સમયસર પગલાં કેમ નથી લેવાતાં ? :સુપ્રીમ - Sandesh
  • Home
  • India
  • સમયસર પગલાં કેમ નથી લેવાતાં ? :સુપ્રીમ

સમયસર પગલાં કેમ નથી લેવાતાં ? :સુપ્રીમ

 | 4:33 am IST
  • Share

પ્રદૂષણ મુદ્દે કામગીરીથી આપણે દુનિયાને શું સંદેશ આપીશું : કેન્દ્રને સુપ્રીમની ફટકાર

એક્ટ ઓફ ગોડ પરિબળને કારણે દિલ્હીમાં હવાનું સ્તર સુધર્યું છેઃ કામચલાઉ નહીં, લાંબાગાળાનાં પગલાં જરૂરી

દિલ્હીએનસીઆરમાં વકરી રહેલા વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે ફરી એક વખત નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, જ્યારે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ વણસે છે ત્યારે તેને કાબૂ કરવા માટે પગલાં લેવામાં આવે છે પણ આ સમસ્યાના અંત માટે કોઈ નક્કર પગલાં લેવાતાં નથી. આપણે આવી કામગીરી કરીને દુનિયા દેશોને શું સંદેશ આપવા માગીએ છીએ? આપણે કેવું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છીએ? બીજી તરફ કોર્ટે એમ પણ જણાવ્યું કે, મજૂર સંગઠનો, ખેડૂતો અને વેપારીઓની અરજીઓ આવી રહી છે. દરેકને કામગીરી શરૂ કરવી છે. ખેડૂતોને પરાળી બાળવી છે પણ સરકાર તરફથી કોઈ ઉકેલ આવી રહ્યો નથી. આ મુદ્દે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, પ્રતિબંધ 21 નવેમ્બર સુધી હતો પણ હવે સ્થિતિ સુધરી ગઈ છે. કોર્ટે નારાજ થતાં જણાવ્યું કે, કામચલાઉ પગલાંથી કશું જ નહીં થાય. આ સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિક પગલાં લેવા પડશે જે નક્કર હોવા જોઈએ.

હવાના કારણે લોકોના જીવ બચ્યા, તમે શું કર્યું

કોર્ટે સોલિસિટર જનરલની દલીલની આકરી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, આ સમસ્યાનો ઉકેલ કુદરતી રીતે આવ્યો હતો. હવાનો પ્રવાહ વધવાના કારણે પ્રદૂષણની સ્થિતિમાં સુધારો થયો છે. હવાનો પ્રવાહ વધ્યો અને લોકોના જીવ બચ્યા, તમારા તરફથી શું કરવામાં આવ્યું છે. સરકારોએ તો નક્કર પગલાં લીધાં જ નથી. માત્ર એક્ટ ઓફ ગોડ પરિબળના કારણે જ સ્થિતિ સુધરી છે. બીજી તરફ તુષાર મહેતાએ જણાવ્યું કે, સરકાર દ્વારા વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકાયો છે. સરકારી કર્મચારીઓના પરિવહનની યોજનાઓ બનાવાઈ છે. કોર્ટે જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસમાં સરકાર દ્વારા તમામ સ્તરે નિરીક્ષણ અને પરીક્ષણ કરીને સરકારે જવાબ અને ઉકેલ આપવો પડશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો