સ્કૂલવર્ધી ચાલકોને તકલીફઃ ખર્ચા બચાવવા વાલીઓ જ બાળકોને સ્કૂલે મૂકવા જાય છે - Sandesh
  • Home
  • Ahmedabad
  • સ્કૂલવર્ધી ચાલકોને તકલીફઃ ખર્ચા બચાવવા વાલીઓ જ બાળકોને સ્કૂલે મૂકવા જાય છે

સ્કૂલવર્ધી ચાલકોને તકલીફઃ ખર્ચા બચાવવા વાલીઓ જ બાળકોને સ્કૂલે મૂકવા જાય છે

 | 4:07 am IST
  • Share

કોવિડના લીધે સ્કૂલ વર્ધીના ધંધાને મોટી અસર, અનેક વાનચાલકોએ દેવું થતાં વાન વેચી દીધી હતી

20 મહિનાથી ધંધો બંધ હોવાથી વાન-રિક્ષાચાલકો અન્ય કામધંધામાં જોડાયા

         

ધો.1થી 5ની શાળાઓ ઓફલાઇન શરૂ થતાં સ્કૂલ વર્ધીના રિક્ષા-વાન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમકે શહેરના પૂર્વ વિસ્તારમાં ઘણાં વાલીઓ ખર્ચો બચાવવા માટે બાળકને જાતે જ શાળાએ મૂકવા જવાનું પસંદ કરી રહ્યાં છે.  બીજી તરફ કોવિડ મહામારીના લીધે ઘણા સ્કૂલ વાનચાલકો દેવું થવાના કારણે વાન વેચી દઇને અન્ય ધંધા રોજગાર તરફ વળ્યા હતા. જેમાં સેટ થઇ ગયા હોવાથી તેઓ પણ સ્કૂલ વર્ધીના ધંધામાં પરત ફરવા માંગતા નથી. આમ સ્કૂલવાન-રિક્ષાચાલકોના ધંધાને ભારે અસર થઇ હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પૂર્વ વિસ્તારના એક વાલીએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે નોકરી છૂટી ગઇ, બીજી નોકરી માંડ લાગી છે. હવે ઘરનાં ખર્ચા મહામુસીબતે પૂરા કરીએ છીએ ત્યાં ફરી શાળાઓ શરૂ કરવાના નિર્ણયથી અમારા ખર્ચા વધી જશે. એટલે ખર્ચા બચાવવામાટે મારા બાળકને શાળાએ જવા માટે સ્કૂલવાનના બદલે હું પોતે જ મૂકવા જાઉં છું.

જ્યારે અન્ય એક વાલીએ જણાવ્યું હતું કે, મારે મારા બાળકને શાળાએ મોકલવું તો છે પણ ખર્ચા પહોંચી વળાય તેમ નથી. એટલે નાછૂટકે બાળકને શાળામાં મૂકવા માટે અમારે જ જવું પડે છે.

જ્યારે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના હોદ્દેદારે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં ઓનલાઇન શિક્ષણના લીધે 20 મહિના સુધી સ્કૂલ વર્ધી બંધ રહી હતી. એટલે રોજગારી છીનવાઇ જવાના કારણે અનેક સ્કૂલ વર્ધી ચાલકો અન્ય ધંધા-રોજગાર કરવા લાગ્યા છે. હવે શાળાઓ શરૂ થઇ ત્યારે અન્ય ધંધામાં બધુ બરાબર ચાલતું હોવાથી ઘણાં વાન-રિક્ષાચાલકો સ્કૂલ વર્ધી કરવાનું બંધ કરી દીધું છે. ઉપરાંત ઘણા વાલીઓએ પણ ખર્ચા બચાવવા સ્કૂલવાન કે રિક્ષામાં મોકલતાં નથી. તેના લીધે પણ સ્કૂલ વર્ધીના બિઝનેસને મોટી અસર થઇ છે.

ઘણા વાલીઓ કોરોનાના ડરના કારણે પણ બાળકોને રિક્ષા અને વાનમાં મોકલતા ખચકાઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો