સુરતની 450 ખાનગી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર - Sandesh
  • Home
  • Newspaper
  • સુરતની 450 ખાનગી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર

સુરતની 450 ખાનગી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર

 | 3:00 am IST

રાજ્યભરની શાળાઓમાં ચાલુ સત્ર દરમિયાન જાહેર કરવામાં આવેલા નવરાત્રિ વેકેશનનું સુરત શહેર-જિલ્લામાં સુરસુરિયું થઇ ગયું હતું. ખાનગી શાળા સંચાલકોના વિરોધી સૂર સામે શહેરમાં ૪૫૦ જેટલી શાળાઓ નવરાત્રિ દરમિયાન રાબેતા મુજબ ધમધમી હતી. એવામાં નવરાત્રિ વેકેશનને જાકારો આપ્યા બાદ હવે શાળાઓ ૧૩ની જગ્યાએ ૨૧ દિવસનું દિવાળી વેકેશન આપીને ફરીવાર સરકાર સામે બાંયો ચઢાવશે.

નોંધનીય છે કે, રાજ્ય સરકારે ૧૦થી ૧૮ઓક્ટોબર સુધીનું નવરાત્રિ વેકેશન જાહેર કરવાની સાથે જ દિવાળી વેકેશન પર કાતર ફેરવી દીધી હતી. બોર્ડે ૫થી ૧૭ નવેમ્બર સુધીનું ૧૩ દિવસનું જ દિવાળી વેકેશન જાહેર કર્યું હતંુ. જોકે, હાલમાં નવરાત્રિ વેકેશનમાં સુરતની શાળાઓમાં શિક્ષણકાર્ય ચાલુ રહ્યું હોય શિક્ષણાધિકારી કચેરીએ નોટિસ ફટકારી છે. સામે બાજુએ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આપેલા જવાબનો કોઇ પ્રતિઉત્તર મળ્યો નથી. એવામાં હવે સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ૧૩ની જગ્યાએ ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવાની હાંકલ કરી દીધી છે.

શહેરની મોટા ભાગની ખાનગી શાળાઓમાં તો ગત અઠવાડિયે જ વાલી, વિદ્યાર્થીઓને ૫થી ૨૫ નવેમ્બર સુધીના ૨૧ દિવસ દિવાળી વેકેશન હોવાની જાહેરાત, મેસેજ કરી દેવાયા છે. જ્યારે હવે બાકી રહેલી શાળાઓ પણ આ અઠવાડિયામાં તે અંગેની જાણ કરી દેશે. બીજી બાજુ ખાનગી શાળા સંચાલક મંડળે પણ ખાનગી શાળાઓને પૂરો ટેકો જાહેર કર્યો છે. આ સ્થિતિમાં ફરી એક વાર શિક્ષણાધિકારી કચેરી, શિક્ષણ બોર્ડના આદેશ-ફરમાનનું ઉલ્લંઘન થતું હોય નોટિસ-નોટિસનો ખેલ શરૃ થશે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સુરતના નેજા હેઠળની ૪૨૩ ખાનગી શાળાઓએ વિદ્યાર્થી, વાલીઓની માંગ અને હિતને ધ્યાનમાં લેતાં નવરાત્રિ વેકેશનમાં રાબેતા મુજબનું શિક્ષણકાર્ય યથાવત રાખ્યું હતું. એટલે હવે ૨૧ દિવસનું જ દિવાળી વેકેશન રહેશે. વાલી, વિદ્યાર્થી, શિક્ષકોને નવરાત્રિમાં રજા મળી ન હોય સ્વભાવિક રીતે દિવાળી વેકેશન ૨૧ દિવસનું રહેશે. તે માટે શાળા સંચાલક મંડળ દ્વારા સોમવારે તમામ ખાનગી શાળાઓને જાણ કરી દેવાશે. – મહેશ પટેલ (પ્રમુખ, શાળા સંચાલક મંડળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;