શેરી ગરબાથી ફરસાણના વેપારીઓને ધંધામાં તેજી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • શેરી ગરબાથી ફરસાણના વેપારીઓને ધંધામાં તેજી

શેરી ગરબાથી ફરસાણના વેપારીઓને ધંધામાં તેજી

 | 4:32 am IST
  • Share

પરિવાર અને પાડોશીઓ સાથે ગરબાની રમઝટ વચ્ચે નાસ્તાની પણ જ્યાફત

ચાલી-પોળ, સોસાયટી, ફ્લેટ્સમાં ગરબા બાદ રાત્રિના સમયે નાસ્તાના ઓર્ડર મળતાં ખાણીપીણીના વેપારીઓને ધંધો વધ્યો

નાસ્તાના ઓર્ડર વધ્યા : સમોસા અને પાપડી લોકોની પહેલી પસંદ

કોરોનાના કારણે સરકાર તરફથી માત્ર શેરી ગરબાને મંજૂરી અપાતા નવરાત્રિમાં પોળ-સોસાયટી-ફ્લેટ્સમાં રોનક જોવા મળી રહી છે. પાર્ટી પ્લોટ અને ક્લબ કલ્ચરના કારણે પૌરાણિક ગરબાઓની મજા શેરીઓમાં વિસરાતી જઇ રહી હતી. કોરોના બાદ પરંપરાગત ગરબાનું ચલણ ફરી રંગ જમાવી રહ્યું છે. પરિવાર અને પાડોશીઓ સાથે ગરબા રમવાનો આનંદ અને ત્યારબાદ નાસ્તા-પાણીની લિજ્જત ઉડાડવાનું ચલણ ફરી એકવાર ઉભું થયું છે. જેના કારણે નાના-નાના ખાણીપીણી અને ફરસાણના વેપારીઓને ધંધામાં તેજી જોવા મળી રહી છે.

સરકારની ગાઇડલાઇનના કારણે મોટાભાગનો વર્ગ જે પાર્ટીપ્લોટ્સ અને ક્લબમાં જતો હતો તે પણ શેરીઓમાં ગરબા રમતા જોવા મળી રહ્યા છે. રાત્રિના ગરબાની રમઝટ બોલાવ્યા બાદ થાક ઉતારવા માટે કરાતા નાસ્તા-પાણીના આયોજન તે શેરીગરબાની જ દેણ છે. ત્યારે હાલમાં ગરબા બાદ શેરીઓમાં નાસ્તામાં ભજિયા, દાબેલી, ખમણ, સેવખમણી, ગાંઠિયા, પૌવા, પાપડી, ઢોકળાની ડિમાન્ડ વધી છે. જેના કારણે ખાણીપીણીના નાના વેપારીઓ સહિત મોટા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ફરસાણના વેપારીએ જણાવ્યું હતું કે, પાર્ટી પ્લોટમાં ગરબા ના હોવાથી શેરી ગરબામાં માણસો વધ્યા છે. જેના કારણે આ નવરાત્રિમાં નાસ્તાના ઓર્ડરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અન્ય નાસ્તા કરતા સમોસા સહિત પાપડી લોકોની પહેલી પસંદ હોય છે.

નવરાત્રિની જેમ જ દિવાળીમાં પણ વધુ વેપાર થાય તેવો અંદાજ

ખમણના વેપારીએ જણાવ્યું કે, આ વર્ષે પણ નવરાત્રિમાં ધંધા થવાની આશા ન હતી પણ શેરી ગરબાને મળેલી પરવાનગીથી ધંધો ખુલ્યો છે. નવરાત્રિમાં પૌવા સહિત ખમણ તેમજ સેન્ડવીચ ઢોકળાનું ટ્રેન્ડ લોકોમાં જોવા મળી રહ્યું છે. નવરાત્રિમાં જેમ ધંધો થઈ રહ્યો છે તે જોતાં દિવાળી સમયે વેપાર વધુ થવાનો અંદાજ છે.

ત્રણ વર્ષ પછી નવરાત્રિમાં સારા દિવસો જોવા મળી રહ્યાં છે

દાબેલીના વેપારીના જણાવ્યા મુજબ, 1000 જેટલી દાબેલીના ઓર્ડર પહેલા દિવસથી શરૂથઈ ગયા. ખૂબ સારો ધંધો થવાથી 3 વર્ષ પછી નવરાત્રિમાં સારા દિવસો જોવા મળ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો