સાચી સમજ સજાવે સંસાર - Sandesh

સાચી સમજ સજાવે સંસાર

 | 1:13 am IST

દાદાવાણી: પૂ. દાદાભગવાન

આપણા મન-વચન-કાયાથી કોઈને દુઃખદાયી ન થઈ પડીએ, એટલે મહીં ભગવાન પ્રગટ થઈ જાય. ભગવાનને કંઈ એમનું ઘર ત્યાં આકાશમાં છે નહીં, ત્યાં તો કોઈ બાંધે જ શી રીતે? પાયા ના થાય ત્યાં. આ તો કલ્પનાઓ છે બધી. આ તદ્દન સાચી વાત ઉઘાડી કરું છું. કારણકે અમારે ત્યાં (ભગવાન) પ્રગટ થયેલા છે, મેં જોયેલા જ છે એમને. તેથી કહું છું કે ભઈ, બધી કલ્પનાઓ ખોટી છે. પણ જગત કલ્પનામાં રાચેલું છે, તેને કલ્પના જ જોઈએ. બીજું સાચું હોયને, તે ભાગ ગમે નહીં એમને. એમને એમના ટેસ્ટનું જ જોઈએ, ટેસ્ટ પડે એને.

ભગવાન મારું મામેરું પૂરી આપશે, એવું હઉ કહે. એમને હાથ નથી, પગ નથી, એ વિજ્ઞાાન (સ્વરૂપ) છે. એ કોઈને દુઃખદાયી થઈ પડે નહીં, કોઈને સુખદાયી થઈ પડે નહીં. સુખને દુઃખ એ તો કલ્પનાઓ જ છે. પોતે જ અનંત સુખનું ધામ છે. એમાંથી જ બધું સુખ નીકળે છે. તે આ બધું, એમાંથી આરોપિત કરેલું સુખ છે. આ કલ્પિત સુખ છે, બાકી સુખ નથી. આ બધા બંધન છે ખાલી. બાકી ભગવાન કંઈ છેટે નથી, વીતરાગોનું વિજ્ઞાાન રાગ-દ્વેષ ન કરે એવું હોય. ગાળો ભાંડે તોય રાગ-દ્વેષ ન થાય, માર મારે તોય રાગ-દ્વેષ ન થાય. દુનિયામાં કોઈ દોષિત ન દેખાય એવું. વીતરાગ વિજ્ઞાાન એનું નામ કહેવાય કે કોઈ દોષિત દેખાય જ નહીં. જગત આખું નિર્દોષ દેખાય! જીવન કેટલું સુશોભિત હોય! એક-એક માણસની સુગંધ આવવી જોઈએ. આજુબાજુ કીર્તિ પ્રસરેલી હોય કે કહેવું પડે, આ શેઠ રહે છે ને, એ કેવા સુંદર! એમની વાતો કેવી સુંદર! એમનું વર્તન કેવું સુંદર! એવી કીર્તિ બધે દેખાય છે? એવી સુગંધ આવે છે લોકોની?

પ્રશ્નકર્તાઃ કોઈ કોઈવાર કોઈ કોઈ લોકોની સુગંધ આવે. 

દાદાશ્રીઃ કોઈ કોઈ માણસની, પણ તેય કેટલી? તે પાછા એને ઘેર પૂછોને, તો ગંધાતો હોય. બહાર સુગંધ આવે પણ એને ઘેર પૂછો ત્યારે કહેશે કે, ‘એનું નામ જ જવા દો. એની તો વાત જ ના કરશો.એટલે આ સુગંધ ના કહેવાય. 

જીવન તો હેલ્પિંગ (બીજાને સહાયરૂપ થવા) માટે જ જવું જોઈએ. આ અગરબત્તી સળગે છે, એમાં પોતાની સુગંધ લે છે એ? 

પ્રશ્નકર્તાઃ ના. 

દાદાશ્રીઃ આખી જિંદગી સળગે ત્યાં સુધી બધાને સુગંધી જ આપે છે ને! તે એના જેવું છે આપણું જીવન? બધાને સુગંધી આપવી જોઈએ. લોકો વગોવે એનો શું અર્થ? લોકો કંઈ પૈસા લેવા ફરતા નથી અને તેય એવા મહીં કોક હોય તો એનેય હેલ્પ કરવી પડે.  આ એક ગુલાબનું ફૂલ દેખીએ છીએ તોય કહે, સરસ ગુલાબ છે! અને આ મનુષ્ય દેખાય તો એને ગમે નહીં! એક અગરબત્તી અહીં સળગતી હોય તો આખા રૂમને સુગંધી આપે અને આ મનુષ્યો ગંધાય! કઈ જાતના લોક છો તમે? બહાર કોઈની સુગંધ જ નથી આવતી, નહીં તો પચ્ચીસ-પચ્ચીસ માઈલના એરિયા (વિસ્તાર) સુધી સુગંધ ફેલાય. ના ફેલાય સુગંધ? આ અગરબત્તીની સુગંધ ફેલાય છે, તો માણસની ફેલાય કે ના ફેલાય? તે વડોદરા શહેરમાં તું રહું છું તે કોની સુગંધ ફેલાયેલી દેખાઈ? માણસો આવ્યા ને મરી ગયાં, આવ્યા ને મરી ગયાં. વખતે કૂતરાંય ખાય-પીને મરી જાય છે, એમાં તેં શું કર્યું તે? મનુષ્યપણું ખોયું! મનખો નકામો ગયો. મનખો એટલે બહુ કિંમતી. અચિંત્ય ચિંતામણી દેહ, મનુષ્ય કહેવાય. તે આ આમાં જ કાઢયો, ખાણી-પીણીમાં જ? અને ઔરત. એ ઔરતેય સાચવતા ના આવડી હોય! એની જોડે રાત-દહાડો ડખા-ડખા, વઢવાડ-વઢવાડ! 

આ સંસાર દુઃખદાયી નથી, અણસમજણ જ દુઃખદાયી છે. તે અમે તમારી અણસમજણ કાઢી નાખીએ અને તમને સમજણ દેખાડી દઈએ. એટલે તમારો સંસાર દુઃખદાયી થઈ પડે નહીં. એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય. પછી નિરંતર ધર્મધ્યાન રહ્યા કરે.      

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન