સીરિયાની જેમ જ ભારતમાં પોતાના મોડ્યુલ બનાવવાની ફિરાકમાં છે ક્રુર આતંકી સંગઠન ISIS - Sandesh
  • Home
  • India
  • સીરિયાની જેમ જ ભારતમાં પોતાના મોડ્યુલ બનાવવાની ફિરાકમાં છે ક્રુર આતંકી સંગઠન ISIS

સીરિયાની જેમ જ ભારતમાં પોતાના મોડ્યુલ બનાવવાની ફિરાકમાં છે ક્રુર આતંકી સંગઠન ISIS

 | 8:56 am IST

આતંકી સંગઠન આઈએસઆઈએસ સીરિયા, ઈરાક અને અફઘાનિસ્તાનની જેમ જ ભારતમાં પણ પેન ઈન્ડિયા મોડ્યૂલ તૈયાર કરવાની ફિરાકમાં છે. NIAની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે સીરિયામાં બેઠેલા શફી અર્માર ઉર્ફે યુસૂફ અલ હિન્દી સમગ્ર ભારતમાં અલગ અલગ મોડ્યૂલને ઓપરેટ કરી રહ્યો છે. એટલું જ નહીં શફીએ દેશમાં ISIનો આતંક ફેલાવવા માટે નક્સલીઓ સાથે સીધો સંપર્ક કર્યો હતો જેથી કરીને નક્સલીઓની મોડસ ઓપરેન્ડી સમજીને તેમનો ઉપયોગ થઈ શકે.

શફીએ ISISના પૈન ઈન્ડિયા મોડ્યુલ માટે નક્સલીઓ પાસેથી હથિયારો ખરીદવાની યોજના પણ બનાવી હતી. NIAની ચાર્જશીટમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે શફી અર્માર હિન્દુસ્તાનમાં પણ ખિલાફતના હિસાબથી શૂરા કાઉન્સિલ તૈયાર કરી રહ્યો હતો. આ શૂરામાં અમીર એ હિન્દથી લઈને અમીર એ અસ્કરી સુધીની અલગ અલગ જવાબદારીઓ તે આપી રહ્યો હતો. હથિયાર, ટ્રેનિંગ અને વિસ્ફોટોથી લઈને સંગઠનના માળખાને લઈને ISISના ભારતીય મોડ્યુલની 9 મહત્વની બેઠકો થઈ હતી. શફી અર્માર સીરિયા જઈને લડવા માટે અને હિન્દુસ્તાનમાં જ વિસ્ફોટો કરે તેવા લોકોની અલગ અલગ તૈયારી કરી હતી. હિન્દુસ્તાનમાં જે સંગઠનનું માળખુ તૈયાર કર્યુ હતું તેનું નામ હતું જુનુજ ખલીફા અલ હિન્દ. જે લોકો ભારતમાં જ ISISના ખલીફા અલ બગદાદીની ખિલાફત માટે આતંક ફેલાવવા માંગતા હતાં તેમને આ સંગઠનમાં સામેલ કરાયા હતા. આ કામ માટે રૂપિયાથી લઈને હથિયાર અને ટ્રેનિંગના તમામ કામો માટે શફી સીરિયાથી આદેશ આપતો હતો. પરંતુ આ મોડ્યુલની શૂરા બનાવવાની કોશિશમાં અંદરોઅંદર મતભેદ થતા શૂરા કાઉન્સિલ બની ન શકી.

હરિદ્વારમાં વિસ્ફોટોને અંજામ આપવાની કરી હતી કોશિશ

શૂરાની બીજી મિટિંગમાં પહેલા હરદ્વારમાં વિસ્ફોટોને અંજામ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ISISએ ભટકલના રહિશ શફી અર્મારને સમગ્ર દેશની જવાબદારી સોંપી હતી. ત્યારબાદ યુસૂફ અલ હિન્દુના નામથી શફીએ આતંકી સંગઠન તૈયાર કર્યું. 19 જુલાઈના રોજ દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ તે મુજબ શફીએ આ સંગઠનને ઊભુ કરવા માટે માત્રને માત્ર ઈન્ટરનેટનો સહારો લીધો હતો. આ ગ્રુપની પહેલી ધરપકડ મોહમ્મદ નાસિરની થઈ હતી. જે દેશમાંથી નીકળીને સૂદાન જતો રહ્યો હતો. અને ત્યાંથી સીરિયા જવાની તૈયારીમાં હતો પરંતુ સૂદાનથી પાછા મોકલાયેલા નાસિરને NIAએ પકડી લીધો. ત્યારબાદ તેણે કરેલા ખુલાસા બાદ આરોપીઓ પર નજર રાખવામાં આવી રહી હતી.

આ દરમિયાન મુંબઈના રહિશ મુદબ્બિરને શફીએ ભારતની જવાબદારી સોંપી હતી. સંગઠન ઊભુ કરવા માટે અને ભરતી કરાયેલા લોકો માટે ટ્રેનિંગ અને હશિયાર માટે મુદબ્બિરને રૂપિયા પહોંચતા કરાયા હતા. હવાલા દ્વારા પાંચ લાખ 86 હજાર રૂપિયા અપાયા. મુદબ્બિરને દેશના અલગ અલગ રાજ્યોમાં કામ કરતા મોડ્યુલને રૂપિયા વહેંચવાની જવાબદારી સોંપાઈ હતી. ISIS વિસ્ફોટ પહેલા સંગઠનનું એક મોટું માળખુ તૈયાર કરવા ઈચ્છતું હતું. આ માટે મેંગ્લોર, ટુમકુર, હૈદરાબાદ, દેવબંધ અને લખનૌમાં બેઠકો પણ થઈ. 31મી ઓક્ટોબર 2015ના રોજ ગ્રુપના તમામ લોકો લખનૌ પહોંચ્યા અને 1 નવેમ્બરે સંગઠન માટે શૂરા બનાવવાની બેઠક થઈ.

માચિસની સળીઓના સહારે મોટા વિસ્ફોટો કરવાનો હતો પ્લાન

શફીએ એક મોડ્યુલને IED અને એક્સપ્લોસિવનો ઉપયોગ કરવાની ટ્રેનિંગ અને સલાહ આપી તો બીજી બાજુ ઉત્તરાખંડ મોડ્યુલને માચિસની સળીઓના સહારે મોટા વિસ્ફોટો કરવા માટે જણાવ્યું. આ માટે NIAએ તે તમામ ઈમેઈલ અને ઈન્ટરસેપ્ટનો ઉલ્લેખ પોતાની ચાર્જશીટમાં કર્યો છે. જેમાં શફીએ ફટાકડા અને સળીઓના સહારે બોમ્બ બનાવવાની યોજના કરી હતી.

ચાર્જશીટમાં 16 આરોપીઓના નામ

NIAએ જે ચાર્જશીટ રજુ કરી છે તેમાં 16 લોકોને આરોપી બનાવ્યાં છે. નાસિર વિરુદ્ધ જૂનમાં ચાર્જશીટ રજુ થઈ ચૂકી છે. તપાસ એજન્સીઓએ સમગ્ર દેશમાં એક સાથે દરોડા પાડ્યા અને ISISના આ મોડ્યુંલને બ્રેક કરીને તેના લોકોને ઝડપી લીધા. તેમની પાસેથી NIAને વિસ્ફોટકો, ટાઈમર વોચ, IED અને આ ઉપરાંત કેટલાક ફોટા અને વીડિયો પણ મળ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન