સપ્તાહથી બંધ કુકરમુંડા પોસ્ટ ઓફિસ ખુલી - Sandesh
  • Home
  • Surat
  • સપ્તાહથી બંધ કુકરમુંડા પોસ્ટ ઓફિસ ખુલી

સપ્તાહથી બંધ કુકરમુંડા પોસ્ટ ઓફિસ ખુલી

 | 8:38 pm IST

અકસ્માતમાં ઘાયલ થયેલા પોસ્ટમાસ્ટરને પણ ફરજ પર હાજર થવા હુકમ

છેલ્લા અઠવાડિયાથી  બંધ ઓફિસથી લોકોના મહત્ત્વના કામકાજો ટલ્લે ચઢયા હતા

વ્યારા, તા. ૨૨

કુકરમુંડા ખાતે આવેલી એકમાત્ર પોસ્ટ ઓફિસ છેલ્લા એક અઠવાડિયાથી જવાબદાર અધિકારી રજા ઉપર જવાથી બંધ થઇ હતી, વર્ષે દહાડે હજારો રૂપિયાનું ટર્નઓવર કરતી ઓફિસ અચાનક બંધ થવાથી તાલુકા મથકે આવેલી સરકારી કચેરીઓની સરકારી ટપાલો તેમજ આમજનતાના સેવિંગ એકાઉન્ટ, અન્ય કામકાજો ઠપ થતા લોકો અટવાતા રહેતા હોવાનો અહેવાલ સંદેશ દ્વારા પ્રસિદ્ધ થતા તાત્કાલિક વ્યારાથી તપાસ અર્થે અધિકારી કુકરમુંડા ખાતે દોડી જઇને ઓફિસને કાર્યરત કરાવી હતી.

 

કુકરમુંડા તાલુકા મથકે આવેલી એકમાત્ર પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટ માસ્તરને અકસ્માત નડતા જેઓ રજા પર જવાથી છેલ્લા અઠવાડિયાથી પોસ્ટ ઓફિસનું કામકાજ ઠપ થયું હતું. ઓફિસના તાળાં લટકતા જોવા મળતા કામકાજ અર્થે આવતા લોકો વિલા મોંએ પરત ફરતા હતા, મહત્ત્વની ટપાલો, સેવિંગ એકાઉન્ટ, પેન્શનને લગતી કાર્યવાહી સહિતના અનેક કામકાજો ઠપ્પ થયા હતા. સરકારી ટપાલો પણ અટવાતી હોવાથી લોકો હેરાન-પરેશાન થતા હોવાથી આ અંગે જાગૃત નાગરિક તથા ફુલવાડી ગ્રૂપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા બારડોલી હેડ ઓફિસ ખાતે રજૂઆત કરી તાકીદે કોઇ રિલિવરને કામકાજ માટે મૂકવાની માંગણી કરવામાં આવી હતી. બંધ પોસ્ટ ઓફિસ તેમજ ખોરવાયેલ વહીવટ અંગેનો અહેવાલ સંદેશ દ્વારા પ્રસિદ્ધ થતા પોસ્ટ વિભાગમાં હડકમ મચી ગઇ હતી. કુકરમુંડા ખાતે વ્યારાથી ઇન્સ્પેકટર આઇ.પી.મોરે દોડી જઇ સ્થળ તપાસ કરી વિગતો મેળવી હતી. રજૂઆત કરનાર ઉમેશભાઇ શાહ સહિતના જાગૃત નાગરિકોના નિવેદનો લીધા હતા. કુકરમુંડા ખાતે રિલિવર તરીકે ફરજ ઉપર મુકેલ નિઝરના એન.આઇ.પટેલના પણ જવાબો લીધા હતા. જો કે તા.૨૧ના રોજથી રાબેતા મુજબ પોસ્ટ ઓફિસનો વહીવટ ચાલુ થવા પામ્યો છે, પરંતુ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ પોસ્ટ માસ્તર એમ.એસ.વળવીને ના છુટકે ફરજ ઉપર હાજર થવાની વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી હોય, જે અન્યાયકર્તા હોવાનો રોષ લોકો ઠાલવી રહ્યા છે. ત્યારે કુકરમુંડા પોસ્ટ ઓફિસના સઘન વહીવટ માટે પૂરતા સ્ટાફની નિમણૂક કરવા તંત્ર કમર કસે તે જરૂરી છે.