શ્રાદ્ધપક્ષ : પિતૃઓનું ઋણ ચૂકવવાનો સમય  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Shraddha
  • શ્રાદ્ધપક્ષ : પિતૃઓનું ઋણ ચૂકવવાનો સમય 

શ્રાદ્ધપક્ષ : પિતૃઓનું ઋણ ચૂકવવાનો સમય 

 | 12:30 am IST
  • Share

આ સંસારમાં આપણા ઉપર જો કોઈનું સૌથી વધારે ઋણ હોય તો તે છે આપણાં માતા-પિતા અને પૂર્વજોનું ઋણ. આપણાં માતા-પિતા જ આપણા માટે સંપૂર્ણ બ્રહ્માંડ છે. શ્રી ગણેશજીએ પોતાનાં માતા-પિતાને વચ્ચે બેસાડીને ચાર વાર પ્રદક્ષિણા કરીને એ વાતને સિદ્ધ કરી છે કે માતા-પિતા જ આપણું સમગ્ર બ્રહ્માંડ છે. આજના સમયમાં પણ લોકો પોતાનાં માતા-પિતા ને પૂર્વજોને પૂજે છે. ભારતીય સંસ્કૃતિમાં પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરવાની પરંપરા પણ છે. શ્રદ્ધાપૂર્વક પિતૃઓની તૃપ્તિ માટે કરવામાં આવતા કર્મને શ્રાદ્ધ કહેવામાં આવે છે અને આ શ્રાદ્ધકર્મ કરવા માટે સૌથી વધારે ઉત્તમ સમય પિતૃપક્ષને માનવામાં આવે છે.  

શાસ્ત્રોમાં પિતૃપક્ષનો મહિમા

એવી માન્યતા છે કે શ્રાદ્ધપક્ષ દરમિયાન યમરાજ બધા જ પિતૃઓને મુક્ત કરે છે, જેથી તેઓ પોતાનાં સંતાન દ્વારા શ્રાદ્ધ નિમિત્તે ભોજન કરી શકે.

ગરુડપુરાણ અનુસાર શ્રાદ્ધકર્મ કરવાથી સંતુષ્ટ થઈને પિતૃઓ મનુષ્યો માટે આયુષ્ય, પુત્ર, યશ, મોક્ષ, સ્વર્ગ, ર્કીિત, પુષ્ટિ, બળ, વૈભવ, પશુધન, સુખ તથા ધન-ધાન્યમાં વૃદ્ધિ થવાની આશિષ આપે છે. યમસ્મૃતિમાં લખ્યું છે કે પિતા, દાદા, પરદાદા ત્રણે શ્રાદ્ધની એવી આશા રાખે છે, જે રીતે વૃક્ષ પર રહેતાં પક્ષી વૃક્ષો પર ઊગનારાં ફળની રાખે છે. બ્રાહ્મણને પૃથ્વી પરના ભૂદેવ કહેવામાં આવ્યા છે. તેમનો જઠરાગ્નિ પિતૃઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. પિતૃ જે યોનિમાં હોય તે રૃપમાં તેમને અન્ન મળી જાય છે, તેથી જ બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી દક્ષિણા આપીને સંતુષ્ટ કરવાનું વિધાન છે. પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ.

પિતૃઓ કેવી રીતે તૃપ્ત થાય?

તીર્થસ્થળે તર્પણ, સપિંડ શ્રાદ્ધ તથા પિતૃદોષ હોય તો નારાયણ-નાગબલિ કર્મ દ્વારા સપિંડ શ્રાદ્ધ તથા તેના નિમિત્તે બ્રાહ્મણ ભોજન, કન્યાને ભોજન અને વસ્તુનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન અને તૃપ્ત થાય છે.

કાગડાને બીજા પક્ષીઓ જેટલું મહત્ત્વ આપવામાં આવતું નથી, પરંતુ શ્રાદ્ધપક્ષમાં બનાવેલી ખીર-પૂરી સૌથી પહેલાં તેમને જ આપવામાં આવે છે, જેને કાગવાસ પણ કહે છે, કારણ કે કાગડા અને પીપળાના વૃક્ષને પિતૃઓનું પ્રતીક માનવામાં ઔઆવે છે.

શ્રાદ્ધકર્તા માટે આટલું ર્વિજત

નિષિદ્ધ પદાર્થ ઃ તેલની માલિશ, પાન તથા કોઈ પણ જાતની ઔષધીનું સેવન તથા અન્યનું અન્ન.

નિષિદ્ધ ધાતુ ઃ શ્રાદ્ધમાં તાંબાના પાત્રનું વિશેષ મહત્ત્વ છે, તેથી રસોઈ બનાવવાથી લઈને ભોજન કરવા સુધીનાં બધાં જ પાત્રો તાંબાનાં રાખવાં. અન્ય ધાતુનો ઉપયોગ કરવો નહીં.

નિષિદ્ધ પુષ્પ ઃ બીલીપત્ર, કદંબ તથા અન્ય લાલ રંગનાં અને તીવ્ર ગંધવાળાં ફૂલોનો શ્રાદ્ધકાર્યમાં ઉપયોગ કરવો નહીં. તમે ઈચ્છો તો સુગંધિત સફેદ રંગનાં ફૂલોનો ઉપયોગ કરી શકો છો.

નિષિદ્ધ અન્ન ઃ ચણા, મસૂર, કાળું જીરું, સંચળ, અડદ, રાઈ તથા સરસિયાના તેલનો ભોજનમાં ઉપયોગ કરવો નહીં.

શું છે પિતૃદોષ?       

જન્મકુંડળીનું નવમું ઘર જેને પિતાના સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થાન પિતાનાં સુખ, આયુષ્ય તથા સમૃદ્ધિનું કારક હોય છે સાથે વ્યક્તિનું ભાગ્ય, ઉન્નતિ અને ધર્મસંબંધી બાબતો જણાવે છે. સૂર્ય પિતાનો કારક ગ્રહ છે તથા વ્યક્તિની ઉન્નતિ વગેરે તેના પ્રભાવમાં આવતાં ક્ષેત્ર છે. સૂર્યની સાથે જો રાહુ જેવા પાપગ્રહ આવી જાય તો ગ્રહણ યોગ બને છે, તેથી વ્યક્તિને અનેક પ્રકારનાં કષ્ટો થાય છે. તેના ભાગ્યોદયમાં બાધા આવે છે. તેને કાર્યક્ષેત્રમાં પણ સંકટોનો સામનો કરવો પડે છે. સરળ રીતે સમજીએ તો જન્મકુંડળીના નવમા ઘરમાં સૂર્ય અને રાહુ ગ્રહ હોય તો તેને પિતૃદોષ કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે પૂર્વજન્મનાં પાપોના કારણે અથવા પિતૃઓના શાપને કારણે આ દોષ લાગે છે.  

પિતૃદોષ નિવારણના ઉપાય  

દરેક મહિનાની અમાસે એક બ્રાહ્મણને ભોજન કરાવવાથી તથા વસ્ત્ર-દક્ષિણા ભેટ આપવાથી પિતૃદોષમાં શાંતિ મળે છે.  

પવિત્ર સ્થાન પર જઈને નારાયણ-નાગબલિની વિધિ કર્મકાંડી બ્રાહ્મણ પાસે કરાવવી જોઈએ.  

દાદા, પિતા, કાકા, મોટાભાઈ વગેરેનો આદર કરવાથી, તેમનાં ચરણસ્પર્શ કરવાથી કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે અને પિતૃદોષ ઓછો થાય છે.  

સૂર્ય એ પિતાનો કારક ગ્રહ છે, તેથી તેની સાનુકૂળતા મેળવવા માણેક રત્ન ધારણ કરવું.  

સૂર્યોદયના સમયે સૂર્ય દેવતાને પ્રણામ કરી ગાયત્રી મંત્રનો જપ કરવાથી સૂર્ય બળવાન બને છે.  

રાશિ અનુસાર પિતૃદોષના ઉપાયો  

જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો તમે તમારી રાશિ પ્રમાણે ઉપાયો કરી શકો છો. કેટલાક ઉપાયો આ પ્રમાણે છે.  

મેષ-  

પીપળાના વૃક્ષને સવારે જળ સીંચવું તથા સાંજે દીવો કરવો.  

વૃષભ-  

નવદુર્ગાનું પૂજન કરો તથા કુંવારી કન્યાઓને ખીર ખવડાવવી.  

મિથુન-  

કોઈ ગરીબ કન્યાના વિવાહમાં કે તે બીમાર હોય ત્યારે યથાશક્તિ મદદ કરવી.  

કર્ક-  

દૂધ તથા અડદમાંથી બનેલી વાનગીનું દાન કરવું.  

સિંહ-  

અન્ન અથવા પલંગનું દાન કરવું.  

કન્યા-  

શિવપૂજન કરવું અથવા ગીતાનો પાઠ કરવો.  

તુલા-  

સિંદૂર, તલ તેલ તથા અડદનું ગરીબને દાન કરવું.  

વૃિૃક-  

કમળનું ફૂલ તથા ગૂગળની આહુતિ આપીને હવન કરો.  

ધન-  

કુળદેવતાની પૂજા-અર્ચના કરવી જોઈએ.  

મકર-  

રુદ્ર પૂજન અથવા શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો.  

કુંભ-  

પિતૃતર્પણ તથા ગીતા પાઠ કરો.  

મીન-  

ભગવાન ગણેશ અથવા હનુમાનજી અથવા ભૈરવજીનો પાઠ કરો.

તર્પણ માટેનાં તીર્થ  

તીર્થસ્થાનો પર સવિધિ પિંડદાન તથા તર્પણ કરવા માટે પિતૃ ક્ષેત્રોને પુરાણો અનુસાર બોધિગયા, નાભિગયા અથવા વૈતરણી, પદગયા અથવા પીઠાપુર, માતૃગયા અથવા સિદ્ધપુર અને બદરીનાથ એમ પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યા છે.  

બોધિગયા  

બોધિગયા ખૂબ જ પ્રાચીન, પ્રસિદ્ધ, પવિત્ર તીર્થસ્થાન છે. જ્યાં પૂર્વજોનું પિંડદાન કરવામાં આવે છે. તે બિહાર રાજ્યમાં ફલ્ગુ નદીના કિનારે મગધ ક્ષેત્રમાં આવેલું છે. બોધિગયાને વિષ્ણુનગરી પણ કહે છે. અહીં અક્ષયવટ સ્થાન છે જ્યાં પિતૃઓ નિમિત્તે કરવામાં આવેલું દાન અક્ષય હોય છે. પિતૃગણ એવી આશા રાખતા હોય છે કે તેઓ ગયામાં પિંડદાન કરે અને પિતૃઋણમાંથી મુક્ત બને.  

નાભિગયા અથવા વૈતરણી  

ઓરિસા રાજ્યમાં વૈતરણી નદીના કિનારે જાજપુર ગામમાં નાભિગયા આવેલું છે. વૈતરણી નદી વિશે પુરાણોમાં કહેવાયું છે કે મૃત્યુ બાદ દરેક વ્યક્તિએ આ નદીને પાર કરવી જ પડે છે. જો વ્યક્તિએ પોતાના જીવનમાં શુભ કર્મ કર્યાં હોય તો તે આ નદીને સરળતાથી પાર કરી શકે છે. આ સ્થાન પર પિતૃતર્પણ, પૂજા કરીને આપણા પૂર્વજોને આ નદી પાર કરાવી શકીએ છીએ.  

પદગયા અથવા પીઠાપુર  

તમિલનાડુ રાજ્યમાં પીઠાપુરમાં રાજમંદિર સ્ટેશન પાસે આ સ્થાન આવેલું છે. અહીં પિતૃતર્પણની વિધિ કરાવવાથી પિતૃઋણમાંથી મુક્તિ મળે છે.  

માતૃગયા અથવા સિદ્ધપુર  

માતૃગયા ગુજરાત રાજ્યમાં મહેસાણા નજીક આવેલું છે. એવું કહેવાય છે કે ભગવાન પરશુરામે પોતાની માતાનું પિંડદાન અહીં કર્યું હતું. અહીંના બિંદુ સરોવરના કિનારે પિંડદાન તથા પૂજન કરવામાં આવે છે. આ સિવાય ભરૃચ પાસે આવેલા ચાણોદને પિતૃતર્પણ માટે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે.  

બદરીનાથ  

હિમાલયના પહાડોમાં બદરીનાથ નજીક એક શિલા આવેલી છે જેનું નામ બ્રહ્મકપાલી છે, એવું કહેવામાં આવે છે કે અહીં પિંડદાન તથા શ્રાદ્ધ કરવામાં આવે તો ફરીથી શ્રાદ્ધ કરવાની કોઈ જરૃરિયાત રહેતી નથી.  

શ્રાદ્ધ કેવી રીતે કરશો?  

ભારતમાં કોઈપણ પવિત્ર તીર્થ પર જઈને પિતૃની તિથિએ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા કર્મકાંડ કરીને સૌથી પહેલાં તીર્થના દેવતા, સમસ્ત ઋષિ-મુનિઓ, પિતૃઓ નિમિત્તે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરો. ઉત્તર તથા દક્ષિણ દિશામાં ક્રમશઃ દેવ,ઋષિ, યમ, પિતૃ વગેરેનું તર્પણ વૈદિક નીતિ-નિયમ શાંતચિત્તે કરવું જોઈએ.

શ્રાદ્ધના પ્રકાર  

નિત્ય શ્રાદ્ધ-  

દરરોજ શ્રદ્ધા તથા વિશ્વાસપૂર્વક કરવામાં આવતાં દેવપૂજન, માતા-પિતા તથા ગુરુજનોનાં પૂજનને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે.  

કામ્ય શ્રાદ્ધ-  

કોઈ કામનાની ર્પૂિત માટે કરવામાં આવતું શ્રાદ્ધ  

વૃદ્ધ શ્રાદ્ધ-  

વિવાહ કે અન્ય પ્રસંગે ઘરના વડીલો કે પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવતું શ્રાદ્ધ.  

સપિંડ શ્રાદ્ધ-  

સન્માનની ઇચ્છાથી કરવામાં આવતું શ્રાદ્ધ.  

ગૌષ્ઠ શ્રાદ્ધ-  

ગૌશાળામાં ગાયની સેવા સ્વરૃપે કરવામાં આવતું શ્રાદ્ધ  

કર્માંગ શ્રાદ્ધ-  

ભાવિ સંતતિ માટે કરવામાં આવતાં ગર્ભાધાન, સોમયાગ, સીમંતોન્નયન વગેરે સંસ્કાર.  

દૈદિક શ્રાદ્ધ-  

 દેવતાઓને પ્રસન્ન કરવા માટે કરાતું શ્રાદ્ધ.  

શુદ્ધિ શ્રાદ્ધ-  

કોઈ પાપકર્મના પ્રાયિૃત સ્વરૃપે કરવામાં આવતું શ્રાદ્ધ  

તૃષ્ટિ શ્રાદ્ધ-  

યાત્રાએ જઈ રહેલા સંબંધીની કુશળતાની કામનાથી કરવામાં આવનારું દાન-પુણ્ય.   

પર્વ શ્રાદ્ધ  

અમાસ વગેરે પર્વો પર મંત્રપૂર્વક કરવામાં આવતું શ્રાદ્ધ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન