સલીના મારી સાથે વાત કરવા ય તૈયાર નથી! - Sandesh
  • Home
  • Columnist
  • સલીના મારી સાથે વાત કરવા ય તૈયાર નથી!

સલીના મારી સાથે વાત કરવા ય તૈયાર નથી!

 | 2:06 am IST

યૌવનની સમસ્યા : સોક્રેટિસ

સાહેબ, સાહેબ, હું સંદેશમાં આ૫નો લેખ નિયમિત વાંચું છું. આજે મારી સમસ્યા આપની સમક્ષ મૂકી રહ્યો છું. મારૃં નામ રવીન્દ્ર છે, મારી ઉંમર ૨૫ વર્ષની છે. હું વીસનગર તાલુકાના એક ગામનો વતની છું. ઘરમાં ચાર ભાઈ એક બહેન અને મમ્મી છે. પિતા હયાત નથી. હું નોકરી કરું છું અને ભાઈ-બહેન અભ્યાસ કરે છે. ઘરની જવાબદારીઓના કારણે મને કદી લગ્નનો વિચાર જ નહોતો આવ્યો. આ વર્ષે માર્ચ મહિનામાં એક એવી ઘટના બની કે મારું જીવન બદલાઈ ગયું અને એમાંથી જ આજે સમસ્યાના વમળ સર્જાયા છે.

બન્યું એમ કે એક પ્રસંગે અમે માસીના ઘેર ગયા હતા. એ વખતે મારી માસીના કાકાસસરાની દીકરી સલીનાએ મને અચાનક આવીને ધબ્બો માર્યો. હું ચોંકીને પાછળ ફર્યો તો એ ખડખડાટ હસી પડી અને કહે, બાઘા કેમ બની ગયા?  સલીના એમકોમ ઔકરતી હતી.

હું મૂંઝાયેલો હતો. એણે ફરી ધબ્બો મારીને કહ્યું, આ બાજુ આવો થોડીક વાત કરવી છે.

મારી સાથે? મેં અચાનક બની રહેલી ઘટનાથી બઘવાઈ જઈને પૂછયું.

એ ફરી ખડખડાટ હસી પડી અને કહે, ના તમારા શર્ટ સાથે વાત કરીશ. સામે ઘર દેખાય છેને ત્યાં તમારી વાટ જોઉં છું. કહી એ તો એ બાજુ ઝડપથી ચાલવા લાગી. હું પણ ચાલતો ચાલતો એ ઘરમાં પ્રવેશ્યો.

અંદર પગ મૂક્યો તો મનમાં ફફડાટ થવા લાગ્યો, હૃદય જોરજોરથી ધડકવા લાગ્યું. સલીનાએ કહ્યું, આટલા બધા ગભરાવ છો શાના? મેં તમારી સાથે સૂઈ જવાનો પ્લાન નથી બનાવ્યો. વાત કરવા જ ઔબોલાવ્યા છે.

હું શરમાઈને નીચું જોઈ ગયો. મારા મનમાં વિચિત્ર લાગણી જાગી ગઈ. પછી મેં એની સામે નજર કરી. પહેલી વખત મારી નજર એના શરીર પર ગઈ. એનું સુડોળ શરીર, પાતળી કમર અને ચોળીમાં તસોતસ પેક થયેલું જોબન જોઈને મનમાં થડકારો થઈ ગયો. આંખો એની બ્રેસ્ટ પર જાણે કે ચોંટી ગઈ.

બોલો, સરસ છું ને? સલીનાએ તોફાની અંદાજમાં આંખ નચાવીને પૂછયું. હું જાણે પકડાઈ ગયો. એની બહેનપણી પણ હસી પડી.

પછી તરત સલીના ગંભીર બની ગઈ. સોરી, તમારો ગભરાટ જોઈને થોડું તોફાન કરવાની ઈચ્છા થઈ ગઈ. વાત એમ છે કે ઘણા વખતથી તમે મને ગમી ગયા છો. તમારા ઘર વિષે બધું જ જાણું છું. તમે પણ અમારા ઘર વિષે બધું જાણતા જ હશો. મારી ઈચ્છા તમારી સાથે જ લગ્ન કરવાની છે. બોલો તમારી મરજી શું છે?

હું વધારે ગૂંચવાઈ ગયો. ગળું સૂકાવા લાગ્યું. મનમાં તોફાન વલોવાતું હતું. શું કહું, શું કરું? કશું જ સમજાતું નહોતું. આખરે માંડ માંડ કહ્યું, મને પણ તમે ગમ્યા છો. પણ…

એ વચ્ચે જ બોલી, અત્યારે તાત્કાલિક જવાબ આપવાની જરૂર નથી. આ રહ્યો મારો ફોન નંબર. તમે નિર્ણય પર પહોંચો ત્યારે ફોન કરજો. ઓ.કે.?

મેં માથું ધુણાવી હા પાડી. અને એ તરત જ એની બહેનપણી સાથે ત્યાંથી સરકી ગઈ. હું બાઘાની જેમ ઊભો રહી ગયો. હાથમાં પકડેલી ફોન નંબરની ચબરખી ખિસ્સામાં મૂકવાનું પણ ખાસ્સી પાંચેક મિનિટ પછી યાદ આવ્યું.

એ પછી બીજો એક દિવસ અમે ત્યાં રોકાયા, પરંતુ સલીના જોવા મળી નહીં. બીજા દિવસે અમે ઘેર આવી ગયા. ઘેર આવ્યા પછી નિરાંતે વિચારવા બેઠો તો લાગ્યું કે ઈશ્વરે જ મારા માટે આ ગોઠવણ કરી દીધી છે. મેં તરત જ સલીનાને ફોન કરીને કહ્યું, બીજા દિવસે તમને શોધતો હતો, તમે દેખાયા ઔજ નહીં?

મારે પેલી વિભા સાથે એના ગામ જવાનું હતું. મેં કહ્યું, સલીના, મને લાગે છે કે ઈશ્વરે જ મારા જીવનમાં તને મોકલી છે.

એ ખુશ થઈ ગઈ. એ પછી અમે ફોન પર વારંવાર વાતો કરવા લાગ્યા. હું એની કોલેજ પર જતો અને એ રજા પાડીને મારી સાથે ફરવા નીકળી આવતી. અમે ફિલ્મ જોવા જતા, હાઈ-વે પર રખડતા. એકાંત શોધીને એકબીજાના શરીરનો વધારેમાં વધારે સ્પર્શ માણી લેતા હતા. એકાંત મળ્યું ત્યારે પણ આલિંગન અને કિસથી વાત આગળ વધારી નહોતી. ત્રણ મહિના પછી મેં કહ્યું, સલીના આપણે જો લગ્ન કરવા હોય તો તારે હવે તારા ઘેર વાત કરવી જોઈએ.

એ કહે, મારા ઘરવાળા માનશે જ નહીં, પરંતુ મારે તો તમારી સાથે જ લગ્ન કરવા છે. આવતા વર્ષે મોટી બહેન સોનુના લગ્ન થઈ જાય એ પછી આપણે કોર્ટમાં સિવિલ મેરેજ કરી લઈશું.

એ રાત્રે મેં મારી મમ્મીને આખી વાત જણાવી દીધી. મારી મમ્મીએ કહ્યું, તારા ફોઈના સાસરીપક્ષની વાત છે, તારાથી આ રીતે લગ્ન ન કરાય. એના ઘરના કોઈ વડીલને વાત કરીને પ્રયાસ કરી જો. ઘરનાંની સંમતિથી જ લગ્ન કરવા પડે, નહિતર તારા ફોઈને મુશ્કેલી થઈ પડે.

એક અઠવાડિયા સુધી હું એ વાત પર વિચારતો રહ્યો. પછી લાગ્યું કે મમ્મીની વાત સાચી છે. એટલે મેં એની મોટી બહેનનો ફોન નંબર મેળવીને એમને આખી વાત જણાવી, પછી કહ્યું, અમે બંને લગ્ન કરવા માગીએ છીએ.

સલીનાની મોટી બહેને ફોન પર મારી સાથે ખૂબ જ ઝઘડો કર્યો. તારી હિંમત જ કેમ ચાલી? આવો વિચાર જ ક્યાંથી આવ્યો? તારી ઓફિસે આવીશ ને તો તને મારીશ. એલફેલ બોલીને ફોન કાપી નાંખ્યો. મેં તરત સલીનાને ફોન લગાવ્યો. એને આખી વાત કહી. એ પણ મારાથી ખૂબ જ નારાજ થઈ ગઈ. સાવ મુરખના જામ છો. આવું ડહાપણ કરતાં પહેલાં મને વાત તો કરવી હતી! પછી એણે ફોન કાપી નાંખ્યો.

હું બીજા દિવસે એની કોલેજે ગયો. એની બહેનપણી રમીલાને મળ્યો. એણે કહ્યું કે સલીના તો કોલેજ આવી નથી. સલીનાને ફોન લગાવ્યો, પરંતે એણે ફોન જ ન ઉપાડયો.

બીજા દિવસે ફરી એની કોલેજ પર ગયો. રમીલાએ મને કહ્યું કે સલીનાને ઘરનાંએ ખૂબ મારી છે, હવે પછી તમને મળે તો કોલેજ બંધ કરાવી દેવા ધમકી આપી છે. સલીના તમારાથી ખૂબ નારાજ છે. એ તમને મળવા માગતી નથી. તમે ઔએને ભૂલી જાવ એમ કહેવડાવ્યું છે.

સાહેબ આજે એક મહિનો થઈ ગયો. એ ફોન ઉપાડતી નથી. મને મળતી નથી. મારાથી કોઈને કશું કહેવાતું નથી અને એના વિના જીવાતું નથી. તમે જ કહો મારે શું કરવું?

ભાઈ, સલીનાનો ક્રોધ વાજબી છે. તમે વાતની ગંભીરતાને સમજ્યા વિના તમારા પ્રેમપ્રકરણની હત્યા કરી દીધી છે. ઈશ્વરના વરદાનને વેડફી દીધું છે. સલીનાનો વિશ્વાસભંગ કર્યો છે, એની હાલત કફોડી કરી દીધી છે. તમારી મમ્મીની સલાહ પછી તમારે પહેલાં સલીનાને મળીને આખી વાતની ચર્ચા કરવાની જરૂર હતી. એમાં બધી શક્યતાઓ ચર્ચા કરીને રસ્તો નીકળી શક્યો હોત. હવે તો એક જ ઉપાય છે. ચાર-છ મહિના સલીનાનો ગુસ્સો શાંત થાય એની રાહ જુઓ. એનો સંપર્ક કરવા પ્રયત્ન કરતા રહો. એકાદ વર્ષ પછીય સલીનાન ન માને તો પછી આખું પ્રકરણ ભૂલી જવામાં જ સાર છે.

   [email protected]