શહેરમાં ૨૪ કલાકમાં ૪ મગર રોડ પર દેખાતા લોકોમાં ફફડાટ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • શહેરમાં ૨૪ કલાકમાં ૪ મગર રોડ પર દેખાતા લોકોમાં ફફડાટ

શહેરમાં ૨૪ કલાકમાં ૪ મગર રોડ પર દેખાતા લોકોમાં ફફડાટ

 | 3:04 am IST

શહેરમાં વરસાદની સાથે મગરો રહેણાંક વિસ્તારમાં આવી ચઢયા

તરસાલી, બિલ ગામ, કોટંબી અને એમ.એસ.યુનિ.માંથી મગરોને રેસ્ક્યુ કરાયા

ા વડોદરા  ા

શહેરમાં છેલ્લા ૪ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદની સાથે જ મગર નગરી તરીકે ગણાતા શહેરના વિવિધ રહેણાંક વિસ્તારમાં મગરો આવી ચઢતા હોવાના કિસ્સાઓ અગાઉ પણ નોંધાયા છે. જ્યારે વિતેલા ૨૪ કલાકમાં પણ શહેરના ૪ સ્થળોએ મગર આવી ચઢતા મગરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જેમાં તરસાલી, બિલ ગામ, કોટંબી અને એમ.એસ.યુનિવર્સિટીમાંથી મગરોને રેસ્ક્યુ કરાયા હતા.

પ્રથમ કિસ્સામાં, તરસાલી વિસ્તારમાં આવેલ હરીનગર ગામમાં સોમવારે મોડી રાત્રે એક ખેતરમાં મગર ઘૂસી આવ્યો હતો. જેની જાણ ગ્રામજનોને થતા વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. જ્યારે બીજી તરફ ગામના યુવાનો મગરને જોવા માટે ઉમટી પડયા હતા. ગ્રામજનોએ ઘટનાની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટમાં કરાતા સંસ્થાના સભ્યો ગણતરીના સમયમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ ૪ ફૂટના મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

બીજા બનાવમાં, શહેર નજીકના બિલ ગામ પાસે આવેલ કાશા લેક સોસાયટીમા એક રહેણાક મકાનના કંમ્પાઉન્ડની બહાર મગર આવી ચઢયો હતો. જેને લઈને પરિવારના સભ્યો તથા સોસાયટીના રહિશોમા ડરનો માહોલ ફેલાયો હતો. જેની જાણ જી.એસ.પી.સી.એ સંસ્થાને કરાતા સંસ્થાના સભ્યો ગણતરીના સમયમાં વન વિભાગના કર્મીઓ સાથે દોડી ગયા હતા. સંસ્થાના સભ્યોએ ૩ ફૂટના મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યો હતો.

ત્રીજા અને ચોથા બનાવમા, વડોદરા હાલોલ હાઈવે પર કોટંબી ગામ પાસેથી અને એમ.એસ.યુનિવર્સિટીમાં ભૂખી કાંસ પાસેથી બે મગરોને હેમંત વઢવાણા, સ્વેજલ વ્યાસ અને ટીમ દ્વારા બંને મગરોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપાયા હતા.

કરજણ થી ૫ કિ.મી દૂર ટ્રેનની અડફેટે મગરનું મોત

શહેર અને જિલ્લામાં મગરોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ઉપરાંત માનવ વસ્તી પણ મગરોના રહેણાક વિસ્તારોની નજીક આવી પહોંચી છે. જેથી શહેર અને જિલ્લામાં મગરો માનવ વસ્તી વચ્ચે આવી પહોંચતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આ વખતે કરજણથી ૫ કિ.મી આગળથી પસાર થતી રેલવે લાઈનના પાટા ક્રોસ કરતી વેળાએ ટ્રેનની અડફેટે આવી જતા મગરનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં મંગળવારે મોડી રાત્રે ૩ વાગ્યાના અરસામાં આ ઘટના સર્જાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જેમાં હેમંત વઢવાણા અને નેહાબેન દ્વારા મગરના મૃતદેહને કરજણ રેલવે સ્ટેશન પર લઈ જઈને કરજણ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. જો કે આ ઘટનાને લઈને બિનસત્તાવાર રીતે રાજધાની ટ્રેન મોડી પડી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;