સવારે વહેલા ઉઠવાના છે અઢળક ફાયદાઓ, જાણી લો તમે પણ - Sandesh
  • Home
  • Lifestyle
  • સવારે વહેલા ઉઠવાના છે અઢળક ફાયદાઓ, જાણી લો તમે પણ

સવારે વહેલા ઉઠવાના છે અઢળક ફાયદાઓ, જાણી લો તમે પણ

 | 2:25 pm IST

સૂર્યોદય પહેલાં ઊઠી જાય એ માણસ સ્વસ્થ રહે છે એવું આપણા પૌરાણિક શાસ્ત્રોમાં કહેવાયું છે પણ બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે એમ લગભગ કોઈ કરતું નથી. તાજેતરમાં બ્રિટનમાં ડાયેટિશ્યનો અને સાઇકોલોજિસ્ટોની એક ટીમે મળીને તારવ્યું છે કે, સ્વસ્થ, સુખી અને આનંદમય રહેવું હોય તો આપણી વહેલા ઊઠવાની આ જૂની આદત કેળવવી જોઈએ.

વહેલા ઉઠવાના ફાયદા
– સવારે વહેલા ઊઠવાથી તમને રૂટીન કામો પતાવવા માટે પૂરતો સમય મળે છે અને આખો દિવસ ઉત્સાહમાં જાય છે. જ્યારે મોડા ઊઠવાથી મોડે સુધી સુસ્તી અને ઊંઘ ઊડતી નથી. રોજનાં કામો પણ સમયસર પતી જવાને કારણે ઘાઈ નથી થતી. આને કારણે ખાસ કરીને મહિલાઓમાં ઓછું સ્ટ્રેસ ફીલ થાય છે અને મૂડ સુધરે છે

– વહેલા ઉઠવાથી તમે એક્સરસાઇઝ તેમ જ મેડિટેશન માટે સમય ફાળવી શકો છો. વહેલા ઊઠનારાઓ કસરત માટે ખૂબ સરળતાથી થોડોક સમય ફાળવી શકે છે. મોડા ઊઠવાથી શરીરને કસરત તો નથી મળતી અને ઉપરથી કંઈ જ કામ પૂરું ન કરી શક્યાનું ગિલ્ટ પણ અનુભવાય છે

– સવારના સમયે ક્રીએટિવ થિન્કિંગ કરી શકાય છે. સવારના સમયે મગજ આરામ પછી ફ્રેશ હોય છે. આ સાથે સવારે ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બ્રેઇનને પૂરતો ઓક્સિજન મળે છે અને એની ક્ષમતા પણ સુધરે છે

– સવારે વહેલા ઊઠવાથી દિવસ લાંબો બને છે. એને કારણે કામ કરવાનો સમય વધુ મળે છે. વહેલો દિવસ શરૂ થવાથી સાંજ પડે ત્યાં સુધીમાં વધુ કામ પણ પૂરું કરી શકાય છે. મોડા ઊઠનારાઓ સુસ્તીને કારણે કામ મોડું શરૂ કરે છે. એ પછીથી કામનો ભરાવો થતા સ્ટ્રેસ અનુભવે છે અને ઓવરઓલ ઓછી પ્રોડક્ટિવિટી ધરાવે છે

વહેલા ઊઠી શકાય એ માટે શું કરવું?

– જો રાત્રે મોડા સૂવાની આદત હોય તો વહેલા સૂવાનું શરૂ કરવું. રાત્રે નવ વાગ્યા પહેલાં જમી લેવું અને નક્કી કરેલા સૂવાના સમયે લાઇટ્સ ઑફ કરીને પથારીમાં પડી જ જવું

– સવારે નવ વાગે ઊઠવાની આદત હોય તો પહેલા જ દિવસથી છ વાગ્યે ઊઠવાનું ન રાખવું. એને બદલે પહેલા અઠવાડિયે પોણાનવ વાગ્યે ઊઠવાની આદત પાડવી. એ પછીના અઠવાડિયે સાડાઆઠે અને એમ ધીમે-ધીમે કરતાં તમે છ વાગ્યે ઊઠવાના ધ્યેયને પહોંચી વળી શકશો

– સવારે ઊઠીને તરત જ કોઈક કામ શેડ્યુલ કરીને રાખવું, જેથી સુસ્તીમાં પથારીમાં પડી રહેવાની આદત છૂટે

– જો તમને દિવસ દરમ્યાન બેઠાં-બેઠાં સૂવાની આદત હોય તો તેને બંધ કરી દેવી જોઇએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન