સુપ્રીમે ફટકારી વિજય માલ્યાને નોટિસ, નથી જાહેર કરી પૂરી વિગતો - Sandesh
  • Home
  • Business
  • સુપ્રીમે ફટકારી વિજય માલ્યાને નોટિસ, નથી જાહેર કરી પૂરી વિગતો

સુપ્રીમે ફટકારી વિજય માલ્યાને નોટિસ, નથી જાહેર કરી પૂરી વિગતો

 | 11:25 pm IST

વિજય માલ્યાએ તેની બધી જ મિલકતો જાહેર કરી નથી જેમાં તેને બ્રિટિશ ફર્મ પાસેથી મળેલા 45 મિલિયન ડોલરનો સમાવેશ થાય છે, એમ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને નોટિસ ફટકારી છે. એટર્ની જનરલે જણાવ્યું હતું કે માલ્યાએ તેની પાસેની મિલકતોની બધી જ માહિતી હજી સુધી જાહેર કરી નથી અને નાગરિકોનાં નાણાં માટે તેઓ જવાબદેય છે. માલ્યાએ અદાલતના આદેશોનું પૂર્ણપણે પાલન કર્યું નથી અને તેણે પોતાની મિલકત વિશે બધી જાણકારી આપી નથી.

 તેમણે ડિયેગો(બ્રિટનની દારૃ બનાવતી ટોચની કંપની) પાસેથી તેમને મળેલા 45 મિલિયન ડોલર વિશે કોઇ માહિતી આપી નહોતી, એમ એટર્ની જનરલ રોહતગીએ જસ્ટિસ કુરિયન જોસેફ અને આર. એફ. નરીમનની બેન્ચને જણાવ્યું હતું. એટર્ની જનરલે આપેલી માહિતી બાદ સુપ્રીમ કોર્ટે માલ્યાને નોટિસ ફટકારી હતી અને તેમને બેંકોએ કરેલી અરજી અંગે ચાર અઠવાડિયામાં જવાબ આપવાનું જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે માલ્યા વિરુદ્ધ અદાલતી કાર્યવાહી શરૃ કરવા અંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનાં વડપણ હેઠળ અન્ય બેંકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. રોહતગીએ 14 જુલાઇના રોજ એવો દાવો કર્યો હતો કે માલ્યાએ પોતાની મિલકતો વિશે સુપ્રીમ કોર્ટને ખોટી માહિતી આપી છે. તેમણે વધુ જણાવ્યું કે માલ્યાએ 2,500 કરોડ રૃ.ની રોકડ રકમ ઉપરાંત અન્ય એવી ઘણીબધી મિલકતો વિશે અદાલતને માહિતી આપી નથી, આમ કરીને તેમણે અદાલતના આદેશનું અવમાન કર્યું છે. માલ્યા પોતાની વિદેશસ્થિત મિલકતો વિશે કોઇ માહિતી આપતા નથી અને તેમની વિરુદ્ધ થઇ રહેલી તપાસમાં સહકાર આપી નથી રહ્યા, એવો આરોપ સુપ્રીમમાં અરજી કરનાર બેંકોના સંઘે મૂક્યો હતો. માલ્યાએ આના જવાબમાં જણાવ્યું કે બેંકોને મારી વિદેશસ્થિત મિલકતો વિશે જાણવાનો કોઇ અધિકાર નથી, કારણ કે તે 1988થી NRI(નોનરેસિડેન્ટ ઇન્ડિયન) બની ગયા હતા.