હથિયારો ઉડયા, ધરપકડો થઈ પછી કડિયા સમાજમાં સમાધાન - Sandesh
 • Home
 • Jamnagar
 • હથિયારો ઉડયા, ધરપકડો થઈ પછી કડિયા સમાજમાં સમાધાન

હથિયારો ઉડયા, ધરપકડો થઈ પછી કડિયા સમાજમાં સમાધાન

 | 12:23 am IST

 • સામસામે કાદવ ઉછાળ બાદ ઘીના ઠામમાં ઘી
 • જૂનાગઢમાં સમાજ અગ્રણીઓની બેઠકમાં વિવાદોને તિલાંજલી
  જૂનાગઢ : કડિયા સમાજમાં સામસામે કાદવો ઉછળ્યા બાદ આગેવાનો વચ્ચે સમાધાન થયુ છે. તાજેતરમાં જે જ્ઞાતિના સંમેલનમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા એવા અમરેલી ખાતે ગત ર૩-૧ર ના રોજ યોજાયેલ ઓલ ઈન્ડિયા કડીયા જ્ઞાતિના સંમેલનમાં વિવાદો સપાટી પર આવ્યા હતાં અને સામસામે પોલીસ ફરિયાદો થઈ હતી. જૂનાગઢ કડીયા જ્ઞાતીના પ્રમુખ દ્વારા સફળ મધ્યસ્થી કરાયા બાદ વિવાદોમાં સુખદ સમાધાન થયેલ છે. આપાગીગાના ધુપની સાક્ષીએ સમગ્ર સમાજના નિર્માણ અને કથિત પ્રશ્નોને પૂર્ણવિરામ આપવામાં આવ્યુ છે તેમ જૂનાગઢ કડીયા જ્ઞાતીના પ્રમુખના નિવાસસ્થાને મળેલ રાજ્યના તમામ પ્રમુખોની બેઠકમાં એકસુરે મત વ્યક્ત થયો હતો.
  ગત તા.ર૩-૧ર ના રોજ અમરેલી ખાતે ઓલ ઈન્ડિયા કડીયા જ્ઞાતિના મળેલ સંમેલનમાં રાજકોટ આપાગીગાના મહંત નરેન્દ્ર બાપુ અને સંમેલનના આયોજક અને દાતા અમરેલી જ્ઞાતિ પ્રમુખ ભરત ટાંક વચ્ચે ઉગ્ર વિવાદો થયા હતાં અને સામસામે ફરિયાદો થઈ હતી.
  સમાજમાં વૈમનસ્વ ન ફેલાય તેવા હેતુથી જૂનાગઢ કડીયા સમાજના પ્રમુખ અને દાતા ધીરૂભાઈ ગોહેલના નિવાસસ્થાને ગુજરાતના જુદા-જુદા જિલ્લાના જ્ઞાતિપ્રમુખો રાજકોટના મહંત નરેન્દ્ર બાપુ, હાલારના છગનભાઈ રાઠોડ, અમરેલીના ભરતભાઈ ટાંક, અમદાવાદના નિલેશભાઈ ચૌહાઅ સહિત ર૦૦ કાર્યકરો-પ્રમુખોની હાજરીમાં યોજાયેલ બેઠકમાં જૂનાગઢ જ્ઞાતિ પ્રમુખ ધીરૂભાઈ ગોહેલે સફળ મધ્યસ્થી કરી થયેલ મતભેદો અંગે ચર્ચાઓ કરી વિવાદનો સુખદ અંત લાવી સાથે મળી કામ કરી નવસર્જન કરવાનો આનંદ અનેરો હોય છે તેમ જણાવ્યુ હતું. આ તકે નરેન્દ્ર બાપુ દ્વારા આપાગીગાના ધુપની સાક્ષી સમાજના નિર્ણયને માથે ચડાવી સમગ્ર સમાજ એક છે તેવી હાકલ કરી હતી.
  અમરેલીના પ્રમુખ ભરતભાઈએ પણ વિવાદોને તિલાંજલી આપી કડીયા સમાજ સશક્ત, શક્તિશાળી અને સંગઠીત હતો…છે…અને રહેશે તેવું સમાજના અગ્રણીઓને આહવાન કરી તમામ જુના મતભેદોનો અંત આવેલ છે તેમ જણાવ્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન