સૌરાષ્ટ્રમાં વરસાદનો વિરામ, હવે વેદનાનું વાવાઝોડું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સૌરાષ્ટ્રમાં વરસાદનો વિરામ, હવે વેદનાનું વાવાઝોડું

સૌરાષ્ટ્રમાં વરસાદનો વિરામ, હવે વેદનાનું વાવાઝોડું

 | 5:10 am IST
  • Share

  • ૨૦૦થી વધુ ગામડામાં ઉપર આભ નીચે ધરતી જેવી સ્થિતિ : કોઈ સહાય મળી નથી
  • ૪૬ ડેમો છલકાતા ગાંડીતૂર નદીઓના પાણીથી હજૂ જામનગર, જૂનાગઢના અનેક ગામો સંપર્કવિહોણા

। રાજકોટ । સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી વરસાદે વિરામ લીધો છે પરંતુ તારાજીના કારણે વેદનાનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. છલકાયેલા ૪૬ જળાશયો અને ગાંડીતૂર નદીઓના પૂરથી ૧૨૬ માર્ગો હજૂ બંધ છે, રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લાના ૨૦૦થી વધુ ગામડામાં ભારે તારાજી થઈ છે, જ્યાં હજૂ કોઈ સહાય ન મળતા ગ્રામજનો માટે ઉપર આભ નીચે ધરતી જેવી સ્થિતિ છે. રાજકોટના લોધીકા તાલુકામાં ૨૦ ઈંચ વરસાદે ભયંકર તબાહી સર્જી હતી. લોધિકડી ડેમ તુટતા કોઠા પિપળીયા, ચાંપાબેડા, નોંઘુ પિપળીયા, કાલંભડી નોંધણચોરા ગામમાં ખાનાખરાબી થઈ છે ત્યા હજુ પણ ગ્રામજનોના આંસુ લુછવા કોઈ નેતા કે અધિકારી પહોંચ્યો નથી.જૂનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે પરંતુ હજૂ પૂરના પાણી ઓસર્યા નથી. ૪૫ ગામોમાં હજૂ પાણી ભરાયેલા છે. જિલ્લાના ૩૧ રસ્તા હજૂ બંધ છે.
દેવકા નદીના પૂરથી તારાજ વેરાવળની સોસાયટીઓમાં ભારે તારાજી જોવા મળી છે. ગડુ સુધીના માર્ગ ઉપર ઠેર-ઠેર ગાબડા પડી ગયા છે. મેંદરડા, માળિયા હાટીના, કેશોદ ગ્રામ્ય પંથકમાં ખેતરો ધોવાઈ ગયા છે.
જામનગર શહેરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ હવે ઠેર-ઠેર ગંદકીથી રોગચાળાની ભીતિ સર્જાઈ છે. લોકોને જંગી નુકસાની ગઈ છે. આજે પણ જનજીવન ઉપર તેની અસર વર્તાતી હતી. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં પાક ધોવાઈ ગયો છે. ધુંવાવ, સમાણા, ધ્રાફા સહિતના ગામોમાં કાચા મકાનો ધોવાઈ ગયા બાદ ગ્રામજનો નિરાધાર બની ગયા છે.
આટલી બધી તારાજી હોવા છતા તંત્રની સંવેદનશીલતા જાણે મરી પરવારી હોય તેમ કોઈ જ મદદ કરવામા આવી નથી તેવો આક્રોશ સ્થાનિક આગેવાનો અને લોકો વ્યક્ત કરી રહ્યા છે. ભારે વરસાદ બાદ આજે વરાપ નિકળ્યો છે ત્યારે લોકોની મદદે જવાના બદલે તંત્ર જાણે ફિફા ખાંડી રહયું હોય તેમ વાતો સિવાય કોઈ જ કામગીરી કરી નથી . વરસાદમાં બધુ ગુમાવી ચૂક્યા છે તેવા લોકોએ જણાવ્યું હતું કે, અમારા આંસુ લુછવા નથી કોઈ અધિકારી દેખાયા કે નથી કોઈ નેતા ફરકયાં. સર્વે કામગીરીની માત્ર વાતો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન