સમજણ હોય ત્યારે દુઃખ રહેતું નથી - Sandesh
1.6M
1M
1.7M
APPS

સમજણ હોય ત્યારે દુઃખ રહેતું નથી

 | 12:30 am IST
  • Share

તમે રસ્તા પર ચાલો તો તમને પ્રકૃતિનો વૈભવ જોવા મળશે, લીલાંછમ્મ ખેતરોનું અસાધારણ સૌંદર્ય અને ખુલ્લા આકાશની ભવ્યતા જોવા મળશે અને તમે બાળકોનું ખડખડાટ હાસ્ય પણ સાંભળી શકશો, પરંતુ એ બધું હોવા છતાં મનમાં દુઃખનો એક ભાવ છે. બાળક ધારણ કરેલી સ્ત્રીની મનોવ્યથા હોય છે; મૃત્યુમાં દુઃખ છે; જ્યારે તમે કાંઈક થવાની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા હો અને તે ન થાય તેમાં દુઃખ છે; રાષ્ટ્ર ધ્વસ્ત થતો જાય તેમાં દુઃખ છે અને ભ્રષ્ટાચારનું પણ દુઃખ છે, કેવળ સમૂહમાં થતા ભ્રષ્ટાચારનું દુઃખ છે એવું નથી, વ્યક્તિગત સ્તરે પણ સડો છે. તમારા પોતાના ઘરમાં પણ દુઃખ છે, જો તમે ધ્યાનથી જુઓ તો ઘર ચલાવી ન શકવાનું દુઃખ, તમારી પોતાની તુચ્છતા કે અસમર્થતાનું દુઃખ અને ઘણાં અજાણ્યાં દુઃખો છે.  

જીવનમાં હાસ્ય નથી. હાસ્ય સુંદર બાબત છે, કારણ વગર હસવું, આપણા હૃદયમાં કોઈ કારણ વગર આનંદ હોય, બદલામાં કાંઈ મેળવવાની આશા વગર પ્રેમ કરવો એ સુંદર બાબત છે, પરંતુ આપણે આવું નિર્ભેળ હાસ્ય આપણી અંદર અનુભવતા નથી. આપણે દુઃખના બોજ નીચે દબાઈ ગયા છીએ; આપણું જીવન દુર્દશા અને સંઘર્ષની પ્રક્રિયા બની ગયું છે, અવિરત વિખૂટું પડી જતું અને મોટેભાગે આપણે આપણા સમગ્ર અસ્તિત્વથી પ્રેમ કરવો એટલે શું તે ક્યારેય જાણવા પામતા નથી.

આપણે ઉકેલ શોધવા માંગીએ છીએ, કોઈ સાધન, કોઈ પદ્ધતિ કે જેથી જીવનના આ બોજને દૂર કરી શકાય, અને આથી જ આપણે વાસ્તવમાં ક્યારેય દુઃખને જોતાં જ નથી. આપણે દંતકથા જેવી કાલ્પનિક વસ્તુઓ દ્વારા, મનમાં ધરાવતા હોઈએ એવી પ્રતિમા દ્વારા કે અટકળ કરીને છટકી જવાનો પ્રયત્ન કરીએ છીએ; આપણે આ બોજને ટાળવાનો, દુઃખના તે બોજથી દૂર રહેવાનો કોઈ ઉપાય મળશે એવી આશા રાખીએ છીએ.

દુઃખનો અંત છે, પરંતુ કોઈ રીત કે પદ્ધતિથી દુઃખનો અંત આવતો નથી. જે છે તેની સમજણ હોય ત્યારે દુઃખ રહેતું નથી.

સ્વયંસ્ફૂર્ત સમજણ

આપણે ક્યારેય એમ નથી કહેતા કેઃ ચાલ, આજે મને એ જોવા દો કે જે સહન કરે એ શું છે.તમે પરાણે કે શિસ્ત દ્વારા એ જોઈ ન શકો. તમારે રસપૂર્વક જોવું પડે, તેને આપોઆપ આવતી સ્વાભાવિક સમજણથી જોવું પડે. ત્યારે તમને જણાશે કે જેને આપણે દુઃખ અને પીડા ભોગવવાં કહીએ છીએ, જે બાબતને આપણે ટાળીએ છીએ, એ શિસ્ત, એ બધું જ જતું રહ્યું છે. જ્યાં સુધી મારી બહારની વસ્તુ સાથે મારે કોઈ સંબંધ ન હોય તો કોઈ સમસ્યા નથી; પરંતુ જે ક્ષણે હું મારી બહારની વસ્તુ સાથે સંબંધ સ્થાપિત કરું છું ત્યારે સમસ્યા સર્જાય છે. જ્યાં સુધી હું દુઃખને મારાથી બહારની કોઈ વસ્તુ સમજું ત્યાં સુધી હું દુઃખ ભોગવું છું, કારણ કે મેં મારો ભાઈ ગુમાવ્યો છે, કારણ કે મારી પાસે પૈસા નથી, આ કે તે કારણે- હું તેની સાથે સંબંધ જોડું છું અને એ સંબંધ કાલ્પનિક છે, પરંતુ જો હું જ તે ચીજ છું, જો હું એ હકીકત સમજું તો આખીયે બાબતનું પરિવર્તન થઈ જાય છે ત્યારે તે બધાનો અર્થ જુદો જ થઈ જાય છે. ત્યારે ત્યાં પૂરેપૂરું ધ્યાન આપવાનું બને છે, સુગ્રથિત અવધાન દાખવવામાં આવે છે અને જેના પર ધ્યાન આપવામાં આવે છે તે સંપૂર્ણપણે સમજાઈ જાય છે તેમજ તે ઓગળી જાય છે અને તેથી ત્યાં ભય રહેતો નથી. તેથી દુઃખ શબ્દનું અસ્તિત્વ જ નથી રહેતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન