સંખેડા તાલુકાના તણખલા ગામે પીવાના પાણીનો કકળાટ તણખલામાં પાણીની ટાંકીની લાઇનમાં ભંગાણ થતાં ગ્રામજનોને પાણી મળતું નથી - Sandesh
  • Home
  • Baroda
  • સંખેડા તાલુકાના તણખલા ગામે પીવાના પાણીનો કકળાટ તણખલામાં પાણીની ટાંકીની લાઇનમાં ભંગાણ થતાં ગ્રામજનોને પાણી મળતું નથી

સંખેડા તાલુકાના તણખલા ગામે પીવાના પાણીનો કકળાટ તણખલામાં પાણીની ટાંકીની લાઇનમાં ભંગાણ થતાં ગ્રામજનોને પાણી મળતું નથી

 | 11:59 pm IST

સંખેડા, તા.૨૩

સંખેડા તાલુકાના રતનપુર (ક) જૂથ ગ્રામ પંચાયતના તણખલા ગામની પાણીની ટાંકીના બોરની પાઇપ લાઇનમાં ભંગાણથી ગ્રામજનોને ભર ચોમાસામાં પીવાના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. એ તો ઠીક પરંતુ ડહોળુ પાણી મળવાથી રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. ત્યારે આવા સમયે તણખલા ગામના રહેવાસીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની તાતી જરૃરીયાત જણાઈ રહી છે. ગ્રામજનોને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પાણી આવે તો ડહોળું આવવાની શક્યતાથી ગ્રામજનોને ભારે હાલાકી

સંખેડા તાલુકા મથકેથી વીસ કિમીના અંતરે આવેલ રતનપુર (ક) જૂથ ગ્રામ પંચાયતના તણખલા ગામે આશરે ૭૦૦ જેટલી માનવ વસ્તી માટે ૫૦ હજાર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી બનાવવામાં આવી છે. આ કાંટીમાં પાણી ભરવા ટાંકીથી સાઇઠ ફુટના અંતરે પાણીનો એક બ ોર જયારે ત્યાંથી આશરે એક કિમીના અંતરેે કોતરોની વચ્ચે બીજો બોર અને જેનાથી થોડેક ત્રીજો બોર કરવામાં આવેલ છે. પરંતુ દુર સુધી આવેલ પાણીના બોર માટે થ્રી ફેઝ વીજ કનેકશન ન હોય આ બંને બોર શોભાના ગાંઠીયા સમાન લાગી રહ્યા છે.

આશરે ૭૦૦ જેટલી વસ્તી ધરાવતા તણખલા ગામના વસાવા, બારીયા જ્ઞાાતિની પ્રજાને સવાર- સાંજ બે ટાઇમ અનિયમિત પીવાનું પાણી મળે છે. ટાંકીમાંથી પાણી ન આવે તો નજીકના ખેતરોમાં આવેલા કુવા પર પીવાનું પાણી મેળવવા જવુ પડે છે. પરંતુ જે માટે પણ વીજ પ્રવાહ ઉપર આધાર રાખવો પડે છે. સાંજે અને દિવસના સમયમાં ખેડૂતોને અપાતો વીજ પ્રવાહ સાંજે મળે તો રાત્રીના અંધકારમાં પીવાનું પાણી મેળવવા ખેતરો સુધી દોડવુ પડે. દિવસની લાઇટ હોય તો ઘરનું તમામ કામકાજ પડતુ મુકીને પાણી ભરવા જવાની ફરજ પડે છે.

આવી પરિસ્થિતિમાં છૂટકારો મેળવવો હોય તો સાયકલ કે મોટર સાયકલ ઉપર કાર્બા લઇને દિવાળીપુરા, રતનપુર સુધી દોડ લગાવી પીવાનું પાણી મેળવવું પડે છે. આમ તણખલાના ગ્રામજનોને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી ઔરહ્યો છે.

તણખલા ગામની એક માત્ર પાણીની ટાંકીમાં પાણી પુરૃ પાડતા પાણીના બોરની પાઇપમાં છેલ્લા દસ દિવસથી ભંગાણ છે. જેથી એક- દોઢ કલાક સુધી ડહોળુ પાણી આવે છે અને ત્યારબાદ સાધારણ ચોખ્ખુ પાણી આવે છે. જેથી આ કારણે ગ્રામજનોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. જો જવાબદાર તંત્ર આ માટે કોઇ જ કાર્યવાહી કરશે નહીં તો ઘરે તો આ વિસ્તારના લોકો બિમારીમાં સપડાય તો નવાઇ નહીં .

 

પાણી ગરમ કરી વાપરે છે

હાલમાં તો ગ્રામજનો ડહોળુ પાણી મેળવી જેને ગરમ કરી પોતાના મુંગા જાનવરોન ે પીવડાવવા તેમજ કપડા- વાસણ ધોવામાં ઉપયોગ કરી રહ્યા છે. જયારે પીવા માટેનું પાણી મેળવવા ખેતરો સુધી દોડ લગાવી રહ્યા છે. જેથી વોટર વર્કસની ઓરડી પાસે જ તાત્કાલિક નવો પાણીનો બોર કરી પાણીની ટાંકી ભરવામાં આવે તો ગ્રામજનોને રાહત થાય તેમ છે. જેથી સત્વરે આ કામગીરી જવાબદાર તંત્ર હાથ ધરે એ જરૃરી છે.

 
 

પાણી ડહોળુ આવવાનું કારણ ખબર નથી

તણખલા ગામે પાણી કેમ ડહોળુ આવે છે. જેની મને કંઈ ખબર પડતી નથી. પરંતુ આ સમસ્યાને વહેલી તકે દુર કરવા નવો ટયુબવેલ કાં તો પછી નવું વીજ કનેકશન મળે તો અન્ય સ્થળે આવેલ પાણીના બોર ઉપર મોટર લગાવી ગ્રામજનોને ચોખ્ખુ પાણી આપવા પ્રયત્નો ચાલુ છે.

અનિલભાઇ રાઠવા, તલાટી, રતનપુર (ક) જૂથ ગ્રામ પંચાયત