સંખેડા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ૫૩.૫૪ ટકા મતદાન

૫૬૭૬માંથી ૨૬૧૩ મતદારોએ મતદાન કર્યું ઃ સંખેડાના બજારોમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડયાં

2

ગોલાગામડી, તા.૧૯

સંખેડા ગામની પ્રતિષ્ઠીત ગણાતી નાગરિક સહકારી બેંક લી.ની આજે ચૂંટણી યોજાઇ જેમાં બંને પેનલના ઉમેદવારોએ પોતાની પેનલને જીતાડવા માટે ભરપૂર પ્રયાસ હાથ ધર્યા હતા.

ચૂંટણીમાં ૨૬૧૩ જેટલા સભાસદોએ પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. અંદાજીત સભાસદોની કુલ સંખ્યા ૪૬૭૬ જેટલી હોવાનું જાણવા મળ્યું હતું. બપોરબાદ મતદાનની ટકાવારી વધવા લાગી હતી. મોડી સાંજે મતગણના હાથ ધરવામાં આવી હતી.

સંખેડા ગામની અને વડોદરા શહેરમાં પોતાની શાખા ધરાવતી ધી સંખેડા નાગરિક સહકારી બેંક લી.ની આજે સંખેડા દશાલાડની વાડીમાં સવારે આઠ કલાકે મતદાન શરૃ કરવામાં આવ્યું હતું. બપોરબાદ મતદાન ઝડપથી થતું હતું અને મતદાનની ટકાવારીમાં પણ વધારો થયો હતો.

સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલુ રહ્યું હતું. જેમાં ૪૬૪૬ મતદારો પૈકી ૨૬૧૩ મતદારોએ પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. એટલે કે મતદાનની ૫૩.૫૪ ટકા ટકાવારી નોંધાઇ હતી. છેલ્લે સુધી મતદારો મતદાન કરવા આવતા હોવાનું નજરે પડયું હતું.

સંખેડાના બજારોમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા હતા. સંખેડા તેમજ બહારાગામથી આવતા લોકો માટે ઉમેદવારો દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે આ ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.