સંવાદમાંથી હંમેશાં કથા અને વિવાદમાંથી વ્યથા જ પ્રગટે છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Shraddha
  • સંવાદમાંથી હંમેશાં કથા અને વિવાદમાંથી વ્યથા જ પ્રગટે છે

સંવાદમાંથી હંમેશાં કથા અને વિવાદમાંથી વ્યથા જ પ્રગટે છે

 | 12:30 am IST
  • Share

 ભગવદ્ગીતાએ સંવાદનાં ચાર લક્ષણ દર્શાવ્યાં છે. સંજય દૂરથી કૃષ્ણ-અર્જુન સંવાદ સાંભળી રહ્યો છે અને સંવાદ સાંભળીને એણે ચાર લક્ષણ દર્શાવ્યાં. એક, આ સંવાદ અદ્ભુત છે. બીજું, આ સંવાદ રહસ્યમય છે. ત્રીજું, આ સંવાદ કલ્યાણકારી છે, પુણ્યકારી છે ને ચોથું લક્ષણ દર્શાવ્યું, આ સંવાદ રોમાંચિત કરે છે; આ સંવાદ સાંભળું છું તો ક્ષણેક્ષણે મારામાં પ્રસન્નતા વધે છે.

કેટલાક લોકોને સંવાદ સારો લાગતો જ નથી, વિવાદ જ સારો લાગે છે! જેનામાં ચાર વસ્તુ હોય એને વિવાદ થાય છે. એક મૂઢતા; બીજો અહંકાર; ત્રીજો દંભ; અને ચોથું, આખા સમાજમાં પોતાની જ વાત ચાલે, બીજાની વાત ચાલે જ નહીં એવો દુર્ગુણ જેનામાં હોય એના જીવનમાં વિવાદ જ હશે. માણસ વિવાદ ઈચ્છે છે એનાં ચાર કારણ છે- મૂઢતા, અહંકાર, દંભ અને પોતાની જ મનમાની વાતો યોગ્ય કહેવાનો આગ્રહ.

એક યુવકે પૂછયું છે, સિદ્ધ લોકો ક્રોધ શા માટે કરે છે? ક્રોધ એ કચરો છે. સિદ્ધ લોકો ક્રોધ કરે તો એ સિદ્ધ નથી, એવું હું નહીં કહું, પરંતુ હું વિનમ્રતાપૂર્વક એટલું કહીશ કે એ સિદ્ધ છે, શુદ્ધ નથી, કેમ કે એનામાં ક્રોધનો કચરો છે, દંભનો કચરો છે, અહંકારનો કચરો છે. રાષ્ટ્રને કે વિશ્વને સિદ્ધની જરૃર નથી. શુદ્ધની જરૃર છે. ભગવાને જન્મ આપ્યો છે; સારાં મા-બાપ, ભાઈ-ભગિની આપ્યાં છે; સંપદા આપી છે; સારું શિક્ષણ આપ્યું છે; આપણી ઓકાત અનુસાર બધું આપ્યું છે. ભગવાન પાસે કંઈ માગવાની મને તો જરૃર નથી લાગતી. છતાં માગવું હોય તો પરમાત્મા પાસે એવું માગો કે જેમની પાસે બેસવાથી સારું લાગે એવા શુદ્ધ અને શીતળ સંત સાથે અમારી મુલાકાત કરાવી દે.

તુલસીદાસ સંત માટે બે જ વિશેષણ પ્રયોજે છે. એક વિશુદ્ધ સંત, બીજો શીતલ સંત. જે ક્યારેય ક્રોધ ન કરે; જેમની આંખોમાં તમે વિકાર જોઈ જ ન શકો. જેમની કોઈ પણ ચેષ્ટા વિકારજનિત ન હોય. આપણે શુદ્ધની જરૃર છે. આપણો મૂળ સ્વભાવ શુદ્ધ છે. મને લાગે છે કે શુદ્ધ સ્વભાવને સિદ્ધ કરવો એ ધર્માંતર છે; એક વિકૃતિ જેવું છે. જેનામાં ક્રોધરૃપી વિકાર છે એ શુદ્ધ નથી. સાધુ શુદ્ધ હોવો જોઈએ; શીતળ હોવો જોઈએ. તો જ્યાં સુધી મૂઢતા, અહંકાર, દંભ અને અનુશાસનીય વૃત્તિ છે ત્યાં સુધી આપણે ક્યારેય સંવાદ નથી કરી શક્તા.

લાઓત્સેનું એક અદ્ભુત સૂત્ર છે, ‘સાધુને પોતાની સાધુતા જસ્ટિફાય નથી કરવી પડતી.સાધુને પોતાની સાધુતા સિદ્ધ નથી કરવી પડતી કે સમાજ એને મહોર મારે. જે સાધુ સમાજ પાસે મહોર મરાવે એનો મતલબ એ થયો કે મહોર મારનારા મોટા છે; સાધુ નાનો થઈ ગયો! જેમને સાધુતા નિભાવવી છે એમને આ સૂત્ર બહુ બળ આપશે.

રામચરિતમાનસરૃપી સરોવરના ચાર ઘાટ છે અને એ ચારેય ઘાટ સંવાદના છે. એક, ભારદ્વાજ અને યાજ્ઞાવલ્કય એ બે મુનિઓ વચ્ચેનો સંવાદ છે. બંને મુનિ છે. બંનેનું સરખું વ્યસન છે. એ બંને રામાયણનાં પરોક્ષ-અપરોક્ષ પાત્ર પણ છે. એક જ શાસ્ત્ર સાથે જોડાયેલાં છે. મોટેભાગે બંનેના જીવનનો મંત્ર મૌન છે. યાજ્ઞાવલ્કયની પરમવિવેકી જ્ઞાાનધારા અને ભારદ્વાજજીની ભક્તિધારા મળે છે તો સંવાદ થવો સ્વાભાવિક છે. યાજ્ઞાવલ્કય અને ભારદ્વાજજીના સંવાદમાંથી કથા પ્રગટ થઈ. સૂત્રના રૃપમાં હું એમ કહી શકું કે સંવાદમાંથી હંમેશાં કથા અને વિવાદમાં વ્યથા જ પ્રગટે. સંવાદમાંથી કોઈ ને કોઈ કથા પ્રગટ થાય છે જ્યારે વિવાદમાંથી વ્યથા પ્રગટ થાય છે, દુર્વાદમાંથી ક્રોધ પ્રગટ થાય છે અને અપવાદ કરવાથી દ્વેષમાં વૃદ્ધિ થાય છે. અપવાદ એટલે બીજાની બદનામી કરવી; બીજાની ગેરહાજરીમાં એમની નિંદા કરવી. એ વિકારોની વૃદ્ધિથી બચવા માટે કોઈ સાધુચરિત્રની કથાથી ફાયદો થશે.

બીજો ઉમા-શંભુ સંવાદ. ત્યાં સંવાદ થયો એનું પહેલું કારણ એ છે કે વાસ્તવમાં એ બે દેખાય છે, તત્ત્વતઃ એક જ છે. શિવ અને પાર્વતી અર્ધનારેશ્વર છે. બીજું, અધ્યાત્મ ઊંચાઈ કૈલાસની છે, એવરેસ્ટની નથી. એવરેસ્ટમાં સ્પર્ધા છે, કૈલાસમાં શ્રદ્ધા છે. કૈલાસથી ઊંચું કશું નથી. માણસ જ્યારે ઊંચાઈ પર જશે ત્યારે વિવાદ કરશે જ નહીં, સંવાદ જ કરશે. ત્રીજું કારણ, ત્યાં બંને દેવ છે. એક મહાદેવી છે, એક મહાદેવ છે. એટલે સંવાદ સ્વાભાવિક છે. સંવાદનું એક કારણ એ છે કે એક વિશ્વાસ છે, બીજી શ્રદ્ધા છે. જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસનું સંમિલન છે ત્યાં સંવાદ હશે જ હશે.

માનસમાં ત્રીજો સંવાદ છે કાગભૂશુંડિ અને ગરુડનો. એ બંને પક્ષી વચ્ચે સંવાદ કેમ થયો? મારી સમજ મુજબ એક ઊંચાઈની અવસ્થા પર જે હશે ત્યાં સંવાદ થશે જ. કાગભૂશુંડિ એવી ઊંચાઈ પર છે અને ખગપતિ ગરુડ પણ એવી ઊંચાઈ પર પહોંચે છે. એટલા માટે એ બે હરિભક્ત વચ્ચે સંવાદ થયો. કાગભૂશુંડિ નીલગિરિ પર્વત પર રહે છે, એનું ઊંચું આસન છે. ઉત્તર દિશામાં સુંદર નીલગીરી પહાડ પાસે સુશીલ કાગભૂશુંડિ નિવાસ કરે છે. એ શીલવાન છે. કેવળ શીલવાન જ નહીં, સુશીલ છે. અને સુશીલ માણસ ક્યારેય વિવાદ નહીં કરે, સંવાદ જ કરશે. બીજું, એ રામભક્તિમાં ડૂબ્યા રહે છે. જેનામાં રામભક્તિ છે એ વિવાદ કરશે જ નહીં.

તુલસી અને સંતસમાજ અથવા તો તુલસીનું મન જે કહો તે, એની વચ્ચે સંવાદ થયો એનું કારણ છે કે એ ઘાટ જ શરણાગતિનો છે. જ્યાં શરણાગતિ હોય છે ત્યાં બધી તકરારો મટી જાય છે. શરણાગતિવાળા માણસો વિવાદ નથી કરતા. લાઓત્સે કહ્યા કરતા હતા કે દુનિયામાં તમે બધાને હરાવી શકો છો, પરંતુ જે સામેથી કહી દે કે હું હારી ચૂક્યો છું એને કોઈ હરાવી શકતું નથી. જે હારી ગયા હોય એને કોણ હરાવે? શરણાગતિ સંવાદની જનેતા છે. તુલસી વૈરાગી સાધુ છે. જેનામાં વૈરાગ હોય એ કોઈ સાથે વિવાદ શું કામ કરે? અને ત્રીજી વાત, બીજા સાથે વાત કરવાની હોય તો ક્યારેક વિવાદ થઈ શકે. તુલસીએ બીજા સાથે વાત નથી કરી, પોતાના મન સાથે વાત કરી છે. જે પોતાના મન સાથે વાત કરશે, મનને પ્રબોધ કરશે તો પછી સ્વાભાવિક જ વિવાદ નહીં થઈ શકે, સંવાદ જ થશે. હું પણ તમને નિવેદન કરું કે મન સાથે લડો નહીં. આપણને ધર્મના નામે શીખવવામાં આવ્યું છે કે મનનું દમન કરો, મનને રોકો, મનના આવેગોને રોકો, પરંતુ મને લાગે છે કે મન સાથે સંઘર્ષ કરવાથી વિવાદ ઊભો થશે. મન અનેક પ્રકારના વિવાદ પેદા કરે છે. મન સાથે મૈત્રી કરો. મન સાથે લડો નહીં. મન પરમાત્માની વિભૂતિ છે. એની સાથે સંવાદ કરવો જોઈએ. સુરદાસ, તુલસીદાસ એ સૌએ મન સાથે સંવાદ કર્યો છે. મન સાથે વિવાદ ન કરવો; એની ઊછળ-કૂદના દૃષ્ટા બનવું. તમે ગમે તેટલું ચાલો, પણ આખરે બેસી જાઓ છો. તમે ગમે તેટલું ખાઓ, આખરે ઓડકાર ખાઈ લો છો. તમે ગમે તેટલું સૂવો, પરંતુ આખરે જાગી જાઓ છો. તમે ગમે તેટલું જાગો, પરંતુ આખરે આંખ મીંચાઈ જાય છે. એવી રીતે મન ગમે તેટલું ચંચળ કેમ ન હોય, એની સાથે સમજૂતી કરવાથી ધીરે ધીરે શાંત થઈ જાય છે.

તો સાધુ-સમાજ સાથે તુલસીનો વાર્તાલાપ થઈ રહ્યો છે અને મન સાથે વાત થઈ રહી છે એટલે ત્યાં સંવાદ જ થશે. વિવાદ પંડિતોમાં થાય છે, સાધુઓમાં નહીં. મહાવીર સ્વામીના કાનમાં ખીલા ભોંકવામાં આવ્યા, પણ એમણે વિવાદ ન કર્યો. કેટલી હદ સુધી ધૈર્ય ધારણ કર્યું! સોક્રેટિસને ઝેર આપવામાં આવ્યું, પણ એમણે વિવાદ ન કર્યો. સાધુ ક્યારેય વિવાદ ન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન