સિન્થેટિકના મારથી પોલિશ્ડ ડાયમંડના વેપારને મોટો ફટકો - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • સિન્થેટિકના મારથી પોલિશ્ડ ડાયમંડના વેપારને મોટો ફટકો

સિન્થેટિકના મારથી પોલિશ્ડ ડાયમંડના વેપારને મોટો ફટકો

 | 1:17 am IST

હીરાબજારની અંદર-બહાર :  રિદ્ધીશ સુખડિયા

વર્ષ ૨૦૧૫ની મંદી સામે બાથ ભીડનારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ડિસેમ્બર-૨૦૧૫માં ક્રિસમસ ખરીદીથી ફરી બ્રેક મળ્યો ને બજારે ધીમે- ધીમે સુધારો હાંસલ કર્યો. માર્ચ-૨૦૧૬ સુધીમાં ફરી ડાયમંડ ડિમાન્ડ સામાન્ય બની જતા તમામ ડાયમંડ યૂનિટો પુનઃ પૂર્ણકક્ષાએ ધમધમવા માડયા અને રફ ડાયમંડની ડિમાન્ડ રોકેટ ગતિએ ઉછળતા રફના પ્રિમિયિમ રેટ બોલાવા લાગ્યા. પરંતુ, આ સુધારો ખાસ લાંબો ટકયો નથી. માત્ર ચારથી પાંચ મહિનાના અરસામાં આ સુધારો ધોવાયો છે અને ઉદ્યોગકારો- વેપારીઓ ફરી કામકાજ નહિ હોવાની બૂમો પાડવા માડયા છે. 

પોલિશ્ડ ડાયમંડ માર્કેટમાં સુધારાની સાથે જ સિન્થેટીક ડાયમંડની ચહલ પહલ પણ યથાવત રહી છે. સિન્થેટીક ડાયમંડની ભેળસેળનો હાઉ ઉદ્યોગકારોને સતાવી રહ્યો છે. જો કે, આ હાઉ ઓછો કરવા વેપારીઓ- ઉદ્યોગકારોએ ચેકપોઇન્ટ અનુસરવા માડયા છે. હીરાબજારમાં મેટલર વેઇટ સેન્ટર્સની માફક હવે સિન્થેટીક- સીવીડીના ચેકિંગ સેન્ટરો ધમધમવા માંડયા છે. રૂપિયા ૩૦થી ૪૦ પ્રતિ કેરેટના દરે ચેકિંગ કરી આપવામાં આવે છે. વેપારીઓ- કારખાનેદારો આ સેન્ટર્સ પર હીરા ચેકિંગ કરાવી પેકેટ આગળ પાસ કરી દે છે. જો કે, આ વચ્ચે સિન્થેટીક ડાયમંડનુ ઉત્પાદન પણ વધ્યું હોવાના અહેવાલો છે. સુરત- મુંબઇ તથા સૌરાષ્ટ્ર કાંઠા વિસ્તારના ઘણાં યૂનિટોમાં સિન્થેટીકનુ પોલિશિંગ અને તેનુ જોબવર્ક શરૂ થયાની પણ વાતો છે. સાથે જ વચ્ચે સિન્થેટીક અને તેની જવેલરીની પણ ડિમાન્ડ વધી હોવાનુ તથા દિલ્હી સહિતના માર્કેટમાં તેનુ ચલણ વધ્યું હોવાનુ ચર્ચાય રહ્યું છે. આ વાતો ભવિષ્યમાં આપમેળે સ્પષ્ટ થશે જ. પરંતુ, તાજેતરમાં મોર્ગન સ્ટેન્લી દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં પણ સિન્થેટીકના કારણે પોલિશ્ડ ડાયમંડનો માર્કેટ હિસ્સો ઘટી રહ્યાના સંકેત અપાયા છે. રિપોર્ટ પ્રમાણે, સિન્થેટીક ડાયમંડનો વધી રહેલો વપરાશ મેલે ડાયમંડનો ૧૫ ટકા જેટલો હિસ્સો કેપ્ચર કરી જશે. 

ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાઓ પણ સ્વીકારી રહ્યા છે કે સિન્થેટીક ડાયમંડના કારણે સમીકરણો બદલાયા છે અને તેની જ સીધી અસર બજાર પર જોવા મળી રહી છે. એકતરફ પોલિશ્ડ ડાયમંડનુ ઉત્પાદન યથાવત રહ્યું છે, બીજીતરફ સિન્થેટીકનુ પણ ઉત્પાદન અને ડિમાન્ડ વધી છે. જેના કારણે પોલિશ્ડની ડિમાન્ડ પણ ઘટી છે. 

છેલ્લા બે મહિનાથી પોલિશ્ડ ડાયમંડની માગ થોડી થોડી ઘટી છે. પરંતુ, હાલમાં તો માર્કેટ તદ્દન નિરસ બની ગયુ છે. ભારતીય માર્કેટમાં અમેરિકી અને ચાઇનીઝ બાયર્સ તરફથી ઇન્કવાયરી જોવા મળી રહી છે પરંતુ, બજારમાં ખાસ કોઇ મુવમેન્ટ જોવા મળતી નથી. અમેરિકી માર્કેટ પણ શાંત છે. વેકેશન બાદ શરૂ થયેલા માર્કેટમાં ખાસ કોઇ ચહલપહલ નથી. આ જ પ્રકારે બેલ્જિયમમાં પણ પોલિશ્ડનુ માર્કેટ સ્લો જોવાયું છે. અન્ય મુખ્ય માર્કેટ ગણાતા ઇઝરાયલમાં પણ મંદ માહોલ નોંધાયો છે. ખાસ કરીને જુલાઇમાં વધુ નિરસતા રહી હતી. આ પ્રકારે નીંચી માગથી બજારમાં તૈયાર હીરાનો ભરાવો થવા માડયો છે. ઉપરાંત ઊંચી કિંમતની રફમાથી તૈયાર થયેલા હીરાના ભાવમાં ડિસ્કાઉન્ટની સ્થિતિ બનતા માર્જીન પણ ઘટયા છે. રફ માર્કેટમાં પણ ઘટતી માગની અસરે પ્રિમિયમ રેટ નીંચે ઉતર્યા છે. આ તમામ બાબતે હીરાઉદ્યોગકારોની ચિંતાની વધારી દીધી છે. 

તાજેતરમાં રજૂ થયેલા ભારતીય જેમ -જવેલરી આયાત- નિકાસના આંકડા તથા રફ માઇનીંગ કંપનીઓના પ્રોડકશન સેલ્સના વિગતો પણ પરિસ્થિતિની ગંભીરતા દર્શાવી રહ્યા છે. વિતેલા મંદીના વર્ષ ૨૦૧૫ના જૂન માસની સરખામણીએ જૂન-૧૬માં પોલિશ્ડ ડાયમંડની નિકાસ ઘટી છે. આ ઘટાડો સામન્ય છે પરંતુ, ઇન્ડસ્ટ્રી માટે ચિંતાજનક છે. જૂન ૨૦૧૫માં ૧૮૫૩.૧૬ મિલિયન ડોલર ( રૂ.૧૧૮૩૪.૨૬ કરોડ)ની કિંમતના ૨૭.૨૦ લાખ કેરેટ ડાયમંડની નિકાસ થઇ હતી, જે સામે જૂન-૨ ૦૧૬માં ૧૮૪૬.૧૮ મિલિયન ડોલર ( રૂ.૧૨૪૨૪.૭૭ કરોડ)ની કિંમતના ૨૬.૨૬ લાખ કેરેટ ડાયમંડની નિકાસ થઇ છે. વોલ્યુમની સરખામણીએ આ ઘટાડો નોંધનીય છે. રફ ડાયમંડની આયાતમાં જૂન ૨૦૧૬ દરમિયાન ૨૦ ટકા જેટલી ઘટ નોંધાઇ છે. જૂન-૨૦૧૫માં ૧૫૦૯.૨૨ મિલિયન ડોલર (રૂ.૯૬૩૭.૮૯ કરોડ)ની કિંમતના ૧૨૮.૫૯ લાખ કેરેટ રફ ડાયમંડની આયાત થઇ હતી, જે સામે જૂન-૨૦૧૬માં ૧૨૦૪.૨૫ મિલિયન ડોલર (રૂ.૮૧૦૪.૬૩ કરોડ)ની કિંમતના ૧૦૮.૨૭ લાખ કેરેટ રફ ડાયમંડની આયાત થઇ છે. અર્ધવાર્ષિક સમયગાળામાં ડિબિયર્સનુ રફ ઉત્પાદન ૧૫ ટકા અને અલરોઝાનુ ૧૬ ટકા રફ ઉત્પાદન ઘટયું છે. 

વર્તમાન નિરસતાના માહોલમાં લાસવેગાસ , હોંગકોંગ શો બાદ હવે ૪ થી ૮ ઓગષ્ટ દરમિયાન મુંબઇ ખાતે ૪ થી ૮ યોજનારા આઇઆઇજેએસ શો પર નજર કેન્દ્રિત કરવામાં આવી છે. આ શો થકી સુધારો થવાનો આશાવાદ વ્યકત કરવામાં આવી રહ્યો છે. આશા રાખીએ આ ગણતરીઓ અને અંદાજ સાચો પડે અને ઉદ્યોગને ફરી સુધારાની ચાલ મળે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન