સોશિયલ મીડિયાના પ્રભાવ વચ્ચે વાણી સ્વાતંત્ર્ય, એ વળી શું? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • સોશિયલ મીડિયાના પ્રભાવ વચ્ચે વાણી સ્વાતંત્ર્ય, એ વળી શું?

સોશિયલ મીડિયાના પ્રભાવ વચ્ચે વાણી સ્વાતંત્ર્ય, એ વળી શું?

 | 4:04 am IST
  • Share

  • ડિજિટલ ડિસ્ટોપિયા : સોશિયલ મીડિયાનું પ્રભુત્વ એ હદે છે કે, ‘સ્વ’નું બ્રેઇનવોશ રોકી શકાતું નથી
  • 2021ના વર્ષનો નોબેલ શાંતિ પુરસ્કાર બે ઇન્વેસ્ટિગેટિવ પત્રકારોને મળે તે સોશિયલ મીડિયાનાં આધિપત્ય વચ્ચે સાંપ્રત અને પ્રસ્તુત છે
  • – અપૂર્વ દિલીપ ત્રિવેદી
  • ‘જે દેશમાં પત્રકારત્વનો મૃત્યુઘંટ વાગે છે ત્યાં લોકશાહી મૃતઃપ્રાય બને છે. વાણી સ્વાતંત્ર્ય એ લોકશાહીની પૂર્વશરત છે.’

નોર્વેના ઓસ્લોમાંથી 8 ઓક્ટોબર, 2021ના દિવસે આ વર્ષનું નોબેલ શાંતિ પારિતોષિક જાહેર કરતાં નોબેલ કમિટીના આ શબ્દો હતા. ફિલિપાઇન્સના પ્રેસિડેન્ટ રોડ્રિગો ડયૂરેર્ટેના આખુદશાહી શાસન સામે વાણી સ્વાતંત્ર્યના અધિકારને ટકાવી રાખવા જંગ ખેડનાર પત્રકાર મારિયા રેસા અને રશિયામાં છેલ્લા ત્રણ દાયકાથી દમનકારી સત્તાના ભ્રષ્ટાચાર અને પ્રજા વિરોધી નીતિઓ, નિર્ણયોને લોકો સુધી પહોંચાડવા ઝઝૂમનારા પત્રકાર દમિત્રિ મુરાટોવને આ વર્ષના નોબેલ શાંતિ પારિતોષિક માટે પસંદ કરવામાં આવ્યા છે.

મૂળ ફિલિપાઇન્સમાં જન્મેલા પણ અમેરિકાના ન્યૂજર્સીમાં ઉછરેલા, ભણેલા મારિયા રેસાએ સ્વદેશ પાછા ફરવાનું નક્કી કર્યું. સીએનએનના કોરસપોન્ડન્ટ બન્યા, સાઉથ ઈસ્ટ એશિયા બ્યૂરોના હેડ બન્યા. તેમની પોતાના વતનમાં પત્રકારત્વની મજલ દરમિયાન તેઓ શાસકો માટે અપ્રિય બનતા ગયા. સોશિયલ મીડિયાના માધ્યમના દુરુપયોગથી તેમની સામે કુપ્રચાર, એબ્યૂઝ, ધમકીઓનો દોર ચાલ્યો. એનાથી ડર્યા વિના તેમણે સીએનએન છોડી ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમની રેપ્લર નામની વેપસાઇટ શરૂ કરી. અત્યારે તેમની એ હાલત છે કે, તેમની વિરુદ્ધ સાઇબર લાયયેલ સહિતના અનેક કેસ કરવામાં આવ્યા અને જેમાં જો તેઓ કસૂરવાર થાય તો 100 કરતાં પણ વધુ વર્ષ જેલમાં રહેવું પડે.

આ જ રીતે 1993માં પૂર્વ પ્રેસિડેન્ટ મિખાઈલ ગોર્બાચોવની મદદથી નોવાજા ગેઝેટા નામનું અખબાર શરૂ કરનારા દમિત્રિ મુરાટોવની પત્રકારત્વની સફર એટલી જ જોખમી અને શાસક સામે અડગ લડતની રહી. રશિયાના શાસકોના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડતા ગયા તેમ તેમની સામે જોખમ વધતું ગયું. તેમના જ છ સાથી પત્રકારોના રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થવા માંડયા, હત્યા થવા માંડી.

વાણી સ્વાતંત્ર્યના અધિકારને જીવંત રાખવા મથી રહેલા આ બે પત્રકારોને શાંતિનું નોબેલ પારિતોષિક મળે તેની પ્રસ્તુતતા અને પરિપ્રેક્ષ્ય સમજવા અમેરિકાના 2016ના પ્રેસિડેન્શિયલ ઔઇલેક્શન સાથે સંકળાયેલી ઘટનાને યાદ કરવી પડે.

વિશ્વની સૌથી જૂની લોકશાહી હોવાનો દાવો કરતા અમેરિકાના મોટાભાગના અખબારો, ટેલિવિઝન ચેનલ્સ અને નાગરિકો સુદ્ધાં 2016ની સાલના નવેમ્બરની 30મી સુધી એવા જ ગર્વમાં રાચતાં હતાં કે તેઓ વધુ એક ઇતિહાસના સાક્ષી બનવાના છે. 2009માં બરાક ઓબામા જ્યારે પ્રેસિડેન્ટ બન્યા ત્યારે એક અશ્વેત વ્યક્તિ પ્રેસિડેન્ટ બન્યાનો ઇતિહાસ રચાયો હતો. 2016માં હિલેરી ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ બનશે તેવું અમેરિકનો જ નહીં પરંતુ મોટા ભાગના વિશ્વને ગળે ઊતરી ગયું હતું. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા. વિવેચકો, બૌદ્ધિકો, પત્રકારો બે વર્ષ સુધી આ કેવી રીતે બન્યું તેનો તાગ મેળવવા મથી રહ્યા હતા. પરંતુ કોઈ ગેડ બેસતી નહોતી. 2018માં અચાનક જ બ્રિટનના ધી ર્ગાિડયન અને અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સે એવો ઘટસ્ફોટ કર્યો કે, 2016ના યુએસ પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં મતદારોને સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્રમ્પ તરફી પ્રભાવિત કરવામાં મૂળ બ્રિટિશ સોશિયલ મીડિયા કંપની કેમ્બ્રિજ એનાલિટિકા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની સક્રિય ભૂમિકા હતી.

સોશિયલ મીડિયામાં ટેક્નોલોજીની મદદથી થઈ રહેલ ફેરફારો પાછળનો મૂળ હેતુ વિશ્વમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું ભૌતિક અંતર ઘટાડી, વિચારોની આપ-લેથી પરસ્પર નજીક લાવવાનો હતો. પણ તેનું એક વિકૃત સ્વરૂપ જ ઊગી નીકળ્યું છે.

આનો સૌથી પહેલો અને મહત્ત્વનો ભોગ લોકશાહી બન્યું છે. આજથી બરોબર એક વર્ષ પહેલાં નેટફ્લિક્સ સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ પર કેમ્બ્રિજ એનાલિટિકાના સમગ્ર કૌભાંડના વિષય પર ‘સોશિયલ ડીલેમા’ નામનો ડોક્યુ-ડ્રામા રજૂ કરવામાં આવ્યો. જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે સોશિયલ નેટર્વિંકગનું જે વળગણ સર્જવામાં આવે છે તેના કારણે વ્યક્તિના વિચારો અને વૃત્તિ પર કેવી અસરો થાય છે અને આ પ્લેટફોર્મ્સ બ્રેઇન વોશિંગનું હથિયાર બની ગયા છે તેનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયાના ભયજનક પરિણામો અને ભાવિ અસરોથી ચિંતિત ગૂગલના જ એક હાઈ રેન્કિંગ એમ્પ્લોઈ ટ્રિસ્ટાન હેરિસે ગૂગલ છોડયું અને સેન્ટર ફોર હ્યુમેન ટેક્નોલોજી નામની સંસ્થા સ્થાપી. તેનું કહેવું છે કે, સોશિયલ મીડિયાને બ્રેઇન વોશિંગનું હથિયાર બનાવી ફેક ન્યૂઝ, ટ્વિસ્ટેડ ઇન્ફર્મેશન, જુઠ્ઠાણાં અને પ્રોપેગેન્ડાનો મારો ચલાવી એક એવી ઈકો-સિસ્ટમ સર્જવામાં આવે છે જેમાં સોશિયલ મીડિયાના યૂઝર્સ એક જ વિચારધારા અને તેના દ્વારા ભરવામાં આવતાં પગલાં, નિર્ણયોને સમર્થન તો આપે જ છે પરંતુ તેનો હિંસક રીતે બચાવ પણ કરવા તૈયાર થઈ જાય છે. ફેસબુકની વોલની પાછળ એક જટિલ પણ ખાસ ઔઇરાદાપૂર્વક રચાયેલી અલગોરિધમની જાળ છે. જેમાં એટેન્શન મેળવવાની માનવસહજ વૃત્તિને વિકૃતિમાં ફેરવતું મિકેનિઝમ કાર્યરત છે. જેને તમે લાઈક આપીને, શેર કરીને ફસાવો છો. પછી તમને પોતાને ખબર નથી પડતી તેમ તે જ પ્રકારની પોસ્ટ તમારી વોલ પર દેખાવા માંડે, સજેસ્ટ થવા માંડે અને ક્રમશઃ તમે એ જ વિચારને વધુને વધુ અનુસરવા માંડો. તમારી એક માન્યતા બંધાય, તે દૃઢ થવા માંડે, તમને જે વોલ પર આવે તે જ સાચું લાગવા માંડે. અને તમારું બ્રેઇનવોશ થઈ જાય તમને પણ ખબર ન પડે.

પ્રશાસન વિરોધીઓને દબાવવા, રૃંધવા માટે વધુને વધુ દેશની સરકારો આનો દુરુપયોગ કરવા માંડી. સફળ પણ થવા માંડી. આમાં, વિશ્વમાં એવા અનેક નેતાઓ, એટલા શક્તિશાળી બનાવા માંડયા કે તેમના ટીકાકારોનો અવાજ દબાવવા, તેમને ડરાવવા, ધમકાવવા આ જ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સનો ઉપયોગ થવા માંડયો. મિસઇન્ફર્મેશન, જુઠ્ઠાણાં એટલી મોટી સંખ્યામાં પ્રસારિત કરવામાં આવ્યા કે, તેને જ યૂઝર્સ સાચું માની બેસે.

વિશ્વમાં લોકશાહી નબળી અને આપખુદશાહી મજબૂત બનતી જાય છે. તેને ખુલ્લી પાડવાના પ્રયાસો કરનારા પત્રકારત્વને ફ્ેક ન્યૂઝ, પ્રોપેગેન્ડા, મિસઇન્ફર્મેશનના મારાથી બિન-અસરકારક બનાવવાના પ્રયાસો થાય છે. પત્રકાર અને પત્રકારત્વ સામે શાસકીય દંડા ઉગામાય. લોકોને સાચી વાત કહેવાના તેના વાણી સ્વાતંત્રના અધિકારને દબાવી દેવામાં આવે. સ્થિતિ એ હદે પહોંચે કે, એકધારા અપપ્રચારથી પ્રભાવિત નાગરિકો વાણી સ્વાતંત્ર એટલે શું, તેવો પણ કદાચ સવાલ કરતા થાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો