સાચા ગુરુ ખરેખર કેવા હોવા જોઈએ? - Sandesh

સાચા ગુરુ ખરેખર કેવા હોવા જોઈએ?

 | 2:03 am IST

ખુલ્લી વાત ખૂલીને : મનોજ શુક્લ

  ગઈકાલે અષાઢ સુદ પુનમ હતી. પ્રચલિત ભાષામાં આપણે તેને ગુરૂપૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા કહીએ છીએ. આજની વરવી વાસ્તવિકતા એ છે કે પૂર્ણિમાનું મહત્વ ભલે ગમે એટલું આંકીએ પણ સાચા ગુરૂ મળવા અઘરા છે. ભગવુ કપડું જોઈને ભાગવાનું મન થાય એવી સ્થિતિ છે. સાચા ગુરૂ મળવા એ પરમ સદ્ભાગ્યની વાત છે. પણ, સાચા ગુરૂ મળ્યા છે એ સમજવુ કેવી રીતે ? તો સાચા ગુરૂની પરખ માટે જે કેટલાક ગુણો ઉત્તમ અને યોગ્ય ગણાયા છે તે ગુરૂમાં છે કે નહિ તે તપાસી લેવું. ક્યા ગુણો હોવા જોઈએ ?  આવો જોઈએ…

૧. ગુરૂ ભરોસાપાત્ર હોવો જોઈએ.

ર. ગુરૂમાં ભોળપણ હોવું જોઈએ.

૩. ગુરૂમાં ભિનાશ હોવી જોઈએ.

૪. ગુરૂ વિચારવાન હોવા જોઈએ.

પ. ગુરૂ વિચરતા હોવા જોઈએ.

            આ ગુણો ગુરૂમાં અનિવાર્ય લેખાયા છે. તમે આપણાં સાચુકલા ગુરૂઓને જો યાદ કરો તો એ સૌમાં આવા ગુણો નજરે પડશે. મોટો દાખલો વિવેકાનંદનો છે. એ જ યાત્રામાં સંત તુકારામ, કબીર, મીરા વગેરે સૌ આવે. હવે ઉપર જે ગુરૂના ગુણ વર્ણવ્યા છે તેની વિગતે ચર્ચા કરીએ.

(૧) ભરોસો ગુરૂમાં કાયમ રહે એ બહુ જરૂરી છે. પણ એ જવાબદારી શિષ્યની નથી. શિષ્યને ગુરૂમાં ભરોસો બેસે અને રહે એવું વાણી-વર્તન અને વ્યવહારથી સિધ્ધ કરવાની જવાબદારી ગુરૂની છે. ગુરૂએ સમજવાનું છે કે તેનો શિષ્ય જેટલી શ્રધ્ધાથી ભગવાન પાસે જાય છે એટલી જ શ્રધ્ધાથી (બલકે કોઈકવાર એ કરતા પણ વધારે શ્રધ્ધાથી) મારી પાસે આવે છે. એ સંદર્ભમાં ભરોસો ગુરૂ-શિષ્ય પરંપરાનું અનિવાર્ય અંગ છે. આપણે ત્યાં જ્યારે ભરોસો તુટયો છે ત્યારે-ત્યારે બહુ મોટું બખડજંતર થયું છે. એના સીધા દાખલા આપણને દ્વારકાના કેશવાનંદ મહારાજ કે ગુજરાતના આશારામ મહારાજ માંથી મળે છે. આવી ઘટનાઓને વખોડવાથી કે તિરસ્કારવાથી કશુય વળવાનું નથી. સાચી વાત તો એ છે કે જે લોકો ગુરૂપદ મેળવવાનો ધખારો ધરાવે છે એ સૌએ તપ કરીને પવિત્ર બનવું જોઈએ. જે લોકો આજે ગુરૂ છે, જેમને આવતીકાલના ગુરૂ થવું છે તે સૌએ પોતાની જાત સાથે એવું નક્કી કરી લેવું પડે કે કોઈપણ સંજોગોમાં હું મારા શિષ્યનો મારામાંનો ભરોસો તુટવા નહિ દઉં. શિષ્યને ગુરૂમાં ભરોસો બેસે એ કોઈ બાહ્ય સાક્ષાત્કારની ઘટના નથી. અંદરથી ઉજળા થાઓ એટલે બહાર પ્રકાશ આપોઆપ ફેલાય. આટલું થશે તો આપણી ભારતીય ગુરૂ-શિષ્ય પરંપરાનું ભાવિ ઉજળું બનશે.

(ર) ભોળપણનો ગુણ હોવો એ ગુરૂપદની અનિવાર્યતા છે. જે ગુરૂ પાસે ગણિત અને ગણતરી હોય એ કોઈ દિવસ સાચો ગુરૂ બની ન શકે. બધી રીતે તેજસ્વિતા ધારણ કરી હોય તો પણ ગણિત અને ગણતરી તમને તળિયે લાવીને મુકે છે. મહાભારતના ગુરૂ દ્રોણ આનું ઉત્તમ ઉદાહરણ છે. અત્યંત તેજસ્વિ ગુરૂ હોવા છતાંય તેએાનું નામ આપણી આધ્યાત્મિક પરંપરામાં કશેય લેવાતું નથી.  કારણ કે શિષ્યોને ઉત્તમ વિદ્યા આપી એ વિદ્યા દ્વારા પોતાના અપમાનનું વેર લેવડાવ્યુ હતું. એટલે ગુરૂ પાસે ભોળપણ(અને ભલાપણું) હોવું અનિવાર્ય છે. જે ગુરૂ ગણે, ગણ્યા જ કરે એ ગણિકાની કક્ષાનો ગણાય. ભરપુર ઔદાર્ય, અપરિમિત વાત્સલ્ય, નખશીખ પ્રેમ અને જીવન પ્રત્યે રચનાત્મક અભિગમ એ ગુરૂના ગુરૂપદને સાર્થક કરતાં ગુણો છે. જે ગુરૂ પાસે જઈ શિષ્ય અમાપ હળવાશ અનુભવે એ સાચો ગુરૂ. આવા ગુરૂની આંખોમાંથી નર્યો પ્રેમ વરસતો હોય. આવુ ત્યારે જ શક્ય બને કે જ્યારે ગુરૂમાં મુળભુત ભોળપણ સચવાયુ હોય. એ વાત બરોબર યાદ રાખવી કે લુચ્ચાઈ શિખવી પડે કે શિખી જવાય. ભોળપણ અંદરથી પ્રગટે અને જે અંદરથી પ્રગટે એ જ હંમેશા બીજાને પ્રગટાવી શકે. આ દરેક ગુરૂએ યાદ રાખવુ જોઈએ.

(૩) ગુરૂમાં ભિનાશ હોવી જોઈએ. આ ભિનાશ એટલે હ્ય્દય સંપુર્ણ શુધ્ધ, પ્રેમાળ, લાગણીશીલ હોવું જોઈએ. હ્ય્દયમાં ભિનાશ હોય તો જ વ્યવહારથી કોઈકને ભિંજવી શકાય છે. જે ભિંજાય એ શિષ્ય હોય છે. એકવાર જે ભિંજાય એ તરબોળ થાય અને જે તરબોળ થાય એ હંમેશા તમારો થાય. અર્થાત ભિના ગુરૂના શિષ્યો હંમેશા ભિંજાયેલા હોય અને તરબોળ રહેવા ઈચ્છતા હોય. ભિનાશ વસ્તુ અને વ્યક્તિને નરમ બનાવે. નરમાશ આવે એટલે સ્થિતિસ્થાપકતા આવે. સ્થિતિસ્થાપકતા આવે એટલે આખાય જગત સાથે તમે સરળતાથી વર્તી શકો, જીવી શકો. ભિનાશ વગરનો ગુરૂ અને ઝાડના ઠુંઠા વચ્ચે કોઈ ફ્રક હોતો નથી. એ કાયમ યાદ રાખવા જેવી વાત છે.

(૪) ગુરૂ વિચારવાન હોવો જોઈએ. જે ગુરૂ વિચારતો નથી એ શિષ્યને કશું આપી શકતો નથી. ગઈકાલની વાત કરે એ વિચારહીન ગુરૂ છે. આજની વાત કરે એ ગુરૂ વિચારની નજીક બેઠેલો ગુરૂ છે. જ્યારે આવતીકાલની વાત કરે એ ગુરૂ વિચારશીલ છે. ગુરૂએ એ બરોબર સમજવુ પડે કે ઈશ્વર માટે જે કહેવાયું છે કે ત્વમેવ માતા, પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ સખા ત્વમેવએ પાર્થના ભલે ઈશ્વર માટે કરાયી હોય પણ શિષ્ય માટે પણ તમે આ બધા સ્વરૂપોમાં રહેવાના જ છો. એટલે શિષ્ય જ્યારે પોતાના પ્રશ્રો, મુશ્કેલીઓ ગુરૂ પાસે લઈને જાય ત્યારે વિચારશીલ ગુરૂ જ તેને આશ્વસ્થ કરી શકે. વિચારવાન ગુરૂ એ શિષ્ય માટે સર્વસ્વ છે.

(પ) ગુરૂ વિચરતો હોવો જોઈએ. અહિં વિચરવું એટલે મોહના અભાવની વાત છે. સાધુ તો ચલતા ભલાએવી જે ઉક્તિ છે એ પ્રત્યેક ગુરૂને લાગુ પડે. અહિં વિચરવું એટલે શિષ્યને વળગીને ન જીવવું એવો અર્થ પણ લેવાનો છે. ગુરૂ જો સતત ચાલતો રહે એટલે કે એકથી વધીને અનેક લોકોને મળે તો જગતમાં વધારે લોકોનું કલ્યાણ કરી શકે. ખાબોચિયું ગંધાય, નદી કોઈ દિવસ ગંધાય નહિં. એ રીતે સતત વહેતો રહેતો ગુરૂ સમાજનું વધારે કલ્યાણ કરી શકે. વિચરણ શારીરિક, માનસિક અને બૌદ્વિક  હોવું જોઈએ. આમ થાય તો જ શિષ્યોને લાભ થાય.

આપણે ત્યાં આશ્રમ પધ્ધતિથી ચાલતી ગુરૂ-શિષ્ય પરંપરા એક યુગમાં અતિ ઉચ્ચ સ્થાને બિરાજતી હતી. કેટલાંક આશ્રમોમાં તો રાજાનો રથ અમુક હદથી વધારે અંદર ન લાવવાની સુચના પણ લખાતી હતી. આ સમૃદ્વિ સામે ગુરૂનો વિજય હતો. તેનું કારણ એ હતું કે ઉપર જે ગુણો વર્ણવ્યા છે એ બધાં આ ગુરૂઓ ધારણ કરતા હતા. એટલે જ ધર્મ એમની પડખે રહેતો. એમ થાય છે કે ગઈકાલે ગયેલી ગુરૂપૂર્ણિમાં નિમિત્તે જો કોઈ સાચી પ્રાર્થના કરવાની હોય તો તે એ જ હોઈ શકે કે આપણે સૌ આવી નિઃસ્વાર્થ  ગુરૂ પરંપરા ને પૂનઃ પ્રગટતી જોઈએ.

ઈતિ સિધ્ધમ :

કોઈ કહે આ તળિયું છે ને કોઈ કહે કે ટોચ જૈસી જિસકી સોચ !

કોઈ કહે મન બટકી ગ્યું ને કોઈ કહે છે મોચ જૈસી જિસકી સોચ !

અરવિંદ બારોટ.  

[email protected]