સાનિયા મિર્ઝાનું સૂત્ર : પૈસો ગૌણ બાબત - Sandesh
  • Home
  • Columnist
  • સાનિયા મિર્ઝાનું સૂત્ર : પૈસો ગૌણ બાબત

સાનિયા મિર્ઝાનું સૂત્ર : પૈસો ગૌણ બાબત

 | 4:02 am IST

પ્રાસંગિક :  રમેશ દવે

ટેનિસ-સ્ટાર સાનિયા મિર્ઝાની આત્મકથા એસ અગેઈન્સ્ટ ઓડ્ઝપ્રગટ થઈ ચૂકી છે. શાહરૂખ ખાને દિલ્હીમાં અને સલમાન ખાને મુંબઈમાં એનું વિમોચન કર્યું. મુંબઈના પ્રકાશન સમારંભમાં સાનિયાએ એક બહુ વ્યવહારું વાત કરી કે કોઈ પણ ખેલાડીએ ટોચ પર પહોંચવા માટે શ્રીમંત કુટુંબના નબીરા હોવું જરૂરી નથી. સાનિયાએ પોતાની આત્મકથામાં મુખ્યત્વે પોતાના અને પરિવારના સંઘર્ષની જ વાત કરી છે. હોટેલનું ભાડુ ચૂકવવાનું ટાળવા એ સતત ૨૪ કલાક કારમાં મુસાફરી કરી રમતના મેદાનમાં પહોંચતી. ત્યારે સાનિયાની વય ૮-૯ વર્ષ હતી. એણે જીવનમાં સંઘર્ષ જોયો છે અને સંઘર્ષને કારણે જ એનું આત્મબળ વધ્યું છે. ટેનિસ આમ તો પૈસાદારોની રમત ગણાય છે, પણ મિર્ઝા એમાં નામ અને દામ બંને બનાવી શકી કારણ કે એણે પરસેવો પાડવાની, સંઘર્ષ કરવાની પૂરેપૂરી તૈયારી રાખી હતી. એમાં ક્યારેય કોઈ પાછીપાની ન કરી. એમાં એના પરિવારનો અને ખાસ કરીને એના પિતાનો પૂરેપૂરો સાથ-સહકાર મળ્યો. 

સાનિયા અને માર્ટિના હિંગિસની જોડીનું ટેનિસની મહિલા ડબલ્સમાં લાંબા અરસા સુધી એકચક્રી શાસન હતું. ભારતની કોઈ મહિલા ટેનિસ ખેલાડીએ આટલી સિદ્ધિ મેળવી નથી. એક જમાનામાં ભારતના જ મહેશ ભૂપતિ અને લિયન્ડર પેસે પુરૂષોની ડબલ્સમાં સિક્કા પાડી દીધાં હતાં. સાનિયાની જેમ સાધારણ પરિવારમાંથી આવતા ઘણાં સ્પોર્ટસ પર્સન્સ ટોચ પર પહોંચ્યા છે. મહિલા બોકસર મેરિ કોમનો દાખલો આપણી સામે છે. મેરિ કોમે તો વર્લ્ડ ચેમ્પિયન બનવા અકલ્પનીય સંઘર્ષ કર્યો છે. એ એકલા હાથે આખા સમાજ સામે લડી હતી. ભારતને વન-ડેમાં પહેલ વહેલો વર્લ્ડ કપ અપાવનાર કપિલ દેવ નિખંજ હરિયાણાના એક સામાન્ય કુટુંબમાં ઉછર્યો હતો. એને ભણવામાં કોઈ રૂચિ નહોતી. અંગ્રેજીમાં બે વાક્ય પણ બોલી ન શકે. એણે પામોલિવ સેવિંગ ક્રીમની પહેલી એડ કરી ત્યારે એ જોઈ લોકો એની ઠઠ્ઠા-મશ્કરી કરતા. કપિલે ક્રિકેટ માટેના ઝનૂન (પેસન) અને એકધારા પરિશ્રમથી બધાની બોલતી બંધ કરી દીધી. ટેસ્ટ ક્રિકેટમાં ૪૦૦ વિકેટ લેનાર એ ભારતનો પહેલો બોલર હતો. એણે વેસ્ટ ઈન્ડીઝના કોર્ટની વોલ્શનો સર્વાધિક ટેસ્ટ વિકેટનો રેકોર્ડ પણ તોડયો હતો. 

વીરેન્દ્ર સેહવાગ પણ કપિલની જેમ દિલ્હી નજીકના નઝફગઢ ગામના એક સામાન્ય પરિવારનો નબીરો છે. એના ઉપર પણ ક્રિકેટનું ઝનૂન સારવાર થઈ ગયું હતું. નાનકડો સેહવાગ સવારે પાંચ વાગ્યે ઊઠીને નઝફગઢથી બસમાં નેટ પ્રેક્ટિસ માટે દિલ્હી પહોંચતો. આકરી મહેનતથી એણે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું અને ધુઆંદાર બેટિંગ માટે વિશ્વ આખામાં જાણીતો થયો. કપિલની જેમ સેહવાગ પણ ક્યારેય રેકોર્ડ કરવા રમ્યો નથી. એટલે જ એ ૨૯૯ રનના પોતાના સ્કોર પર સિકસર મારવાની હિંમત બતાવી શક્યો. તમે ટેસ્ટમાં ૩૦૦ રન કરનાર દેશના પહેલો બેટ્સમેન બનવાની સાવ લગોલગ હો અને સિકસર મારવાનું સાહસ કરો એ નાનીસૂની વાત નથી. જો સિક્સર મારવાની લાલચમાં સેહવાગ આઉટ થઈ ગયો હોત તો દુનિયા આખીએ એના પર માછલાં ધોયા હોત. દૂરના ભૂતકાળમાં જઈએ તો ભારતની ટીમમાં એકનાથ સોલકર નામનો એક ઓલરાઉન્ડર થઈ ગયો. સોલકર એટલો અદ્ભુત ફિલ્ડર હતો કે એને તમે આજના જોન્ટી રોહડસ સાથે સરખાવી શકો. એના શોર્ટ લેગપરના અદ્ભુત કેચીસને કારણે જ ભારતની સ્પિન ત્રિપુટી ચન્દ્રશેખર- પ્રસન્ના અને બેદી હરીફ છાવણીમાં સોપો પાડવામાં ઘણીવાર સફળ થઈ હતી. ટૂંકમાં, સ્પોર્ટ્સમાં સફળ થવા માટે શ્રીમંત હોવુંુ ફરજિયાત નથી. સ્પોર્ટસમેનમાં રમત પ્રત્યે પ્રેમ, ખંત, નિષ્ઠા અને ઝનૂન હોય તો એ પૈસાના પીઠબળ વિના પણ સફળ થઈ શકે છે. સાનિયા મિર્ઝાએ સફળતા માટે સંઘર્ષનું સૂત્ર આપીને ખેલાડીઓની ઊગતી પેઢીને સાચી દિશા ચીંધી છે.