સૌરાષ્ટ્રમાં હાર્દિક પટેલના સમર્થનમાં લાલપુર-મોટી ખોડીયાર, આંબળાશે બંધ પાળ્યો - Sandesh
 • Home
 • Jamnagar
 • સૌરાષ્ટ્રમાં હાર્દિક પટેલના સમર્થનમાં લાલપુર-મોટી ખોડીયાર, આંબળાશે બંધ પાળ્યો

સૌરાષ્ટ્રમાં હાર્દિક પટેલના સમર્થનમાં લાલપુર-મોટી ખોડીયાર, આંબળાશે બંધ પાળ્યો

 | 1:15 am IST

 • પ્રતિક ઉપવાસ અને રામધૂનમાં જોડાતા લોકો
 • પાનેલી, ટીંબી, લજાઈ, માંડવા, પીપળવામાં પ્રતિક ઉપવાસ-રામધૂન
 • ટંકારામાં થાળીનાદ : રસ્તારોકો આંદોલન ઃ આજે જામજોધપુર બંધનું એલાન
  રાજકોટ : અમદાવાદમાં ચાલી રહેલા હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સૌરાષ્ટ્રમાં પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. પ્રતિક ઉપવાસ અને રામધુનના કાર્યક્રમો આપવામાં આવી રહ્યાં છે. લાલપુરે બંધ પાળી રોષ વ્યકત કર્યો હતો. મેંદરડા તાલુકાનું મોટી ખોડીયાર અને તાલાલાનું આંબળાશ ગામ બંધ રહ્યું હતુ. જોડીયા, ગાંઠીલા ઉમિયાધામ ખાતે પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા.તા.૮મીએ જામજોધપુર બંધનુ એલાન આપવામાં આવ્યું છે.
  લાલપુર તાલુકા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અપાયેલ બંધના એલાન અનુસંધાને વેપારીઓએ સ્વયંભુ બંધ પાળી સમર્થન આપ્યું હતુ. ઉમિયા માતાજી મંદિરમાં રામધુનનો કાર્યક્મ યોજાયો હતો.
  મેંદરડા તાલુકાના મોટી ખોડીયાર ગામે ધંધા રોજગાર બંધ રાખી સમસ્ત પાટીદાર સમાજે ઉપવાસ કર્યા હતા. રામધુનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગામના પાંચ યુવાનોે મુંડન કરાવ્યું હતુ.
  જૂનાગઢ નજીક ઉમિયા ગાંઠીલાધામ ખાતે જૂનાગઢ જિલ્લા તેમજ ગીર સોમનાથ પાસ સમિતિ દ્વારા પ્રતિક ઉપવાસ અને રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતુ.
  જોડીયામાં હનુમાન મંદિરના પટાંગણમાં પાટીદાર સમાજના યુવાનો અને મહિલાઓએ રામધુનનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
  ટીંબીમાં પાટીદાર અને અન્ય સમાજ દ્વારા રામધૂન સાથે પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
  ભેંસાણના માંડવા અને પીપળીયામાં પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રામધુન બોલાવવામાં આવી હતી.
  ટંકારામાં પાટીદાર મહિલાઓ દ્વારા મોરબી રાજકોટ હાઈવે પર લતીપર ચોકડી ખાતે થાળીનાદ સાથે રસ્તારોકો આંદોલન કર્યું હતુ.
  પાટીદાર સેવા સમાજ સમિતિ દ્વારા તા.૮ને શનિવારે જામજોધપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે.
  હળવદના ગામડે ગામડે રામધુનનુ આયોજન કરવામાં આવ્યું હતુ. રણમલપુરમાં પ્રતિક ઉપવાસ અને રામધુન કરવામાં આવ્યા હતા.
  ટંકારા તાલુકાના લજાઈમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમ વામજા અને આગેવાનો દ્વારા પ્રતિક ઉપવાસ અને રામધૂન કરવામાં આવ્યા હતા.
  મોટી પાનેલીમાં કડવા પટેલ સમાજમાં પ્રતિક ઉપવાસ કરી રામધૂન બોલાવવામાં આવી હતી. એકાવન પાટીદારોએ મુંડન કરાવ્યું હતુ.
  મોરબી જીલ્લા કોંગ્રેસના આગેવાનોએ ખેડુતોના પ્રશ્ને અને હાર્દિક પટેલના સમર્થનમાં ર૪ કલાકના ઉપવાસનો પ્રારંભ કર્યો છે. કોંગ્રેસના આગેવાનોના આ ઉપવાસ શનીવારની સવાર સુધી ચાલશે.
  જેસર તાલુકા ખેડૂત સમાજ દ્વારા ઉપવાસ આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે. ગાંધી ચીંધ્યા રાહે ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે.
  મેંદરડા તાલુકાના પાટીદાર કાર્યકરો દ્વારા સરકારની નીતિઓને વખોડી કાઢી મેંદરડા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.
  જામનગર તાલુકાના નાઘુનાગામ સમસ્ત લોકો દ્વારા સમગ્ર ગુજરાતના ખેડુતોના હિત માટે ઉપવાસ આંદોલન ઉપર ઉતરેલા હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતીક ઉપવાસનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રપ૦થી વધુ ગામ લોકો જોડાયા હતાં અને રામધુન બોલાવી હતી.
  તાલાલા તાલુકાના આંબળાશ ગીર ગામે બંધ પાળ્યો હતો. રામજી મંદીરે ધરણા કરી આખો દિવસ અખંડ રામધુન બોલવામાં આવી હતી. ૧૩૦૦ ભાઈઓ, બહેનો જોડાયા હતા. અને હાર્દિક પટેલના આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી.
  ખાંભાના મોટા બારમણમાં પાટીદાર સમાજ દ્વારા રામધુન અને પ્રતિક ઉપવાસનું આયેાજન કરવામાં આવ્યું હતુ.
  બાબરામાં ઘંટારવનો કાર્યક્મ યોજાયો હતો. વાંકળીયા ગામે શાળામાં તાળાબંધી કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચમારડીમાં ૧૧ પાટીદારોએ મુંડન કરાયા હતા. રામધૂન, ઉપવાસ, થાળી વેલણ સહિત શીર મુંડનના કાર્યક્રમો યોજાયા હતા.
  વીરપુર જલારામમાં સમાધી ચોકમાં પ્રતિક ઉપવાસ અને રામધુન કરવામાં આવ્યા હતા. હાર્દીક પટેલના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
  અમરેલીમાં પાટીદાર અનામત આંદોલનને અનુલક્ષીને ટોળા દ્વારા કોલેજ કેમ્પસમાં ઘૂસીને કોલેજ બંધ કરાવવા માટેનો પ્રયાસ થતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.