શિવોહમ્ શિવોહમ્ - Sandesh

શિવોહમ્ શિવોહમ્

 | 1:14 am IST

કવર સ્ટોરી: પૂ. મોરારિ બાપુ

ભગવાન શિવ અનાદિ કવિ છે. એમણે અનુભવ કરીને રામશબ્દને મહામંત્રનો દરજ્જો આપ્યો. મહામંત્ર સમજીને ભગવાન શિવ રાત-દિવસ રામ રામ રામનું ભીતરી ઉચ્ચારણ કરે છે. વાલ્મીકિ ઊલટું જપે છે. રામ રામને બદલે મરા મરા થાય છે! સીધા જાપ કરવાથી માણસ સિદ્ધ થઈ શકે છે. સિદ્ધિઓ આવશે અવશ્ય. એ સ્ટેશન છે, આવશે જ. સિદ્ધિ પાસે રોકાઓ કે ન રોકાઓ, પરંતુ સિદ્ધિનું સ્ટેશન તો સાધનામાં આવે છે, એનો ઈન્કાર કરી શકાતો નથી. પરંતુ એ સ્ટેશન પર રોકાઓ નહીં. એ જંક્શન નથી. ત્યાંથી પસાર થઈ જાઓ. સિદ્ધિઓના પડાવને અતિક્રમો.  

તપ અને સત્સંગ બે વસ્તુ છે. માણસે તપ કરવું. તપ એટલે જીવનનાં દ્વંદ્વોને સહન કરવાની સમજ. જે પરિસ્થિતિ આવે એને હસતે મુખે સહન કરવાની તૈયારી. વરસાદ પડતો હોય તો છત્રી રાખો. વોટરપ્રૂફ રેનકોટ પહેરી લ્યો. છતાં પલળીએ તો બૂમો ન પાડીએ. આનું નામ તપ. જગતમાં બીજું કોઈ વિષ નથી, જીવનમાં આવતી વિષમ પરિસ્થિતિ જ વિષ છે. આમ, માનવી તપ કરે, માનવી સત્સંગ કરે.  

તો બાપ, ભગવાને શંકરે રામકહીને વિષપાન કર્યું. વિષઅને રામની સંધિ થતાં જ વિશ્રામથઈ ગયું! ઝેર અમૃતનું ફળ આપી ગયું. હરિનામથી એ થઈ શકે છે. સાહેબ, મીરાંબાઈને ઝેર અપાયું અને એ જે લાવી હતી એ દાસીએ એને કહ્યું કે, આ પ્રસાદ છે. પ્રસાદશબ્દે બધું બદલી નાખ્યું! ઝેરનાં કેમિકલ્સ બદલી નાંખ્યા! મીરાંએ ઝેર પીધું અને મીરાંને અમીનો ઓડકાર આવ્યો. મારી શ્રદ્ધા અને મારા ભરોસાને એ સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નડતી નથી. સાહેબ, પ્રભુના નામથી હળાહળ વિષ પણ કેમિકલ્સ બદલી નાંખે છે. હા, શ્રદ્ધાથી પિવાયું હોય તો વાત બને છે. મીરાં માટે ઝેર અમૃતમાં બદલી જાય તો એમાં કંઈ ખોટું નથી. કામ થઈ જાય છે, અવશ્ય. એનો મતલબ, ઝેર પીવું નહીં! અને વિષ એટલે પ્યાલામાં લઈને પીવાની ચીજ નથી. આપણાં જીવનમાં જે વિષમ પરિસ્થિતિ આવે એ બધી વિષ છે. હરિનામથી એ વિષમ પરિસ્થિતિ સુગમ થઈ જાય છે.  

રુચિભેદને કારણે બધા જુદાં જુદાં નામે પોકારે છે. એમાં કોઈ સવાલ નથી. એવરેસ્ટ પર કોઈ આ બાજુથી ચઢે કે કોઈ આ બાજુથી ચઢે. પહોંચશે તો બધા એક જ શિખર પર. એવી રીતે જે નામ લીધું,

જે નામે એમને પોકાર્યા, એ બધાં શિખર સુધી પહોંચ્યા. રામને આપણે નાના શું કામ કરીએ?  

મારી પાસે એક મુસ્લિમ યુવાન આવ્યો. કહેવા લાગ્યો, ‘બાપુ, એક વાત કહેવા આવ્યો છું.મારી પાસે બેઠો. મેં કહ્યું,’ભાઈ, ક્યાંથી આવો છો?’ એ બોલ્યો, ‘બાપુ, અહીંનો જ છું. બસ, દર્શન કરવા હતા.મેં બે-ત્રણ વાર પૂછયું, ‘કંઈ કામ છે? કંઈ કામ છે?’ ‘નહીં નહીં.મને મનોમન થયું કે સેતુબંધ તો આવા લોકો કરે છે, રાજકારણીઓ તો તોડે છે! સૌને પોતપોતાનાં કામ કરવાં છે, સાહેબ! એનાથી અલ્લા બચાવે! એમાં અપવાદ હોઈ શકે છે.

 

મેં કહ્યું, ‘કોઈ સેવા?’ એ બોલ્યો, ‘નહીં, મજૂરી કરીએ છીએ. રોજી-રોટી મળી જાય છે, માત્ર દર્શન કરવા છે.અરે! મેં કહ્યું,’ઠીક, ભોજન કરીને જશો.પછી એ બોલ્યો, ‘આપે બે-ત્રણ વાર પૂછયું છે, તો દિલથી એક વાત કરી દઉં.આ એના શબ્દ હું કોમામાં કહી રહ્યો છું. મને ચિત્રકૂટના હનુમાનજી બતાવ્યા.મને કહે, ‘આ હનુમાનને કહેજો, મારી હાજરી મદીનામાં પૂરી દે.મારી આંખો ભીની થઈ ગઈઃ શાબાશ, દોસ્ત! ખુદા સલામત રાખે તને. હનુમાન અને મદીના! એ લોકો કરે છે એક ! આપણે લોકો તો તોડીએ છીએ! ધર્મજગત એ સૌને તોડી રહ્યા છે. સેતુબંધ તો આવા લોકો કરી રહ્યા છે. ઈમાન અને પ્રમાણિકતા તો ત્યાં બચી છે. કોઈ પણ નામ લો, યાર!  

અગર તૂ મંદિર મેં હૈ, તો મસ્જિદ મેં કૌન?

અગર તૂ બસ્તી મેં હૈ, તો વીરાને મેં કૌન?

અગર તુ તસબીહ કે એક દાને મેં હૈ, તો હર દાને-દાને મેં કૌન?

તો બાપ, ગોસ્વામીજીએ પરમાત્મા નામનો ઘણો મહિમા ગાયો છે. એમણે ત્યાં સુધી લખ્યું કે ભાવથી, કુભાવથી, આળસથી – એમ કોઈ પણ સ્થિતિમાં કળિયુગમાં હરિનામનો આશ્રય કરવો જોઈએ.  

હરિનામનો આશ્રય કરવાથી કદાચ આપણી દશા ન પણ બદલે, દિશા બદલશે અને જીવનની દશા બદલે એના કરતાં જીવનની દિશા બદલે એ વધારે સારું છે. એક સારો માર્ગ મળી જાય એ સારું છે.  

મારાં ભાઈ-બહેનો, હરિનામ-પરમાત્માનું કોઈ પણ નામ પાપને હરે છે, એટલા માટે હરિ છે. પાપ નહીં, મનને પણ હરે છે. જે હરણ કરી લે એને હરિ કહે છે. પાપ હરે, ચિંતા હરે, દુઃખ હરે, આખરે માણસનું મન હરી લે એ હરિ છે. અને બધાં એનાં નામ છે. એમાં મુશ્કેલી ન હોવી જોઈએ. એટલા માટે તો કિર્તનમાં હું અલીમૌલાગવડાવું છું, ‘હરિબોલગવડાવું છું. મને કોઈ મુશ્કેલી નથી. એ બધાં તત્ત્વતઃ એક છે. પોતપોતાને ઈષ્ટ એવું કોઈ પણ નામ લો, શો ફરક પડે છે? ચૈતન્ય ગૌરાંગે તો કહ્યું કે હરિનામ વિના વિદ્યા વિધવા છે.  

જાન આદિકબિ નામ પ્રતાપૂ । ભયઉ સુદ્ધ કરિ ઉલટા જાપૂ ।।

નામ પ્રભાઉ જાન સિવ નીકો । કાલકૂટ ફલુ દીન્હ અભી કો ।।

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન