સોવરીન ગોલ્ડ : રોકાણની સાથે નફો મેળવવાની તક - Sandesh

સોવરીન ગોલ્ડ : રોકાણની સાથે નફો મેળવવાની તક

 | 1:12 am IST

બુલિયન વોચ :  નલિની પારેખ

સરકાર દ્વારા સોવરેન ગોલ્ડ બોન્ડના આ ચતુર્થ ઈશ્યૂની તારીખો જાહેર થતાં સામાન્ય લોકો બોન્ડમાં રોકાણ કરવા આગળ આવી રહ્યા છે. આ ઈશ્યૂમાં એક યુનિટ ૨ ગ્રામને બદલે ૧ ગ્રામનું કરવામાં આવ્યું હોવાથી ઘણાં ઈન્વેસ્ટરો તથા ઘણા લોકો આ બોન્ડ તરફ વધુ આકર્ષાશે અને સોનાના બોન્ડમાં વધુ રોકાણ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. 

પ્રથમ દિવસે બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જમાં લગભગ ૮.૫૭ કરોડ રૂપિયાની ૨૭,૪૭૫ ગ્રામ સોનાની બીડ આવતા બેંકોમાં તથા પોસ્ટ ઓફિસમાં લોકોની એપ્લિકેશનનો ધસારો જોવા મળે છે. સરકારે એક યુનિટ સોનાના બોન્ડનો ભાવ રૂ. ૩૧૧૭નો પ્રતિ ગ્રામનો રાખ્યો છે. 

સોવરેન ગોલ્ડ બોન્ડનો આ ચતુર્થ તબક્કો હોવાથી પ્રથમ ત્રણ તબક્કામાં લોકોએ બોન્ડમાં કેટલો રસ દાખવેલ તેનું કોષ્ટક. 

રોકાણકારોએ પ્રથમ ત્રણ તબક્કામાં ૪.૯ ટન સોનું સોવરેન ગોલ્ડ બોન્ડમાં રૂ. ૧૩૧૮ કરોડનું રોકાણ કર્યું છે. પ્રથમ તબક્કામાં સોવરેન ગોલ્ડ બોન્ડનો ભાવ રૂ. ૨૬૮૪ પ્રતિ ગ્રામ ઠરાવવામાં આવ્યો ત્યારે હાલમાં બીએસઈમાં બોન્ડનો ભાવ રૂ. ૩૨૫૦ પ્રતિ ગ્રામ ક્વોટ થાય છે. 

ભારતના ગોલ્ડ ટ્રેડેડ ફંડોમાં ૨૨ ટન સોનું તેના શેર સામે અનામત જથ્તા તરીકે સેફ-ડિપોઝિટમાં રાખવામાં આવ્યું છે. જ્યારે સરકારે આ નવા સોવરેન ગોલ્ડ બોન્ડની યોજના દાખલ કરી છે ત્યારે આ ૨૨ ટકા વણવપરાયેલ સોનાને બજારમાં નિકાસકારો અથવા મેન્યુફેક્ચરોને લોન લીઝ પર આપે તો તેના પર નવી ઈન્કમ મળે, પરંતુ આ ઈટીએફનું અનામત સોનાને શેરધારકો રોકાણકારોને કોલેટરલ ગેરેંટીરૂપે સ્ટોકમાં રાખેલ હોવાથી વધુ વિશ્વાસ ઊભો થાય છે ઇને ઈટીએફની વિશ્વસનીયતા વધે છે તેથી નવી ઈન્કમની લાલચને રોકવી યોગ્ય ગણાશે. અહીં રસપ્રદ નોંધ કરવી છે કે, આપણા ગુજરાતી વરિષ્ઠ પત્રકાર રાજેશ ભાયાણીએ બિઝનેસ સ્ટાન્ડર્ડમાં આ સોવરેન ગોલ્ડ બોન્ડના પ્રથમ તબક્કે શેરબજારમાં બોન્ડના શેરના ભાવોનો રૂ. ૩૪૦૦ પ્રતિ ગ્રામનો ઉલ્લેખ કરીને જાણ કરતાં રોકાણકારોને સટ્ટાકીય રમત રમવા માટે નવી માહિતી મળતા સટોડિયાઓએ એક યુનિટ સોનાનું પુષ્કળ વેચાણ કરતા સાંજના બજાર બંધના સમયે તે ભાવ ઘટીને રૂ. ૩૨૫૦ પ્રતિ ગ્રામ ક્વોટ થવા લાગેલ અને જે પ્રીમિયમ રૂ. ૨૮૧ પ્રતિ ગ્રામ બોલાતું હતું તે ઘટીને રૂ. ૧૫૦ પ્રતિ ગ્રામ બોલાવા લાગેલ. સરકારે આ ચતુર્થ સોવરેન ગોલ્ડ બોન્ડનો ભાવ રૂ. ૩૧૧૯ પ્રતિ ગ્રામ નિર્ધારિત કર્યો છે. 

આ સરકાર નિર્ધારિત ભાવો, શેરબજારના ભાવો, જૂના ઈશ્યૂ થયેલા બોન્ડના ભાવો તથા સ્થાનિક બજારમાં ડિસ્કાઉન્ટમાં મળતા સ્પોટ સોનાના ભાવો વચ્ચેનો ભાવફરક વેપારીઓને તથા રોકાણકારોને ૨.૭૫ ટકા વ્યાજ કમાવા ઉપરાંત નવી ત્રણ ત્રણ રીતે વધુ કમાણી કરવાની તક આપે છે. તો આવો આપણે આ તકોનું અવલોકન કરીએ : 

(૧) જો તમારી પાસે પ્રથમ ઈશ્યૂના સોવરેન ગોલ્ડ બોન્ડ પડયા હોય તો તમો આજના ભાવે શોર્ટ ટર્મરૂપે આ બોન્ડને રૂ. ૩૨૫૦ના ભાવે વેચીને રૂ. ૨૬૮૪ના ભાવે ખરીદેલા બોન્ડમાં નફો તારવીને ચતુર્થ ઈશ્યૂમાં ભાવે મળી એપ્લિકેશન કરીને નફો ઘરે લઈ જઈ શકો છો. દાખલા તરીકે : 

રૂ. ૩૨૫૦ – રૂ. ૨૬૮૪ = રૂ. ૫૬૬નો નફો લઈને તેના પર ૩૦ ટકા કેપિટલ ગેઈન ટેક્સ રૂ. ૧૯૦ના ભરીને તમો કુલ રૂ. ૫૬૬ – રૂ. ૧૯૦ = રૂ. ૩૯૬ ચોખ્ખો નફો તારવીને નવા રૂ. ૩૧૧૯ પ્રતિ ગ્રામના યુનિટને ખરીદીને સોના સામે સોનું રાખી શકો છો અને ઉપરાંત તમોને પ્રથમ ઈશ્યૂના ૨.૭૫ ટકા વ્યાજનો લાભ તો મળે જ ! 

(૨) આ ચતુર્થ ઈશ્યૂના બોન્ડ ખરીદીને શેરબજારમાં વેચાણ કરીને તમો રૂ. ૩૨૫૦ – રૂ. ૩૧૧૯-૦૦ = રૂ. ૧૩૧ પ્રતિ યુનિટ કમાણી કરી શકો છો. તમો જેટલા વધુ યુનિટોમાં રોકાણ કરીને શેરબજારમાં વેચાણ કરીને ટૂંકા ગાળાનો નફો તારવી શકો છો. 

(૩) બજારમાં હાજર સોનાનો ભાવ ડિસ્કાઉન્ટમાં રૂ. ૩૦૬૦૦ પ્રતિ દસ ગ્રામનો ક્વોટ થાય છે. તમો ખુલ્લા બજારમાંથી ૧ ગ્રામ સોનું ખરીદીને શેરબજારમાં યુનિટ શેરનું વેચાણ કરો તો તમો રૂ. ૩૨૫૦ – રૂ. ૩૦૬૦ = રૂ. ૧૯૦ પ્રતિ ગ્રામ યુનિટનો નફો કરી શકો છો. 

આમ તમો તમારા રોકાણકારોને કશી સટ્ટાકીય રમત રમ્યા વિના સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરીને નફો તારવી શકો છો ! તો આપણે નવા સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરીને દેશમાં વધતી જતી સોનાની આયાત ઘટાડવા મદદરૂપ બનીએ ! સોનાની આયાતને બ્રેક લગાડી શકીશું ? 

તા. ૩ (૧) જૂન માસમાં સ્થાનિક તથા વૈશ્વિક સોનાના ભાવોમાં મોટો તફાવત હોવાને કારણે માત્ર ૨૩ ટન સોનાની આયાત નોંધાઈ છે અને ૧૩ ટન સોનાના દાગીનાની નિકાસ થઈ છે. દાણચોરીથી આવનાર સોનાએ સોનાની આયાતને ફટકો લગાડયો છે. 

(૨) સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારને પાકતી મુદતે બોન્ડ રિડમ્પ્શન કરતા કેપિટલ ગેઈન ટેક્સમાંથી મુક્તિ-માફી મળે છે. તે પણ રોકાણકારોને માટે લાભદાયક છે. 

(૩) તમો સોવરેન ગોલ્ડ બોન્ડની એપ્લિકેશન કરો અને જ્યાં સુધી તમોને સોવરેન ગોલ્ડ બોન્ડ યુનિટનું સર્ટિફિકેટની ડિલિવરી મળે ત્યાં સુધીના સમયનું ૪ ટકા લેખે વ્યાજ મળશે તેવી જોગવાઈ કરાઈ છે તે તમારી જાણ માટે..   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન