વને સંકેત આપવા માગીએ છીએ કે અમારી એકતા અકબંધ છે. તેમણે કહ્યું હતું કે, ‘ભારતે જાણી લેવું જોઈએ કે જમ્મુ-કાશ્મીરમાં જળના મુદ્દે તેના દ્વારા આચરવામાં આવતા ત્રાસવાદનો જવાબ આપવામાં આવશે.’ તેમણે વધુ કહ્યું કે પાકિસ્તાને કાશ્મીર મુદ્દે પોતાના રાજદ્વારી પ્રયાસોને બહેતર બનાવવા જોઇએ. ઉલ્લેખનીય છે કે, ઇમરાન ખાનનાં નેતૃત્વ હેઠળ તહરીક-એ-ઇન્સાન પાર્ટી દ્વારા વડાપ્રધાનનાં વતન રાવલપિંડીમાં જ આયોજિત રેલીમાં પક્ષે કહ્યું હતું કે વિદેશમાં આવેલાં ખાતાઓ સાથે કૌટુંબિક સંબંધ બદલ વડાપ્રધાનને જવાબદાર ઠેરવવા જોઇએ, પરંતુ આજે તે જ પક્ષના નેતા શાહ મહમુદ કુરેશીએ વિશ્વ સમક્ષ એકજૂટ થવા કહ્યું હતું. તેમણે સંયુક્ત રાષ્ટ્ર ખાતે નવાઝ શરીફે કરેલાં સંબોધનના પણ વખાણ કર્યાં હતાં. વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું હતું કે પાકિસ્તાનની સમગ્ર રાજકીય નેતાગીરી ખાસ કરીને કાશ્મીર મુદ્દે એકજૂટ છે.

ભારત વિરૂદ્ધ કુપ્રચાર કરવા નિર્ણય

બેઠક દરમિયાન રાજકીય નેતાઓએ કાશ્મીરમાં ભારત દ્વારા થઇ રહેલા કથિત અત્યાચારને પ્રકાશમાં લાવવા વિવિધ દેશોમાં પ્રતિનિધિમંડળ મોકલવા નક્કી કર્યું હતું. રાજકીય પક્ષોએ સલામતી સમિતિની રચના કરવા પણ માગણી કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકારપંચનું પ્રતિનિધિમંડળ કાશ્મીર પહોંચે તેવા પ્રયાસોને વેગ આપવા નિર્ણય લેવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન