સમાજને ડાકણ વળગી છે! - Sandesh

સમાજને ડાકણ વળગી છે!

 | 2:01 am IST

પગેરું : રમેશ સવાણી

જય શ્રી કૃષ્ણ! અજયભાઈ!  

ગુણવંતભાઈ! જય શ્રી કૃષ્ણ! અમે ખુશખુશ છીએ. અમને અચંબો થાય છે! કેટલું ઝડપથી બધું ગોઠવાઈ ગયું!  

અજયભાઈ! અમે તો તમારા કરતાંય વધુ ખુશ છીએ. અમારી દીકરી પૂજા, તમારે ઘરે વહુ તરીકે આવે, એનો હરખ વર્ણવી શકાય તેમ નથી! અજયભાઈ, તમારો દીકરો મયૂર બી.ઈ.ઈલેકટ્રિકલ્સ છે, અને અમારી પૂજા બી.કોમ. છે. બંનેનો અભ્યાસ ભલે અલગ અલગ છે, પણ બંનેના વિચારોમાં મેળ છે. પૂજા તો રાજીરાજી છે!  

ગુણવંતભાઈ! મયૂરનો હરખ પણ સમાતો નથી! મયૂરની મમ્મી વર્ષા તો હરખઘેલી થઈ ગઈ છે! મયૂરની નાની બહેન ડિમ્પલે પાર્ટીનું નક્કી કરી નાખ્યું છે!  

અજયભાઈ! મયૂર અને પૂજાના જન્માક્ષર મળે છે! અમે જયોતિષી પાસે તપાસ કરાવી લીધી છે. અમારું કુટુંબ ભેગું થયું છે. અમે નક્કી કરીને તમને ફોન કર્યો છે. આવતી કાલે અમારે એક પ્રસંગમાં સુરત આવવાનું છે, બપોરે ત્રણ વાગ્યે સગાઈનું નક્કી કરવા ભેગા થઈએ!  

ગુણવંતભાઈ! અમે તૈયાર છીએ. પધારો!અજયભાઈએ ફોન મૂક્યો. વર્ષાબેન તૈયારીમાં લાગી ગયાં!  

તારીખ ૬.૧૨.૨૦૧૫ રવિવાર. બપોરના ત્રણ વાગ્યે ગુણવંતભાઈ (ઉ.૫૧) પોતાના કુટુંબ સાથે અજયભાઈના (ઉ.૫૨) ઘેર પધાર્યા. સૌના ચહેરા ઉપર ઉમંગ છલકાતો હતો.  

મયૂર(ઉં.૨૫) અને પૂજા (ઉં.૨૩) વડિલોની મંજૂરી લઈને ચોપાટી ઉપર ફરવા ગયાં. પૂજાએ કહ્યું: મયૂર! મેં તને જયારથી જોયો છે, ત્યારથી તું મારા હૈયામાંથી નીકળતો જ નથી! તું મને બહુ ગમે છે. હું ખરેખર ભાગ્યશાળી છું!  

પૂજા! હું પણ તારા જેવી જ લાગણી અનુભવું છું. પૂજા! હું તો તારી પૂજા કરીશ!   

મયૂર! તું બી.ઈ.ક્યારે થયો?”  

ગયા વર્ષે!  

મારે એક વાત પૂછવી છે! સાચું કહીશ ને?” “પૂજા! તારે પૂછવું હોય તે પૂછ!  

મયૂર! આપણા સમાજમાં છોકરા-છોકરી કોલેજમાં હોય ત્યાં માંગા આવે, સગાઈ થઈ જાય! તું બી.ઈ.નો. અભ્યાસ કરતો હતો, ફિલ્મસ્ટાર જેવો દેખાવડો છો, હસમુખો છો, છતાં હજુ સુધી તારો સંબંધ કેમ ન થયો? મને નવાઈ લાગે છે!  

પૂજા! હું તારા નસીબમાં હતો એટલે!  

વાહ! વાહ! આ તો ફિલ્મી ડાયલોગ!  

પૂજા! સાચી વાત જુદી છે. હું તારાથી કંઈ છૂપાવવા માગતો નથી. ૨૩મી જાન્યુઆરી ૨૦૧૪ના રોજ દિવ્યા સાથે મારો સંબંધ નક્કી થયો હતો. અમે સગાઈની ખરીદી કરી લીધી હતી, પપ્પા, મમ્મી ખૂબ ખુશ હતા. પપ્પાના મિત્રની દીકરી હતી દિવ્યા! પણ દિવ્યાના પપ્પાએ આગલા દિવસે અમને કરી દીધું કે જન્માક્ષર મળતા નથી! એ સંબંધ ન થયો. પછી મેં બીજી ત્રણ છોકરીઓ જોઈ. ત્રણેય વખતે સગાઈનું નક્કી થયું પણ છેલ્લી ઘડીએ છોકરીના પપ્પાએ, જન્માક્ષર પનોતી, ગ્રહદોષ, મહાદશા વગેરે બહાના આગળ ધરી સગાઈ થતી અટકાવી! મારા મમ્મી, પપ્પાના હોંશકોશ ઉડી ગયા. તેમને આઘાત પછી આઘાત સહન કરવા પડયા. હું વિચારતો હતો કે મારામાં તો કોઈ ખામી નથી ને! એન્જિનીયર છું, પપ્પા બિઝનેસમેન છે. નાનું કુટુંબ છે. બધાં શિક્ષિત છે. છતાં સગાઈ સુધી વાત કેમ પહોંચતી નથી? સગાઈ નક્કી થાય અને વિઘ્ન આવે!મયૂર એકાએક ચૂપ થઈ ગયો. તાપી નદીના જળને તાકી રહ્યો.  

મયૂર! જે થયું તે સારું થયું! આપણા જીવ એટલે તો મળ્યા!  

પૂજા! હું મમ્મી, પપ્પાની ઉદાસી જોઈ શક્તો ન હતો!  

મયૂર! દર વખતે સગાઈનું નક્કી થાય અને આગલા દિવસે નાઆવે, તેનું કારણ શું?”  

પૂજા! આપણા સુશિક્ષિત, આધુનિક સમાજમાં ઘૂસી ગયેલી પરંપરાગત અંધશ્રદ્ધાઓ! પૂજા! તું ડાકણમાં માને છે?”  

મયૂર! તું શું કહેવા માંગે છે? હું ડાકણ-બાકણમાં બિલકુલ માનતી નથી. મેં તો સાંભળ્યું છે કે મનના સાવ કાચા માણસો આવી વાતો માનતા હોય છે!  

પૂજા! જયારે સમાજના અગ્રણીઓ, કોલેજના પ્રધ્યાપક ડાકણમાં વિશ્વાસ રાખતા હોય ત્યારે અંધશ્રદ્ધાનું ચક્કર તૂટે કઈ રીતે?”  

મયૂર! આ ચર્ચાને આપણે પછી આગળ વધારીશું! ઈમેઈલ, વ્હોટસએપ અને ફેસબૂક મારફતે અથવા રૂબરૂ મળીશું ત્યારે ચર્ચા બંધ! માત્ર સ્નેહથી ભીંજાશું! આજે ઘેર જઈએ. વડિલોના આશીર્વાદ લઈ લઈએ!  

મયૂર અને પૂજા ઘેર પરત આવ્યા. બંનેએ વડિલોના ચરણસ્પર્શ કર્યા. સગાઈની તારીખ અને સમય નક્કી કરી, ગુણવંતભાઈ, પૂજા અને તેના કુટુંબીજનોએ વિદાય લીધી ત્યારે પૂજાએ મયૂરને એક બાજુ બોલાવીને કાનમાં કહ્યું: મયૂર! સગાઈ વખતે હું આસમાની રંગની ચણિયાચોળી પહેરાવાની છું. તું પણ આસમાની રંગનો ડિઝાઈનર કુર્તો પસંદ કરજે!  

મયૂરે આસમાની રંગનો કુર્તો ખરીદ્યો. ડિમ્પલે (ઉ.૨૨) સગાઈની રાતે શાનદાર હોટલમાં પાર્ટીનું આયોજન નક્કી કર્યું. અજયભાઈ અને વર્ષાબેને સગાઈની સઘળી તૈયારી કરી. મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપ્યા. મીની બસનો ઓર્ડર આપ્યો. સગાઈની વિધિ માટે નવસારી, ગુણવંતભાઈને ત્યાં જવાની સૌને ઉતાવળ હતી!  

તારીખ ૧૯.૧.૨૦૧૬ મંગળવાર. સવારે દસ વાગ્યે મયૂર-પૂજાની સગાઈ વિધિ હતી. સોમવાર રાત્રે નવ વાગ્યે અજયભાઈએ ફોન કર્યોઃ ગુણવંતભાઈ જય શ્રી કૃષ્ણ! તૈયારી થઈ ગઈ?”  

અજયભાઈ! સારું થયું તમારો ફોન આવ્યો! અમે એક કલાકથી ગૂંચવાયા છીએ!  

કેમ? શું થયું?”  

અજયભાઈ! માફ કરજો! સગાઈ મુલતવી રાખવી પડશે! મયૂરની જન્મકુંડળીમાં નાડી દોષ છે!  

પણ આવું તમને કોણે કહ્યું? તમે અગાઉ જન્માક્ષરની મેળવણી કરી હતી અને હવે નાડીદોષ ક્યાંથી આવ્યો?”  

અજયભાઈ! અમારા જયોતિષીએ કહ્યું છે!  

ગુણવંતભાઈ! બીજા કોઈ જયોતિષીને બતાવો! કદાચ નાડીદોષ. ન પણ હોય! પૂજા આ વાતમાં માને છે?”  

અજયભાઈ! આવી બાબતમાં પૂજાને પૂછવાનું ન હોય! પૂજા બાળક કહેવાય. તેને સમજ ન હોય! સગાઈનો નિર્ણય વડિલોએ કરવાનો હોય છે!  

અજયભાઈ અને વર્ષાબેન ઉપર જાણે આકાશ તૂટી પડયું હોય તેવી સ્થિતિ થઈ ગઈ! ડિમ્પલે બી.ઈ. ઈલેકટ્રોનિકસનો અભ્યાસ પૂરો કરી દીધો હતો. ડિમ્પલ રૂપાળી અને હોંશિયાર હતી. વાણિક સમાજમાં છોકરી બારમાં ધોરણમાં આવે ત્યાં જ તેની સગાઈ થઈ જાય. પણ ડિમ્પલનું માંગું હજુ સુધી આવ્યું ન હતું, એની ચિંતા અજયભાઈ અને વર્ષાબેનને કોરી ખાતી હતી, તેવી સ્થિતિમાં મયૂરની સગાઈ વધુ એક વખત મુલતવી રહી!

મયૂરના મમ્મી, પપ્પા આઘાતમાં સરી પડયા! સગાઈના આમંત્રણ જેમને આપ્યા હતા તેને ફોન ઉપર જાણ કરી. ડિમ્પલે પાર્ટીમાં જેમને આમંત્રણ પાઠવ્યા હતા, તેને પાર્ટી કેન્સલની જાણ કરી! કારણ વિના અજયભાઈના પરિવારની બદનામી થઈ! મયૂર સૂનમૂન થઈ ગયો. મમ્મી પપ્પાને કઈ રીતે આશ્વાસન આપવું તે એને સૂઝતું ન હતું.  

બીજા દિવસે, પૂજાનો વ્હોટસએપ ઉપર મેસેજ આવ્યોઃ મયૂર! મારા પપ્પા માનતા નથી. નાડીદોષનું બહાનું છે! કારણ તો તારા મોસાળનું છે! તારા મમ્મીનું પિયર કારણરૂપ છે, તારા મમ્મીના મમ્મી ડાકણ છે, એવું સમાજના લોકો કહે છે! 

પૂજા! આ અંગે મેં તને અગાઉ વાત કરી હતી. ૨૦૦૪માં મારા મોસાળના ફળિયામાં બિમારી અને આકસ્મિક મરણની ઘટનાઓ બની હતી. નવરાત્રિનો સમય હતો. ત્યાં કોઈ ભૂવાજીના શરીરમાં માતાજી આવ્યા! મારા મમ્મીના મમ્મી આરતીમાં ગયા હતા. તે વખતે ભૂવાજીને કોઈએ પૂછયું કે ખોલવડ ફળિયામાં દુર્ઘટનાઓ બનેલ છે, તેની પાછળ કોનો હાથ છે? ભૂવાજીએ ધૂણતાં ધૂણતાં મારા મમ્મીની મમ્મીનો ચોટલો પકડયો! બસ ત્યારથી સમાજે એને ડાકણનું લેબલ મારી દીધું! ધીમે ધીમે એક કાનથી, બીજા કાને અને બીજા કાનેથી ત્રીજા કાને વાત પ્રસરતી ગઈ. વાતનું વતેસર થયું! કોઈએ સાચી વાત જાણવાની કોશિષ ન કરી! ફેસબૂકના જમાનામાં પણ લોકો અંધશ્રદ્ધાઓમાં ડૂબેલાં છે! 

મયૂર ! તું ચિંતા ન કર! હું તારી સાથે છું. હું ઘેરથી ભાગીને તારી પાસે આવું છું. આપણે લગ્ન કરીને સાથે જ રહીશું! 

પૂજા! પ્લીઝ એવું ન કરીશ! તારા મમ્મી પપ્પાની મરજી વિરુદ્ધ હું તારી સાથે લગ્ન કરી શકું નહીં! 

મયૂર! તને વાંધો શો છે?” 

પૂજા! તું ઘેરથી ભાગીને મારી પાસે આવે તો સમાજ એવું જ માનશે કે ડાકણે પૂજાને ભગાડી દીધી! આપણને અને મમ્મી પપ્પાને બદનામી મળે! બહેન ડિમ્પલનું ઘર જ ન બંધાય! 

મયૂર! તારી વાત સાચી છે. મને પગેરું મળી ગયું છે! સમાજને ડાકણ વળગી છે! 

એક મહિના બાદ પૂજાનો વ્હોટસએપ ઉપર મેસેજ મળ્યોઃ મયૂર! આ છેલ્લો મેસેજ છે. મારી સગાઈ પિયૂષ સાથે થઈ ગઈ છે. મારા પપ્પા પાછળ પડયા હતા! મારું મન માનતું નથી! પિયૂષના પપ્પાને રોજે સાંજે દારૂ પીવાની ટેવ છે! હું એ ઘરમાં કઈ રીતે એડજસ્ટ થઈશ, એની ચિંતા સતાવ્યા કરે છે! મારી ફ્રેન્ડ શ્રદ્ધા, કાર્તિક સાથે સગાઈ ઈચ્છતી હતી,પણ કાર્તિકના જન્માક્ષરમાં મહાદશા હતી!

શ્રદ્ધાની સગાઈ પ્રફૂલ્લ સાથે થઈ રહી છે. પ્રફૂલ્લના પિતા ભૂપેન્દ્રભાઈ લફરાંબાજ છે! બે-ત્રમ વખત પકડાઈ ગયા છે! શ્રદ્ધા કહે છે કે પ્રફૂલ્લના ઘરમાં હું કઈ રીતે શ્વાસ લઈશ! મયૂર! આપણા સુશિક્ષિત સમાજની આ વાસ્તવિક્તા છે! માની લીધેલી અંધશ્રદ્ધા નડે છે, પણ બીજા દૂષણો નડતા નથી!

(પીડિતાનું નામ કાલ્પનિક છે)   

[email protected]

(લેખક આઈ.જી.પી. છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન