સાળંગપુર અકસ્માતમાં વધુ એકનું મૃત્યુ - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • સાળંગપુર અકસ્માતમાં વધુ એકનું મૃત્યુ

સાળંગપુર અકસ્માતમાં વધુ એકનું મૃત્યુ

 | 1:48 am IST

બરવાળા, તા.૯

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર નજીક ગઈકાલે મોટરકાર પલટી મારી જતાં તેમાં મુસાફરી કરતાં ચાર કંધોતર યુવાનના મોત નીપજ્યા હતા. જેમાં ત્રણ ઈજાગ્રસ્ત યુવકને પ્રથમ બોટાદ બાદ ભાવનગર હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર હેઠળના વધુ એક યુવાને અંતિમ શ્વાસ લીધાં હતા. જેથી મૃત્યુ આંક પાંચ થયો છે. આ અંગે બરવાળા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.

પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લીમડા (હનુભાના) ગામના ચિરાગભાઈ છગનભાઈ સોલંકીની જાન બોટાદ જિલ્લાના બરવાળાના ખાંભડા ગામે ગઈ હતી. જે જાનના જાનૈયાની મોટરકારનું પંક્ચર રિપેર કરાવવા જતાં બરવાળા તાલુકાના સાળંગપુર ગામ નજીક પહોંચતાં ટાયર ફાટતાં ફુટબોલની જેમ ફંગોળાઈને મોટરકાર ખાળિયામાં ખાબકી હતી. જે કારમાં બેઠેલાં ચાર હતભાગી યુવાનો મયુરભાઈ અશોકભાઈ સોલંકી, વિપુલભાઈ ધીરૃભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ નાનજીભાઈ તલસાણિયા, સચીનભાઈ મુકેશભાઈ બારૈયાને લોહિયાળ ઈજા થતાં તમામના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે ગંભીર હાલતના ભાવેશભાઈ કીરીટભાઈ સોલંકી, અશ્વીનભાઈ જયસુખભાઈ, પ્રકાશભાઈ ગોપાળભાઈ સોલંકીને પ્રથમ બોટાદ દવાખાને લઈ ગયા બાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખાતેની હોસ્પિટલમાં રિફર કરાયાં હતા. જ્યાં સારવાર દરમિયાન જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતાં ભાવેશભાઈ કીરીટભાઈ સોલંકીનું મૃત્યુ નીપજ્યું હતુ. આમ, આ ગોઝારા અકસ્માતમાં વધુ એક યુવક મોતના મુખમાં ધકેલાઈ જતાં કુલ પાંચ યુવાનના મોત નીપજ્યાં હતા. આ અંગે બરવાળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનને તુરંત સારવાર નહિ મળતાં મૃત્યુ નીપજ્યાનો આક્ષેપ

બરવાળાના સાળંગપુર નજીકના ગમખ્વાર અકસ્માતમાં ગઈકાલે ચાર યુવાનના મોત નીપજ્યાં હતા. જ્યારે ઈજાગ્રસ્ત ત્રણ યુવકને પ્રથમ બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ચા-પાણી-નાસ્તોની જ્યાફત ઉડાડતાં તબીબી સ્ટાફે પોતાની દર્દી પ્રત્યેની ફરજ ભૂલી જઈને ટોળટપ્પાં કરતાં અને દર્દીને કોઈપણ જાતની સારવાર કરવામાં નહિ આવી હોવાનો આક્ષેપ મૃતકના મામા હિરેનભાઈ સોલંકીએ કર્યો હતો. અહીં દર્દીને સ્ટ્રેચરમાં જાતે લઈ જવાયા હતા. બોટાદ હોસ્પિટલમાં ત્રણ-ત્રણ એમ્બ્યુલન્સ ગાડી હોવા છતાં એકપણ એમ્બ્યૂલન્સ આપવામાં આવી ન હતી અને જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતાં દર્દી ભાવેશભાઈ કીરીટભાઈ સોલંકીને રામભરોસે મૂકી દેવાતાં અને સારવાર આપવામાં નહિ આવતાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનો આક્ષેપ મૃતકના મામા હિરેનભાઈએ કર્યો હતો.

;