સિદ્ધુ તો શરૂઆત છે, ભાજપને હજુ વધુ ફટકા પડશે - Sandesh
  • Home
  • Columnist
  • સિદ્ધુ તો શરૂઆત છે, ભાજપને હજુ વધુ ફટકા પડશે

સિદ્ધુ તો શરૂઆત છે, ભાજપને હજુ વધુ ફટકા પડશે

 | 4:01 am IST

ન્યૂઝ એનાલિસિસ :  અલકેશ પટેલ

એ સાચું કે નવજોતસિંહ સિદ્ધુએ કે તેમનાં પત્નીએ ભાજપમાંથી રાજીનામાં નથી આપ્યાં. એ પણ સાચું કે આમ આદમી પાર્ટીએ સિદ્ધુને પંજાબમાં મુખ્યપ્રધાનપદના ઉમેદાવાર જાહેર નથી કર્યા. પરંતુ હકીકતે થોડા દિવસનો જ સવાલ છે. ભાજપની ટોચની નેતાગીરી સિદ્ધુ જેવા બોલકા અને લોકપ્રિય નેતાઓની ઉપેક્ષા કરવાનું ચાલુ રાખશે તો છેવટે એ પરિણામ આવવાનું જ છે. સાચી વાત તો એ છે કે પક્ષમાં છેલ્લાં બેએક વર્ષથી સિનિયરથી માંડીને ઘણા કર્મઠ નેતાઓ ગૂંગળામણ અનુભવે છે. આ નેતાઓને સતત એવું લાગ્યા કરે છે કે પક્ષમાં હવે તેમના અસ્તિત્વની કોઈ ગણના નથી. સિનિયર નેતાઓ સતત એવી લાગણી અનુભવે છે કે તેમના અનુભવની પક્ષમાં જાણે કોઈ કિંમત જ નથી. આનું પરિણામ એ આવ્યું છે કે રાજ્યસ્તરે જે તે વગદાર છતાં ઉપેક્ષિત થયેલા નેતાઓ ચૂંટણી સમયે નિષ્ક્રિય થઈ જાય છે જેથી પક્ષને ફટકો પડે છે. છેક દિલ્હી વિધાનસભાની ચૂંટણીથી શરૂ કરીને છેલ્લે બિહાર અને પિૃમ બંગાળ જેવાં મહત્ત્વનાં રાજ્યોમાં પણ આ સ્થિતિ જોવા મળી તે આ બાબતનો પુરાવો છે.  

દિલ્હીમાં પક્ષની સાથે શરૂઆતથી જોડાયેલા કેટલાય સિનિયર નેતાઓની સદંતર ઉપેક્ષા કરીને રાતોરાત કિરણ બેદીને મુખ્યપ્રધાનપદનાં ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યાં હતાં તેને કારણે નેતાઓ અને કાર્યકરોની આખી કેડર હતાશ થઈ ગઈ, જેનું પરિણામ આપણે સૌએ જોયું છે. બિહારમાં શત્રુઘ્ન સિંહા જેવા લોકો સતત ઉપેક્ષિત થતાં એ નિષ્ક્રિય રહ્યા અને સાથે તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા બીજા અનેક લોકોએ પણ કોઈ ઉત્સાહ દાખવ્યો નહીં. પરિણામ આપણી સામે છે. પિૃમ બંગાળની સ્થિતિ આમ થોડી જુદી છે છતાં ત્યાં પણ પક્ષને તેના એરોગન્ટ વલણનો સ્વાદ ચાખવો પડયો છે. નવજોતસિંહ સિદ્ધુની જ વાત કરીએ તો એ છેલ્લા ઘણા વખતથી પોતાની ઉપેક્ષાને કારણે નારાજ છે એવું સૌકોઈ જાણે છે. સિદ્ધુ મહત્ત્વાકાંક્ષી હોય અને તેની સાથે આવું કંઈ થતું હોય એવું પણ નથી. તેને પંજાબની અકાલી દળની નેતાગીરી સાથે વાંધો છે અને તેની એ નારાજગીનો યોગ્ય રીતે ઉકેલ લાવવા ભાજપના નેતૃત્વ તરફથી કદી કોઈ પ્રયાસ થયા જ નહીં. પક્ષમાં તેના વજૂદની કોઈ યોગ્ય નોંધ લેવામાં ના આવી. બસ માત્ર ચૂંટણી સમયે તેની પાસે ભાષણો કરાવીને તેના આક્રમક વક્તૃત્વ અને લોકપ્રિયતાનો ઉપયોગ કરી લેવામાં આવ્યો, પરંતુ ફળ આપવાનું આવ્યું ત્યારે જીહજૂરિયાઓને મળ્યું. સિદ્ધુ જેવી સ્વમાની વ્યક્તિ આવું ક્યાં સુધી સહન કરે?  

સિદ્ધુનાં પત્ની, નવજોત સિદ્ધુ વાસ્તવમાં આ બાબતે વધારે મહત્ત્વાકાંક્ષી છે અને તેથી જ તેઓ છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટી સાથે સંપર્કમાં છે. અહેવાલ મુજબ તેઓ આપ-ની નેતાગીરી પર સતત દબાણ કરતાં રહ્યાં છે કે કેજરીવાલનો પક્ષ સિદ્ધુને મુખ્યપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવા તૈયાર હોય તો પોતે અને સિદ્ધુ બંને ભાજપમાંથી રાજીનામાં આપવા તૈયાર છે. લાગે છે કે સિદ્ધુનાં પત્નીની એક વર્ષની મહેનત હવે કદાચ સફળ થઈ હશે અને તેથી જ પહેલાં ચરણમાં સિદ્ધુએ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપની નેતાગીરી જો તેને સમજાવી લેવામાં નિષ્ફળ જશે કે પછી ઉપેક્ષા ચાલુ રાખશે તો આમ આદમી પાર્ટીને ફાવતું મળી જશે અને તે સિદ્ધુને મુખ્યપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરી શકે.  

પંજાબમાં આમ પણ આમ આદમી પાર્ટી પાસે કોઈ મજબૂત અને વિશ્વસનીય પંજાબી નેતા નથી. એ સંજોગોમાં સિદ્ધુ તેમના માટે સંકટમોચન બની શકે તેમ છે. આવું કંઈપણ થશે તો તે માટે સીધી રીતે શાસકપક્ષની ટોચની નેતાગીરી જવાબદાર ગણાશે. કેન્દ્રમાં સત્તા મળવાથી અહંકારમાં આવી ગયેલી નેતાગીરી એ સમજવા તૈયાર નથી કે બધી બાબતે કોઈ એક વ્યક્તિ પર આધાર રાખવાથી કાયમ માટે સફળતા ન મળે. એક જ વ્યક્તિ સરકાર ચલાવે, એક જ વ્યક્તિ ચૂંટણી પ્રચાર કરે એવું લાંબા ગાળા માટે શક્ય નથી. વળી એ તો લોકશાહી વ્યવસ્થાની પણ વિરૂદ્ધ છે. ઉત્તરપ્રદેશ જેવાં અન્ય મહત્ત્વના રાજ્યની ચૂંટણી પણ આવતા વર્ષે જ આવી રહી છે. જો શાસકપક્ષની ટોચની નેતાગીરીનું વલણ આવું જ રહેશે તો પક્ષમાં અસંતોષ અને ચૂંટણી પરિણામ પર તેની અસર અંગે કંઈ કહેવાની જરૂર છે ખરી?   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન