સૌરાષ્ટ્રમાં નપાણિયું તંત્રઃ જળાશયો છલોછલ છતા ૩થી ૬ દિવસે પાણી - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Newspaper
 • સૌરાષ્ટ્રમાં નપાણિયું તંત્રઃ જળાશયો છલોછલ છતા ૩થી ૬ દિવસે પાણી

સૌરાષ્ટ્રમાં નપાણિયું તંત્રઃ જળાશયો છલોછલ છતા ૩થી ૬ દિવસે પાણી

 | 5:16 am IST
 • Share

 • ૪૫થી ૫૦ ઈંચ વરસાદ છતાં ગોંડલ, ધોરાજી, કેશોદ સહિતના શહેરોમાં ૪થી પ દિવસે થતું પાણી વિતરણ
 • ભરપૂર વરસાદ છતા રોજ પાણી ના મળે તેવું ‘પાણીદાર’ તંત્ર
 • અત્યારે અમરેલીને દૈનિક પાણી આપવું શક્ય નથીઃ પાલિકા પ્રમુખ
 • પોરબંદરને દૈનિક તો નહી એકાંતરા પાણી માટે વિચારણાઃ ચીફ ઓફિસર
 • સંગ્રહની ક્ષમતા નથી એટલે ગોંડલમાં ૩થી પ દિવસે પાણીઃ પાલિકા
 • ફોફળ ડેમની મેઈન લાઈન નાની હોવાથી ધોરાજીને પાણીનો પ્રશ્ન
 • મોજ-વેણુ ઓવરફલોછતા ઉપલેટાને૩ દિવસે પાણી

। રાજકોટ । સૌરાષ્ટ્રમાં સર્વત્ર શ્રાીકાર વરસાદ છતા ૯૦% ગામોમાં રોજીંદુ પાણી મળતુ નથી, છલોછલ ડેમોને જોઈ આંખો ઠરે પરતુ પાલિકા-પંચાયતોની બોદી વિતરણ વ્યવસ્થા અને જળસંગ્રહ માટેની દિર્ઘદ્રષ્ટિના અભાવે જ્યા ૪પ ઈંચથી વધું વરસાદ વરસ્યો છે તેવા ગામ-શહેરોમાં ૩ થી ૬ દિવસે પાણી મળે છે. ખુદને પાણીદાર ગણાવતા નેતાઓ અને બાબૂઓ સામે આ મોટો સવાલ છે.
જામનગર જિલ્લામાં આ વર્ષે ભાદરવામા મેઘરાજાએ અતી વ્હાલ વરસાવ્યુ છે. જેના કારણે શહેરને પાણી પુરૂ પાડતા ઉંડ-૩, આજી-૪, રણજીતસાગર ડેમ ઓવરફલો થઈ ગયા છે. છતા પણ શહેરને હજુ એકાંતરા પાણી વિતરણ કરવામા આવે છે. દરરોજ પાણી મળે તે માટે શહેરમા પાઈપલાઈનનું કામ શરૂ છે જે ૨૦૨૦મા પૂર્ણ થયે દરરોજ પાણી આપી શકાશે તેમ મહાપાલિકા દ્વારા જણાવાયુ હતું.
જૂનાગઢમાં ઓણસાલ ચોમાસાંમાં મોડે મોડે પડેલા ભારે વરસાદના કારણે શહેરના ત્રણ આધાર સ્તંભસમા ડેમ આણંદપુર, વિલિંગડન ડેમ, અને હસ્નાપુર ૧૦૦ ટકા ભરાઈને ઓવરફ્લો થઈ ગયા છે. જો કે પાણી હોવા છતાં શહેરને દૈનિક પીવાનું પાણી મળતું નથી, મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના એન્જીનીયર અલ્પેશ ચાવડાએ જણાવ્યું કે, શહેરને દૈનિક પાણી વિતરણ માટે બે સિસ્ટમ અલગ થશે ત્યાર બાદ દૈનિક પાણી વિતરણ કરી શકાશે, તેના માટે હાલ પુર જોશમાં કામગીરી ચાલી રહી છે.
૩૩ ઇંચ વરસાદ થતાં અમરેલીને બે થી ત્રણ દિવસે પાણી મળે છે.અમરેલી પાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણીએ જણાવ્યું કે હાલમાં અમરેલીમાં દર બે દિવસ પછી ત્રીજા દિવસે પાણી નિયમિત રીતે અપાય છે. સાવરકુંડલા રોડ પર બનાવવામાં આવેલો ટાંકો અને સંપ ચાલુ થાય તો એકાંતરે પાણી આપી શકશે. આ માટે મંજૂરી માગી છે.
પોરબંદરમાં ભારે વરસાદ છતાં શહેરને હાલમાં ત્રણ દિવસે એક વખત અડધો કલાક પાણી વિતરણ કરવામા આવે છે. પોરબંદર પાલિકાના ઇન્ચાર્જ ચીફ્ ઓફ્સિર મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે દૈનિક નહિ પરંતુ એકાંતરા પાણી વિતરણ કરવાનું વિચારણા હેઠળ છે જે અંગે ટૂંક સમય માં નિર્ણય લેવાશે.
દ્વારકામાં એકાંતરા ૪૫ મિનિટ પાણી આપવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ગોંડલમા આ વર્ષે ૫૧ ઈંચ જેટલો ભારે વરસાદ પડી ગયો છે અને શહેરને પાણી પુરૂ પાડતા વેરી તળાવ, આશાપુરા ડેમ, સેતુબંધ ૧૦૦ ટકા ભરાઈ ગયા છતા શહેરમા કયાંક ત્રણ દિવસે તો કયાક પાંચ દિવસે પાણી મળે છે. ગોંડલના પાલિકાના ચિફ ઓફિસરે જણાવ્યુ હતુ કે શહેરમાં સાત ટાંકી ખાતે સ્ટોરેજ ઓછુ છે અને પંપીંગ પ્લાન્ટનું કામ ચાલુ છે જે પૂર્ણ થયે પાણી વધુ સંગ્રહી શકાશે અને શહેરને દરરોજ ફોર્સથી દરરોજ પાણી આપી શકાશે.
૪૮ ઇંચ છતાં ધોરાજી શહેરને ૪ દિવસે પાણી મળે છે. આ બાબતે વોટર વર્કસ વિભાગના સુપ્રિ. રાજુભાઈ પોકિયાએ જણાવ્યુ કે શહેરમા ૪ ઓવરહેડ ટેન્ક બનાવાઈ છે જેને કારણે ૪ દિવસમાંથી ૩ દિવસ થઈ જશે. હાલમાં ફોફળ ડેમની મેઈન લાઈન નાની હોવાથી દરરોજ પાણી આપી શકાતું નથી.
ઉપલેટા પંથકમાં આ વર્ષે ૩૧ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે અને શહેરને પાણી પુરૂ પાડતા મોજ અને વેણુ ડેમ ઓવરફલો થઈ ગયા છે. છતા હજુ ત્રણ દિવસે પાણી મળે છે. આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર દવેએ જણાવ્યુ હતુ કે શહેરમાં ૭૦ સ્થળોએ જુદી -જુદી સાઈઝના વાલ્વ મુકીને તેના પ્લાન એસ્ટીમેટ બનાવેલ છે. જે હાલમા વહીવટી પ્રક્રિયામાં છે જે પૂર્ણ થયે દરરોજ શહેરને પાણી આપી શકાશે.
કેશોદમાં મોડે મોડે પણ મેઘરાજાએ ભરપૂર વરસતા ૪૫ ઈંચ જેટલો વરસાદ પડયો છે. પરંતુ શહેરને ૬ દિવસે પાણી મળે છે. વેરાવળને પાણી પુરૂ પાડતો હિરણ-૨ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. હાલમાં શહેરને એકાંતરા પાણી વિતરણ થાય છે. દરરોજ પાણી વિતરણ અંગે પાલિકાના ચીફ ઓફિસર જગદીશ મહેતાએ જણાવ્યુ હતુ કે સંગ્રહશકિત વધે તો દરરોજ પાણી આપી શકાય. નવા બે ટાંકા બની રહ્યા છે જેને હજુ ૬ મહિના લાગશે. જે બાદ દરરોજ પાણી આપી શકાશે.
વાંકાનેર પંથકમાં આ વર્ષે ૨૨.૩૨ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, ભારે વરસાદથી શહેરને પાણી પુરુ પાડતા મચ્છુ-૨ ઓવરફલો થઈ ગયો છે પરંતુ હાલમા શહેરને એકાંતરા પાણી મળે છેે. આ બાબતે પાણી પુરવઠાના અશોક રાવળે જણાવ્યુ હતુ કે હાલમા એંકાતરા પાણીની વ્યવસ્થા ગોઠવાયેલી છે. જેથી શહેરને એકાંતરા પાણી મળે છે. તાલાલા ગીર પંથકમાં આ વર્ષે ભાદરવે ભરપૂર ૪૫ ઈંચ જેટલો વરસાદ પડયો છે જેના કારણે કમલેશ્વર ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે હાલમા શહેરને દરરોજ પાણી વિતરણ કરાઈ રહ્યુ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો